પહેલી જ મુલાકાતમાં સંગીતકાર પ્યારેલાલે શા માટે મને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું?

19 May, 2025 06:53 AM IST  |  Mumbai | Rajani Mehta

તેમની પાસેથી ફિલ્મસંગીતની અઢળક ટેક્નિકલ બારીકીઓ જાણવા મળી. તે સઘળું એટલું સરળ રીતે, ગીતો ગાઈને સમજાવે કે ધન્ય થઈ જવાય.

સંગીતકાર પ્યારેલાલ સાથે લેખક રજની મહેતા.

‘નામ તો સુના હુઆ લગતા હૈ, પર આપકી તારીફ?’ (સંગીતકાર) પ્યારેલાલજીએ મારી ટાંગ ખેંચતાં કહ્યું જ્યારે થોડા દિવસ પહેલાં મેં તેમને ફોન કર્યો. સામાન્ય રીતે ત્રણ-ચાર મહિને અમારી ફોન પર વાત થાય અને વર્ષમાં એકાદ-બે મુલાકાત થાય. પરંતુ આ વખતે લાંબા સમય બાદ વાત થઈ એટલે તેમણે મજાક કરી. હકથી કહે, ‘આપકા ચેહરા દેખે લંબા સમય ગુઝર ગયા. કબ મિલતે હો?’ અને પંદર દિવસ પહેલાં અમારી મુલાકાત થઈ.

હું એ બાબતે ખુશનસીબ છું કે આવા દિગ્ગજ કલાકાર પ્રેમથી ઘરે આવવાનું આમંત્રણ આપે. શંકર જયકિશનની બેલડી પછી જે જોડીએ  સૌથી વધુ લોકપ્રિય ગીતો આપ્યાં હોય તો તે છે લક્ષ્મીકાન્ત પ્યારેલાલની જોડી. એ સમયના ગ્રામોફોન પર આ જોડીનાં અનેક ગીતો અમર બની ગયાં છે જેમની પારસમણિ પ્રતિભાના સ્પર્શથી ગીતોની ધૂન કંચન બની ગઈ છે એવી સંગીતકાર જોડીમાંના પ્યારેલાલજીને જ્યારે મળું ત્યારે કેવળ તેમના જીવનની નહીં, અનેક કલાકારોના જીવનની રસપ્રદ ઘટનાઓ પરથી પડદો ખૂલે.

આમ તો રૂપકુમાર રાઠોડ સાથે પ્યારેલાલજીને બેત્રણ વાર મળવાનું થયું હતું, પણ એ વખતે અનેક લોકોની હાજરી હતી. અમારો ઘરોબો બંધાયો ૨૦૦૯માં. બાંદરા તાજ લૅન્ડ્સ એન્ડમાં પંડિત શિવકુમાર શર્માના પુત્ર રાહુલના લગ્નપ્રસંગે અમારી લાંબી મુલાકાત થઈ. લગભગ એક કલાક અમે નિરાંતે વાત કરી. છૂટા પડતાં મને કહે, ‘આપ ઘર આઇએ. આપ બહુત ઊંચા સુનતે હૈં. બહુત કમ લોગોં કો ફિલ્મસંગીત કી સહી સમઝ ઔર જાનકારી હૈ. આપકે સાથ બાતેં કરકે મઝા આ ગયા.’ 

 આમ શરૂ થયો તેમની સાથેનો અંતરંગ સુરીલો સંબંધ. જ્યારે-જ્યારે તેમના ઘરે જાઉં  ત્યારે કલાકોના કલાકો અમે ફિલ્મસંગીત ઉપરાંત અલકમલકની વાતો કરીએ. સંગીત વિશેનું તેમનું જ્ઞાન હિન્દી ફિલ્મસંગીત સુધી સીમિત નથી. વિશ્વસંગીત વિશેની તેમની જાણકારી અદ્ભુત છે. તેમનું આ પાસું આજ સુધી વધુ ઉજાગર થયું નથી. તેમની પાસેથી ફિલ્મસંગીતની અઢળક ટેક્નિકલ બારીકીઓ જાણવા મળી. તે સઘળું એટલું સરળ રીતે, ગીતો ગાઈને સમજાવે કે ધન્ય થઈ જવાય.

તેમની સાથે થયેલી મુલાકાતોમાં તેમના જીવનની, સંગીતની અનેક ઘટનાઓ જાણવા મળી છે. આજે એમાંની થોડી અલ્પપ્રસિદ્ધ વાતો તેમના જ શબ્દોમાં શૅર કરવી છે જે ખૂબ જ રસપ્રદ છે.

‘મારા પિતા રામપ્રસાદ શર્મા ટ્રમ્પેટ પ્લેયર હતા (લગ્નપ્રસંગે બૅન્ડ વાજા વગાડતા સાજિંદાઓ ફૂંક મારીને જે ભોંપું વગાડે એ છે ટ્રમ્પેટ). તેઓ શરૂઆતમાં કલકત્તામાં ગ્રૅન્ડ હોટેલમાં ટ્રમ્પેટ વગાડતા. થોડા સમય બાદ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પુણે અને ત્યાર બાદ મુંબઈ આવ્યા. લગભગ દસ વર્ષ ફિલ્મોમાં મ્યુઝિશ્યન તરીકે કામ કર્યું. અહીં મોટા ભાગના વાયોલિન,  ગિટાર કે પિયાનો પ્લેયર્સ ક્રિશ્ચિયન હતા. તેમને થયું, આપણાં બાળકોને આ બધું શિખવાડવું જોઈએ. એક દિવસ મનમાં આવ્યું, ‘બહોત હો ગયા. પૂરી ઝિંદગી બજા-બજા કે ક્યા કરુંગા?’ એટલે કામ છોડી સંગીત શિખવાડવાનું શરૂ કર્યું. તેમણે લગભગ ૨૫૦૦ બાળકોને ટ્યુશન આપ્યું છે. પૈસાની ફિકર ન કરે. કોઈને ન પરવડે તો ફી ન લે. બીજાને જેટલી પોસાય એટલી લે.

મને કહે, ‘તું વાયોલિન શીખ. કારણ કે કોઈ પણ ગીત હોય એમાં વાયોલિનની જરૂર પડે જ. એટલે તને કામ મળ્યા કરશે.’ આમ આઠ વર્ષની ઉંમરે મેં શરૂ કર્યું. ત્રણ દિવસ, સવારે આઠથી સાંજે છ સુધી તેમણે મને નોટેશન્સ લખાવ્યાં. કહે, ‘તને છ મહિના આપું છું. ન સમજાય તો પૂછજે પણ આ પૂરું સંગીત છે.’ મને વાયોલિન અતિ પ્રિય હતું. દિવસના દસ કલાક રિયાઝ કરતો.

‘૧૯૫૨માં કારદાર સ્ટુડિયોમાં મારા માથા પર હાથ મૂકીને સોગન લીધા, ‘આજથી હું  નહીં, મારો દીકરો કામ કરશે.’ એ દિવસોમાં અમે કીર્તિ કૉલેજની પાછળની ગલીમાં અહમદ મૅન્શનમાં રહેતા. એક રૂમમાં છ ભાઈ અને બહેન સાથેનો અમારો પરિવાર. ભાડું હતું ૧૩ રૂપિયા. આર્થિક પરિસ્થિતિ સારી નહીં એટલે આઠ-દસ મહિનાનું ભાડું માથે ચડી જતું. આવી પરિસ્થિતિ છતાં અમે દરેક ભાઈ સંગીતના ક્ષેત્રમાં મહેનત કરતા. પિતાજી કહેતાં જેટલું શીખો એટલું ઓછું છે.

‘હું ૧૧ વર્ષનો ત્યારની વાત છે. પિતાજી મને રણજિત સ્ટુડિયો લઈ ગયા. ફિલ્મ ‘દાયરા’ના સંગીતકાર જમાલ સેનને કહે, ‘મારો દીકરો વાયોલિનિસ્ટ છે. તેને કામ આપો.’ લોકોને એમ લાગ્યું કે આ છોકરો શું કામ કરશે? પિતાજીએ કહ્યું, ‘તે નોટેશન લખશે.’ જમાલ સેને ગીત આપીને કહ્યું, ‘બેટા બજાઓ.’ સાંભળીને એટલા ખુશ થયા કે મને સો રૂપિયા આપ્યા. ત્યારે એ બહુ મોટી રકમ હતી. પછી કહે, ‘બેટા, તુમ ટેક મેં નહીં બજાના.’ હું નિરાશ થઈ ગયો. એ ગીત હતું, દેવતા તુમ હો મેરા સહારા (મુબારક બેગમ).

‘નાનપણમાં હું સ્ટુડિયોમાં જતો ત્યારે શૂટિંગ જોતો. ‘હમલોગ’ના એક ગીતનું શૂટિંગ હતું જેમાં બાળકલાકાર હાજર નહોતો. ડિરેક્ટર કહે, ‘બેટા, ઉસ ઔરત કી ગોદ મેં તુઝે સોના હૈ.’ ત્રણ દિવસ શૂટિંગ થયું. ડિરેક્ટર કહે, ‘તુમ તીન દિન બજાના મત. શૂટિંગ કરો.’ (એ દિવસોમાં રેકૉર્ડિંગ સ્ટુડિયો નહોતા. ફિલ્મોના સેટ પર જ ગીતોનું રેકૉર્ડિંગ થતું.) એ ગીત હતું, ‘ગાયે ચલા જા (૨) એક દિન તેરા ભી ઝમાના આએગા.’ એવી જ રીતે ‘રેલ કા ડિબ્બા’માં  (શમ્મી કપૂર – મધુબાલા) એક બાળકનો રોલ કર્યો હતો.

‘હું એ દિવસોમાં બૉમ્બે સિમ્ફની ઑર્કેસ્ટ્રામાં પણ વગાડતો. ૩૫ પીસ ઑર્કેસ્ટ્રામાં વાયોલિનિસ્ટની ત્રણ રૉ હોય, એમાં ત્રીજી રૉમાં હું બેસું. ત્યાં ઝુબિન મહેતાના પિતા પણ હતા. હું ઉંમરમાં સૌથી નાનો. બીજા બધા ૨૨-૨૩ વર્ષના. એ દિવસો સંઘર્ષના હતા પણ શીખવા ઘણું મળ્યું.

‘એક દિવસ સી. રામચંદ્રને પિતાજીએ કહ્યું, ‘મોટો પરિવાર છે, હાલત ખરાબ છે. આ છોકરાને કામ અપાવો.’ અણ્ણાસા’બ કહે, ‘કંઈ સંભળાવ.’ મારું વાયોલિન સાંભળી એટલા ખુશ થયા કે એ જ દિવસે સાંજની ટ્રેનમાં મને મદ્રાસ લઈ ગયા. એ ટ્રેનમાં લક્ષ્મીજી પણ હતાં. ત્યારે મદ્રાસ પહોંચતાં બે દિવસ લાગે. ત્યાં ‘દેવતા’નું શૂટિંગ હતું. એક મહિનો મદ્રાસ રહ્યો અને ૫૦૦૦ રૂપિયા કમાયો. ગયો ત્યારે ખિસ્સામાં દોઢ રૂપિયો હતો. જિંદગીમાં આટલી મોટી રકમ જોઈ નહોતી. હજાર-હજારની પાંચ નોટના છૂટા લેવા બૅન્કમાં ગયો. ત્યાંથી ૧૦૦ની અને ૧૦ રૂપિયાની નોટો લીધી એટલે ખિસ્સામાં ભાર જેવું લાગે. પિતાજી માટે ૧૧૦૦ રૂપિયાની ડાયમન્ડની ચેઇન બનાવીને આપી.’

વાત સી. રામચંદ્રની આવી એટલે મેં કહ્યું, ‘મને ઓ. પી. નૈયરે કહ્યું હતું કે એક પાર્ટીમાં અમે સૌ બેસીને વાતો કરતા હતા. ત્યાં કોઈએ મને પૂછ્યું કે તમારો મનપસંદ સંગીતકાર કોણ?’ મેં જવાબ આપ્યો, ‘સી. રામચંદ્ર.’ આ સાંભળી શંકર જયકિશન અને સચિન દેવ બર્મને પણ મારી વાત સાથે સંમત થતાં કહ્યું કે અણ્ણાસા’બ અમારા પણ ફેવરિટ છે.’

પ્યારેલાલજી કહે, ‘અણ્ણાસા’બ લાજવાબ સંગીતકાર હતા. કદાવર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. પહાડી અવાજ હતો. દૂરથી ખબર પડી જાય કે તેઓ આવે છે. મને અને લક્ષ્મીજીને ખૂબ પ્રેમ કરે. ‘દોસ્તી’માં અમને અવૉર્ડ મળ્યો એ સમાચાર તેમણે આપ્યા. અમે સૂતા હતા એટલે ગાળ આપીને  કહે, ‘ઉઠો, તુમને મૈદાન માર લિયા.’

મનુષ્ય મુકામ પર પહોંચે છે અને સફળતા મેળવે છે એ ઘટનાનો મહિમા થવો જોઈએ પણ પ્રવાસનું મહત્ત્વ ઓછું ન અંકાય કારણ કે એ યાત્રા અનેક વળાંક અને આંટીઘૂંટીઓથી ભરેલી હોય છે. ક્ષણિક સફળતાની ભરતીનો આનંદ ઓગળી જાય છે જ્યારે પાછળ આવતી નિષ્ફળતા અને સંઘર્ષની ઓટનો ઓછાયો નજરે ચડે છે. કિશોરમાંથી યુવાનીમાં પગરણ કરતા પ્યારેલાલજીનું નામ થઈ રહ્યું હતું પણ એની રફતાર ધીમી અને અનિશ્ચિત હતી. તેમનું લક્ષ્ય સાત સમંદર પાર હતું. વિશ્વફલક પર વાયોલિનની દુનિયામાં પોતાનું નામ કરવા અને વર્ષોની ઇચ્છા સાકાર કરવા ૧૭ વર્ષના યુવાનનું મન અને આંગળીઓ થનગનતાં હતાં.

પ્યારેલાલજીના જીવનમાં ૧૯૫૭માં એક ઘટના બની. તેમણે ઇન્ડસ્ટ્રીને રામ-રામ  કરીને વિદેશમાં સેટલ થવાનો નિર્ણય કર્યો. આ કરવા પાછળનું કારણ શું હતું, છેલ્લી ઘડીએ કોણે તેમને રોકી રાખ્યા એ ઘટસ્ફોટ આવતા રવિવારે.

indian music indian classical music bollywood bollywood gossips bollywood news bollywood buzz entertainment news nostalgia columnists gujarati mid-day mumbai