ઍક્ટ્રેસ બનવાની દિશામાં મોનાલિસાનું પહેલું પગલું, તેને નથી મળ્યા લાખો રૂપિયા

12 February, 2025 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની ઑફર મળ્યા પછી પોતાનું મેકઓવર કરાવ્યું છે અને નવા લુકની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે

મોનાલિસા ભોસલે

પ્રયાગરાજના મહાકુંભથી ચર્ચામાં આવેલી મોનાલિસા ભોસલે ફિલ્મ ‘ધ મણિપુર ડાયરીઝ’ના શૂટિંગ માટે મધ્ય પ્રદેશના માહેશ્વરથી મુંબઈ આવવા રવાના થઈ ગઈ છે. આમ તેણે ઍક્ટ્રેસ બનવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રાના અસિસ્ટન્ટ મહેન્દ્ર લોધી માહેશ્વર પહોંચ્યા હતા અને ત્યાં મોનાલિસાના પરિવાર સાથે ચર્ચા કરીને ફિલ્મના શૂટિંગ માટે તેને લઈને મુંબઈ આવવા નીકળ્યા હતા.

હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે ત્યારે મહાકુંભમાં પોતાના સાદગીસભર સૌંદર્યથી બધાનું ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થયેલી મોનાલિસાએ ફિલ્મની ઑફર મળ્યા પછી પોતાનું મેકઓવર કરાવ્યું છે અને નવા લુકની તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.

મોનાલિસા વિશે એવી પણ ચર્ચા હતી કે તેને પોતાની પહેલી ફિલ્મ માટે લાખો રૂપિયાની ફી મળી છે. જોકે આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં મોનાલિસાએ કહ્યું છે કે ‘મને ફિલ્મમાં કામ કરવા માટે લાખો રૂપિયા મળ્યા છે એ વાત ખોટી છે. સોશ્યલ મીડિયામાં આ અફવા ફેલાઈ રહી છે. હું એક સામાન્ય છોકરી છું અને મને બધાનો પ્રેમ મળ્યો છે જેને કારણે મને આ ફિલ્મ મળી છે.’

prayagraj kumbh mela social media bollywood bollywood news entertainment news upcoming movie