...નહીંતર માધુરી દી​ક્ષિત નરેશ કનોડિયાની હિરોઇન તરીકે જોવા મળી હોત!

17 December, 2019 11:48 AM IST  |  Mumbai | Ashu Patel

...નહીંતર માધુરી દી​ક્ષિત નરેશ કનોડિયાની હિરોઇન તરીકે જોવા મળી હોત!

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત હિરોઇન બની હતી એ અગાઉ તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સંઘર્ષના એ તબક્કા દરમ્યાન માધુરી દીક્ષિતે ઘણી વાર રિજેક્શન્સનો સામનો કરવો પડ્યો હતો. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેની કરીઅર જામી નહોતી રહી એ સમય દરમ્યાન માધુરીએ ટીવી-સિરિયલમાં રોલ મેળવવા માટે પણ ઘણી કોશિશ કરી હતી (બાય ધ વે, દૂરદર્શનના અધિકારીઓને માધુરીનો ચહેરો અપીલિંગ નહોતો લાગ્યો. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું) અને પ્રાદેશિક ફિલ્મોમાં પણ રોલ મેળવવાની કોશિશ કરી હતી.



એ સમય દરમ્યાન તેણે ગુજરાતી ફિલ્મમાં રોલ મેળવવાની કોશિશ કરી હતી. તેણે ગુજરાતી ફિલ્મોના એક સમયના ધુરંધર પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલની એક ગુજરાતી ફિલ્મમાં રોલ મેળવવાની કોશિશ કરી હતી, પણ ગોવિંદભાઈ પટેલે તેને રિજેક્ટ કરી દીધી હતી. તેમનું માનવું હતું કે આવી સુકલકડી છોકરી ગુજરાતી ફિલ્મની હિરોઇન તરીકે ન ચાલે. એ પછી તેમણે દીપિકા ચીખલિયાને હિરોઇન તરીકે સાઇન કરી હતી. એ ફિલ્મ હતી ‘જોડે રહેજો રાજ’. (લોકપ્રિય ગાયક અરવિંદ બારોટ તેમની સ્મૃતિના આધારે કહે છે કે ‘ગોવિંદભાઈ પટેલે માધુરીને કદાચ ‘લાજુ લાખણ’ ફિલ્મ માટે પણ રિજેક્ટ કરી હતી) નહીંતર માધુરી દીક્ષિત નરેશ કનોડિયાની હિરોઇન તરીકે ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હોત.



આ વાંચીને ગુજરાતી વાચકોને એવો અફ્સોસ થતો હોય કે માધુરી દીક્ષિત ગુજરાતી ફિલ્મમાં? અફસોસ થતો હોય તો કહી દઉં કે માધુરીએ એક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું અને એ ફિલ્મ હતી, ‘સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર’. ૧૯૮૯માં રિલીઝ થયેલી એ ફિલ્મના ડિરેક્ટર હતા શાંતિલાલ સોની અને ફિલ્મના કલાકારોમાં પ્રિયંકા, નલિન દવે, ફિરોઝ ઈરાની, કલ્પના દીવાન વગેરેનો સમાવેશ હતો. માધુરીની ક્રેડિટ એ ફિલ્મમાં છેલ્લે ગેસ્ટ અપીરન્સ માટે અપાઈ હતી.



વિશ્વાસ ન બેસતો હોય તો આ લેખ સાથે એ ફિલ્મમાં તેણે કરેલા આઇટમ-સૉન્ગનો વિડિયો અને ઇમેજ શૅર કરું છું. એ ગીત હતું, ‘કામણગારી કાયા મારી રતિ-કામ રેલાવે, નસેનસ રસ છલકાય...’ એ ફિલ્મ પછી રાજસ્થાની ફિલ્મ તરીકે રાજસ્થાનમાં પણ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : ભૂમિ પેડણેકર દરેક રોલને ખૂબ જ સહજતાથી કરે છે : અક્ષયકુમાર


માધુરીની એ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ એ અગાઉ તેની ૧૧ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી હતી, જેમાંથી ‘દયાવાન’ અને ‘તેજાબ’ સિવાય બધી ફ્લૉપ સાબિત થઈ હતી. શક્ય છે કે માધુરીએ ‘ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મ માટે આઇટમ-સૉન્ગ કર્યું એનું શૂટિંગ માધુરીની સુપરહિટ ફિલ્મ ‘તેજાબ’ શૂટ થઈ એ પહેલાં થયું હોય. ‘તેજાબ’ અને ‘દયાવાન’ ૧૯૮૮માં રિલીઝ થઈ હતી.

madhuri dixit bollywood news entertaintment