24 December, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત હાલમાં તેની લેટેસ્ટ સિરીઝ ‘મિસિસ દેશપાંડે’ને લઈને ચર્ચામાં છે. હાલમાં માધુરીએ એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડમાં તેના શરૂઆતના દિવસોની વાત કરી છે. આ વાતચીતમાં માધુરીએ જણાવ્યું કે તેની મમ્મીનો તેના વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ રહ્યો છે.
માધુરીએ કહ્યું, ‘મને લાગે છે કે કળા મને મારી મમ્મીથી મળી છે. મહેનત કરવાની આદત મને મારી મમ્મી તરફથી મળી છે. તેમનામાં આત્મવિશ્વાસની ઊંડી સમજ હતી અને તેમણે મને જાતનો સ્વીકાર કરતાં શીખવ્યું.’
પોતાની કરીઅરના શરૂઆતના દિવસોને યાદ કરતાં માધુરીએ કહ્યું કે ‘મેં ઘણી વાર મારા દેખાવને કારણે ટ્રોલિંગનો સામનો કર્યો છે. જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે ઘણા લોકો મને કહેતા કે મારું નાક બરાબર નથી અને મારે એ સરખું કરાવવાની જરૂર છે. જોકે મારી મમ્મી કહે કે ચિંતા ન કર કારણ કે એક વાર તારી ફિલ્મ હિટ થઈ જશે તો લોકો આ જ વાતને પસંદ કરશે. જોકે ‘તેઝાબ’ પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને લોકોએ મને હું જેવી હતી તેવી જ સ્વીકારી લીધી.’