Entertainment Update : લવ એન્ડ વૉરમાં દીપિકાનો કૅમિયો?

07 August, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટની ‘લવ અૅન્ડ વૉર’ ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સોશ્યલ મીડિયા પર દીપિકા પાદુકોણના ખાસ કેમિયોની ચર્ચા પણ ચાલી રહી છે.

દીપિકા પાદુકોણ

રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટને ચમકાવતી સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ ૨૧ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર અને વિકી એકબીજા સામે ટક્કર લેતા જોવા મળશે અને આ ફિલ્મનું શૂટિંગ હવે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ નાનકડા રોલમાં જોવા મળી શકે છે. સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે ફિલ્મમાં તેનો ખાસ લુક હશે. જોકે ફિલ્મના મેકર્સ તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

૨૧ ઑગસ્ટે રીરિલીઝ થશે 1942 : અ લવ સ્ટોરીનું રીસ્ટોર કરેલું વર્ઝન

બૉલીવુડની ક્લાસિક ફિલ્મોમાં સ્થાન પામેલી ‘1942 : અ લવ સ્ટોરી’ આ મહિને ફરી એક વાર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિધુ વિનોદ ચોપડાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ હવે રીસ્ટોર કરાયેલાં 8K વિઝ્યુઅલ્સ અને રીમાસ્ટર્ડ ૫.૧ સરાઉન્ડ સાઉન્ડ સાથે ૨૧ ઑગસ્ટે ફરીથી રિલીઝ થશે. અનિલ કપૂર, મનીષા કોઇરાલા અને જેકી શ્રોફ અભિનીત આ ફિલ્મનું રીસ્ટોરેશન ઇટલીના બોલોનિયામાં આવેલી વિશ્વની અગ્રણી ફિલ્મ રીસ્ટોરેશન સંસ્થા અને ભારતની પ્રસાદ ફિલ્મ લૅબ્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં ફિલ્મની મૂળ સિનેમૅટિક અનુભૂતિ જાળવી રાખીને વિઝ્યુઅલ્સને વધુ સમૃદ્ધ બનાવવામાં આવ્યાં છે. આ સાથે ફિલ્મને નવી ડૉલ્બી 5.1 સરાઉન્ડ સાઉન્ડ મિક્સ પણ આપવામાં આવી છે.

અહાન પાંડેની નવી ફિલ્મમાં ઐશ્વર્ય ઠાકરેની એન્ટ્રી

ફિલ્મ ‘સૈયારા’ની સફળતા બાદ અહાન પાંડે હાલમાં યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી એક મોટા બજેટની ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સામે શર્વરી છે જ્યારે બૉબી દેઓલ ફિલ્મમાં મુખ્ય વિલન છે. હવે ઐશ્વર્ય ઠાકરે પણ આ પ્રોજેક્ટનો ભાગ બન્યો છે. ઐશ્વર્ય ફિલ્મમાં બૉબીના દીકરાના રોલમાં જોવા મળશે. ઐશ્વર્ય બાળ ઠાકરેનો પૌત્ર છે. જયદેવ ઠાકરે અને સ્મિતા ઠાકરેનો દીકરો ઐશ્વર્ય હાલમાં તેની મમ્મી સાથે રહે છે. રાજકીય પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં ઐશ્વર્ય ઠાકરેને અભિનયક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી. તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને પછી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘નિશાનચી’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી.

પેટ ડૉગ ઑરા સાથે ઘણો સમય પસાર કરી રહી છું

બેડ-રેસ્ટ કરી રહેલી રશ્મિકા મંદાનાએ ફૅન્સ સાથે શૅર કરી રિકવરી-રૂટીનની ઝલક

હાલમાં રશ્મિકા મંદાનાનો શૂટિંગ દરમ્યાન અકસ્માત થતાં તેને હિપ-ઇન્જરી થઈ છે અને હાલમાં તે બેડ-રેસ્ટ કરી રહી છે. હવે રશ્મિકાએ સોશ્યલ મીડિયામાં ફૅન્સને પોતાના રિકવરી-રૂટીનની પણ ઝલક બતાવી છે. રશ્મિકાએ સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે ‘આ દિવસોમાં હું ખૂબ નીંદર કરું છું અને પૂરતો આરામ કરું છું. આની સાથે ઘણાં પુસ્તકો વાંચું છું, કોયડા સૉલ્વ કરું છું, શો જોઉં છું, વાળ અને સ્કિનની કાળજી રાખું છું, મીટિંગ્સમાં ભાગ લઉં છું અને પરિવાર સાથે સમય વિતાવું છું. આટલું જ નહીં, મારા પેટ ડૉગ ‘ઑરા’ સાથે પણ ઘણો સમય પસાર કરી રહી છું.’

સકીના તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ અને તારાસિંહનું ધ્યાન રાખજે

પ્રીતિ ઝિન્ટાના પાત્રની સરખામણી ગદરની સકીના સાથે થતાં અમીષા પટેલે આપ્યો પૉઝિટિવ ફીડબૅક

સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલની ‘બટવારા 1947’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ ફિલ્મની ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા ચાહકો ફિલ્મનાં પાત્રોની સરખામણી ‘ગદર’નાં યાદગાર પાત્રો સાથે કરી રહ્યા છે અને ફિલ્મની તુલના પણ ‘ગદર’ સાથે કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં અમીષા પટેલે એક સેશન દરમ્યાન ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન એક યુઝરે પૂછ્યું, ‘શું તમે ‘બટવારા 1947’નું ટ્રેલર જોયું છે? એવું લાગે છે કે પ્રીતિ ઝિન્ટા તમારા આઇકૉનિક સકીનાના પાત્રને કૉપી કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે કેટલાંક પાત્રો હંમેશાં યાદગાર રહે છે. તમે અને સની દેઓલે ‘ગદર’માં જે જાદુ સર્જ્યો હતો એ ફરી કોઈ સર્જી શકશે નહીં.’આ સવાલના જવાબમાં અમીષાએ ખૂબ જ સકારાત્મક રીતે લખ્યું, ‘તે પણ ખૂબ જ સુંદર છે ભાઈ. સકીના તરફથી તેને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તારાસિંહનું ધ્યાન રાખજે, જ્યાં સુધી તે ફરી પોતાની જગ્યાએ પાછો ન આવી જાય.’

OTT જંક્શન

ઇમ્તિયાઝ અલીના ડિરેક્શનમાં બનેલી ‘મૈં વાપસ આઉંગા’એ બૉક્સ-ઑફિસ પર ધીમી શરૂઆત છતાં સતત વધતી કમાણીથી સૌને ચોંકાવી દીધા હતા. ફિલ્મની વાર્તા ૧૯૪૭ના ભારતના ભાગલાના કારણે વિખૂટા પડી ગયેલા બાળપણના પ્રેમ અને એની યાદોમાં જીવતા ૯૫ વર્ષના ઇશર સિંહ ગ્રેવાલની છે. આ પાત્ર નસીરુદ્દીન શાહે ભજવ્યું છે. તેઓ પોતાના પૌત્ર દિલજિત દોસાંઝને પોતાની યાદોની તૂટેલી-ફૂટેલી કથા સંભળાવે છે. શરૂઆતમાં દાદાની વાતો પૌત્રને સમજાતી નથી, પરંતુ જેમ-જેમ કથાની કડીઓ જોડાય છે તેમ-તેમ વિસ્થાપન, વિરહ અને આજે પાકિસ્તાનમાં રહેલી ધરતી પર પાછળ છૂટી ગયેલા પ્રેમની ભાવુક કહાની સામે આવે છે.
આ ફિલ્મમાં વેદાંગ રૈનાએ યુવાન ઇશરની ભૂમિકા ભજવી છે, જ્યારે શર્વરી તેની પ્રેમિકાના પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.

ઑપરેશન સફેદ સાગર

‘ઑપરેશન સફેદ સાગર’ એક નવી વેબ-સિરીઝ છે, જેમાં જિમી શેરગિલ અને સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ દર્શકોને ૧૯૯૯ના કારગિલ યુદ્ધના સમયગાળામાં લઈ જાય છે, જ્યારે પાકિસ્તાની સેનાએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં વ્યૂહાત્મક ચોકીઓ પર કબજો જમાવ્યો હતો. એ સમયે ભારતીય વાયુસેનાએ જમીની સેનાની મદદ માટે ‘ઑપરેશન સફેદ સાગર’ શરૂ કર્યું હતું, જેને વિશ્વનું સૌથી ઊંચાઈ પર ચલાવવામાં આવેલું હવાઈ સૈન્ય અભિયાન માનવામાં આવે છે. 
આ સિરીઝમાં જિમી શેરગિલે વિંગ કમાન્ડર બી.એસ. ધનોઆ ‘ટોની’ની ભૂમિકા ભજવી છે, જ્યારે સિદ્ધાર્થ સ્ક્વૉડ્રન લીડર અજય આહુજાના પાત્રમાં જોવા મળશે. આ સિરીઝનું શૂટિંગ ભારતીય વાયુસેનાના વાસ્તવિક બેઝ પર ૧૬,૦૦૦ ફુટથી વધુ ઊંચાઈએ અસલી લડાકુ વિમાનો અને ભારતીય વાયુસેનાના સહયોગથી કરવામાં આવ્યું છે. ‘ઑપરેશન સફેદ સાગર’ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.

deepika padukone ranbir kapoor alia bhatt vicky kaushal sanjay leela bhansali ahaan panday rashmika mandanna entertainment news upcoming movie bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood