મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસમાં મોટી કાર્યવાહી, અભિનેતા સાહિલ ખાનને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધા

28 April, 2024 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ સાયબર સેલની વિશેષ તપાસ ટીમે મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસ (Mahadev Betting App Case)માં અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી અટકાયત કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી

સાહિલ ખાનની ફાઇલ તસવીર

મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસ (Mahadev Betting App Case)માં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 15,000 કરોડના આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ અભિનેતા સાહિલ ખાનની અટકાયત કરવામાં આવી છે. ગયા ગુરુવારે પણ SITએ આ કેસમાં તેમની છ કલાક પૂછપરછ કરી હતી. ધરપકડ ટાળવા સાહિલ ખાને બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

મુંબઈ સાયબર સેલની વિશેષ તપાસ ટીમે મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસ (Mahadev Betting App Case)માં અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી અટકાયત કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેને શનિવારે છત્તીસગઢના જગદલપુરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

6 કલાકની પૂછપરછ થઈ

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગયા ગુરુવારે આ કેસમાં સાહિલ ખાન (Sahil Khan)ની પૂછપરછ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, સાહિલ ખાન કોર્ટના આદેશ મુજબ ગુરુવારે બપોરે લગભગ 1 વાગ્યે SIT સમક્ષ હાજર થયો હતો અને તેનું નિવેદન નોંધીને સાંજે 5.30 વાગ્યે ચાલ્યો ગયો હતો. સાહિલ ખાને દાવો કર્યો હતો કે આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી.

તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસ (Mahadev Betting App Case)ની તપાસ કરી રહી છે, જ્યારે મુંબઈ પોલીસે 32 લોકો વિરુદ્ધ અલગથી કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે SITની રચના કરી છે. SIT વિવાદાસ્પદ મહાદેવ સટ્ટાબાજીની ઍપના પ્રમોટરો અને રાજ્યની કેટલીક નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓ વચ્ચેના કથિત ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે.

15 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ

પોલીસ દ્વારા આ કેસમાં નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ આ કૌભાંડ લગભગ 15,000 કરોડ રૂપિયાનું છે. પોલીસે કહ્યું કે, ખાન અને અન્ય 31 વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બૅન્ક ખાતા, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય તકનીકી ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.

‘સ્ટાઇલ’ના સાહિલ ખાન વિરુદ્ધ એફઆઇઆર દાખલ

‘સ્ટાઇલ’ અને ‘એક્સક્યુઝ મી’માં જોવા મળેલા સાહિલ ખાન વિરુદ્ધ એક મહિલાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કર્યો છે. એ મહિલાનો આરોપ છે કે સાહિલે તેના વાંધાજનક ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યા હતા. મહિલાએ એ બાબતનો વિરોધ કર્યો તો તેને અને તેના પરિવારને સાહિલે ધમકાવવાની શરૂઆત કરી હતી. એથી મહિલાએ પોલીસની મદદ લીધી છે. ભારતીય દંડસંહિતાની કેટલીક કલમો મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ સાહિલ વિરુદ્ધ અન્ય મામલામાં એફઆઇઆર નોંધવામાં આવ્યો છે.

sahil khan mumbai police bollywood bollywood news bollywood buzz entertainment news