આજે​ રિલીઝ થાય છે મૈદાન : ભારતના ફુટબૉલ કૉચ સૈયદ અબ્દુલ રહીમ પર બની છે ફિલ્મ

10 April, 2024 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના કારણે ટીમને બે વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમ જ ૧૯૫૬ની સમર ઑલિમ્પિક્સમાં તેમના કારણે ભારત પહેલી એવી એશિયાની ટીમ બની હતી જે સેમી ફાઇનલ માટે ક્વૉલિફાઇ થઈ હતી.

અજય દેવગન

અજય દેવગનની ‘મૈદાન’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના શો આજે સાંજે છ વાગ્યાથી શરૂ થઈ રહ્યા છે. એની ટક્કર અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે થવાની હતી, પરંતુ એ ફિલ્મ હવે ગુરુવારે રિલીઝ થશે. અજય દેવગનની ‘શૈતાન’ ખૂબ જ સારી રહી હતી અને હવે આ ફિલ્મ બાજી મારે છે કે નહીં એ જોવું રહ્યું. બોની કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં અજયની સાથે પ્રિયામણિ અને ગજરાજ રાવ પણ છે. આ ફિલ્મ ૧૯૫૨થી લઈને ૧૯૬૨ દરમ્યાન ફુટબૉલ કોચ તરીકે કામ કરનાર સૈયદ અબ્દુલ રહીમના જીવન પરથી બનાવવામાં આવી છે. તેમણે ભારતમાં સ્પોર્ટ્સ અને એમાં પણ ખાસ કરીને ફુટબૉલને એક અલગ ઓળખ અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતની ટીમને ‘બ્રાઝિલ ઑફ એશિયા’ તરીકે ઓળખવામાં આવતી હતી. ભારતના સ્પોર્ટ્સ ઇતિહાસમાં તેમનું નામ ખૂબ જ મોટું છે. તેમણે જે મુશ્કેલીઓ વેઠી છે અને જે પરિશ્રમ અને સૅક્રિફાઇસ કર્યા છે એ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. તેમના કારણે ટીમને બે વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમ જ ૧૯૫૬ની સમર ઑલિમ્પિક્સમાં તેમના કારણે ભારત પહેલી એવી એશિયાની ટીમ બની હતી જે સેમી ફાઇનલ માટે ક્વૉલિફાઇ થઈ હતી. આ ફિલ્મ માટે ફુટબૉલ રમતા ઘણા યુવાનોને પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગનના દીકરા એસ. એસ. હકીમના પાત્રમાં મુંબઈના ગુજરાતી રિષભ જોષીને પસંદ કરવામાં આવ્યો છે.

entertainment news bollywood buzz bollywood news bollywood ajay devgn