કોઈ છોકરી તેના બાળકને મારું બાળક કહે તો મારા પેરન્ટ્સ મને મારી નાખશે: મીઝાન જાફરી

22 July, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીઝાનની ‘હંગામા 2’ ડિઝની+હૉટસ્ટાર પર ૨૩ જુલાઈએ રિલીઝ થવાની છે

મીઝાન જાફરી

મીઝાન જાફરીનું કહેવું છે કે જો કોઈ છોકરી અચાનક તેના ઘરે આવીને તેને તેના દીકરાનો પિતા કહે તો તેનું ઘરમાં આવી બને. મીઝાનની ‘હંગામા 2’ ડિઝની+હૉટસ્ટાર પર ૨૩ જુલાઈએ રિલીઝ થવાની છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી કુન્દ્રા, પરેશ રાવલ અને રાજપાલ યાદવ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દેખાડવામાં આવે છે કે મીઝાન જે આકાશનું કૅરૅક્ટર ભજવી રહ્યો છે, તેના ઘરે અચાનક એક યુવતી બાળકને લઈને આવે છે અને તેને આકાશનું બાળક કહે છે. પોતાના આ પાત્ર વિશે મીઝાને કહ્યું હતું કે ‘ફિલ્મમાં મારા કૅરૅક્ટરનું નામ આકાશ છે. તે એક સારી ફૅમિલીનો હોય છે. તે લગ્ન માટે કોઈ અન્ય ફૅમિલીના સંપર્કમાં આવે છે. જોકે બરાબર એ જ સમયે એક યુવતી તેના ઘરે બાળકને લઈને આવે છે અને તેને આકાશનું બાળક જણાવે છે. બસ, ત્યારથી જ ગરબડ અને હંગામા શરૂ થાય છે. સ્વાભાવિક છે કે તે અતિશય નર્વસ અને વ્યાકુળ બની જાય છે. તેને ખબર નથી હોતી કે શું કરવું અને શું ન કરવું. તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ બધું વ્યર્થ જાય છે.’

મીઝાનને પૂછવામાં આવ્યું હતું કે તે ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિમાં ફસાઈ જાય તો શું કરશે. એનો જવાબ આપતાં મીઝાને કહ્યું હતું કે ‘હું ત્યારે શું કરીશ એનો મને જરા પણ અંદાજ નથી. હું કદાચ ક્યાંક જઈને છુપાઈ જઈશ. જો કોઈ યુવતી મારા ઘરે આવીને તેના બાળકને મારું હોવાનો દાવો કરે તો મારા પેરન્ટ્સ તો મને જ મારી નાખશે. એ ખરેખર ખરાબ સ્થિતિ હશે. હું આવી સ્થિતિમાં ફસાવા નથી માગતો.’

entertainment news bollywood bollywood news bollywood gossips