સમલૈગિંકતાથી પર લવ સ્ટોરી

10 May, 2021 12:04 PM IST  |  Mumbai | Harsh Desai

હરીશ વ્યાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મના ડાયલૉગ અને સિનેમૅટોગ્રાફી ખૂબ જ કંગાળ છે : ‘બુલ્લા કી જાના’ ગીત દરેક સિચુએશન સાથે સુસંગત લાગે છે

સમલૈગિંકતાથી પર લવ સ્ટોરી

હમ ભી અકેલે, 
તુમ ભી અકેલે 

ડિરેક્ટર : હરીશ વ્યાસ
લીડ ઍક્ટર્સ : ઝરીન ખાન અને અંશુમન ઝા
   

રોડ ટ્રિપ પર ઘણી ફિલ્મો બની છે અને એ દરેક યુવાનનું સપનું પણ હોય છે કે તેઓ તેમના ફ્રેન્ડ્સ સાથે રોડ ટ્રિપ પર જાય. મોટા ભાગની રોડ ટ્રિપ ફિલ્મોમાં દોસ્તી વિશે વાત કરવામાં આવી છે, પરંતુ ડિઝની + પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ‘હમ ભી અકેલે, તુમ ભી અકેલે’માં LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેશ્ચનિંગ) વિશે વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઝરીન ખાન અને અંશુમન ઝાએ લીડ રોલ ભજવ્યા છે. ૨૦૧૭માં આવેલી ‘અંગ્રેઝી મેં કહતે હૈં’ને ડિરેક્ટ કરનાર હરીશ વ્યાસે ‘હમ ભી અકેલે, તુમ ભી અકેલે’ને ડિરેક્ટ કરી છે.
સ્ટોરી-ટાઇમ
ફિલ્મની સ્ટોરી શરૂઆત મેરઠમાં રહેતી માનસી (ઝરીન) અને ચંડીગઢમાં રહેતા વીર (અંશુમન ઝા)થી થાય છે. માનસી તેનું ઘર છોડીને ભાગી જાય છે. તેના ઘરે તેને છોકરો જોવા માટે આવ્યો હોય છે અને તે ઘર છોડીને ભાગી જાય છે. તે ચિઠ્ઠી લખીને જાય છે કે તે લેસ્બિયન હોવાથી ઘર છોડીને જઈ રહી છે. બીજી તરફ વીરની સગાઈ થવાની હોય છે, પરંતુ એ પહેલાં તે તેની પાર્ટનરને બોલાવીને સગાઈ માટે ના કહી દે છે. વીરના પપ્પા કર્નલ રંધાવા હોય છે જેથી તેની ફૅમિલીને સગાઈ માટે ના કહેવાની હિમ્મત તેનામાં નથી થતી. વીર તેના પપ્પાને પણ નથી કહી શકતો કે તે ગે હોય છે. માનસી મેરઠથી તેની લૉન્ગ-ટાઇમ પાર્ટનર નિકીને મળવા માટે દિલ્હી જાય છે, પરંતુ તે તેના હોમટાઉન મૅક્લોડગંજમાં હોય છે. વીર પણ તેના પાર્ટનર અક્ષયને મળવા માટે દિલ્હી જાય છે. અહીં અક્ષય દ્વારા યોજવામાં આવેલી LGBTQ પાર્ટીમાં માનસી અને વીર મળે છે. ત્યાર બાદ તેમની દોસ્તી થાય છે. આ દરમ્યાન માનસી મૅક્લોડગંજ માટે જવાની હોય છે અને વીરની લાઇફમાં ટ્વિસ્ટ આવતાં તે પણ માનસી સાથે રોડ ટ્રિપ માટે નીકળે છે. અહીંથી એક લેસ્બિયન અને ગે વચ્ચેની લવ સ્ટોરીની શરૂઆત થાય છે.
ડાયલૉગમાં માર ખાઈ ગઈ
હરીશ વ્યાસ દ્વારા આ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી છે અને તેણે ડિરેક્ટ પણ કરી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે ખૂબ જ ધીમો છે અને ખૂબ જ ધીમી ગતિએ આગળ વધે છે. જોકે આ વિષયને તેમણે ખૂબ જ સાવચેતી અને સન્માનપૂર્વક દેખાડ્યો છે. એક કપલ વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ વગરની આ એક પ્યૉર લવ સ્ટોરી છે. ડિરેક્શનમાં થોડી કચાશ જોવા મળી છે. ૧૧૮ મિનિટની આ ફિલ્મમાં ઘણાં દૃશ્યો નકામાં જોવા મળશે. તેમ જ એડિટિંગ પણ થોડું નબળું છે. કેટલાંક દૃશ્યો જોઈને લાગે છે કે કે કોઈ નવા ફિલ્મમેકર દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. ડાયલૉગમાં પણ કોઈ દમ નથી. આ એક એવો વિષય છે જેમાં ડાયલૉગ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ફિલ્મ એમાં માર ખાઈ ગઈ છે. આ સાથે જ એક રોડ ટ્રિપ પર ફિલ્મ હોવા છતાં સિનેમૅટોગ્રાફીમાં દમ નથી.
ઝરીન પહેલી વાર થોડી નૅચરલ લાગી
ફિલ્મમાં બૅક સ્ટોરીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. માનસીનો ઉછેર ખૂબ જ સારી રીતે અને ફ્રી માઇન્ડેડ કરવામાં આવ્યો હોવાથી તે એકદમ બિન્દાસ સ્વભાવની હોય છે. વીર આર્મીવાળાની ફૅમિલીમાંથી હોવાથી ખૂબ જ શિસ્ત અને સાફસફાઈ રાખતો હોય છે. તે લાઇફમાં હંમેશાં ‘યસ સર’ કહેતો હોય છે. વીરનું પાત્ર અંશુમને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. માનસીના પાત્રમાં ઝરીને પણ ખૂબ જ મહેનત કરી છે. ઝરીન પહેલી વાર નૅચરલ ઍક્ટિંગ કરતી હોય એવું લાગ્યું છે. બીજી તરફ અંશુમન પણ એફર્ટલેસ લાગ્યો છે. જોકે કેટલાંક દૃશ્ય એવાં પણ હતાં જેમાં બન્ને ઍક્ટર્સનાં એક્સપ્રેશન નહીંવત્ લાગ્યાં જ્યાં એની જરૂર હતી તો કેટલાકમાં ઝરીન નકામું હસતી હોય એવું લાગી હતી.
મ્યુઝિક
ફિલ્મમાં ઘણાં ગીત છે, પરંતુ સૌથી અસરકારક અને સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવતું ગીત ‘બુલ્લા જાના’ છે. બુલ્લે શાહ દ્વારા લખવામાં આવેલું આ ગીત બૅકગ્રાઉન્ડમાં આવે છે અને દરેક પરિસ્થિતિ સાથે એકદમ સુસંગત લાગે છે. તેમ જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઠીકઠાક છે.
આખરી સલામ
ફિલ્મમાં ફક્ત LGBTQ કમ્યુનિટીના પોતે ગે અથવા તો લેસ્બિયન છે એ કહેવા માટે ડરતા હોય એની વાત કરવામાં આવી છે. આ ઇશ્યુ વિશે વધુ ડીટેલમાં જવામાં નથી આવ્યું. જોકે ફિલ્મની છેલ્લી દસ મિનિટ ખરેખર ટ્વિસ્ટ લાવે છે.

bollywood news bollywood bollywood gossips zarin khan harsh desai