મૂળ કલકત્તાના લોકો માટે મુંબઈમાં સાર્વજનિક દુર્ગાપૂજાનું આયોજન કરશે કુમાર સાનુ

03 July, 2022 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે મા દુર્ગાની અને તેમનાં બાળકોની ભવ્ય મૂર્તિ લાવીશું અને એને ભવ્ય બનાવવાના પ્રયાસ કરીશું. એ માટે થીમ પર આધારિત પંડાલ ઊભો કરવામાં આવશે.

મૂળ કલકત્તાના લોકો માટે મુંબઈમાં સાર્વજનિક દુર્ગાપૂજાનું આયોજન કરશે કુમાર સાનુ

કુમાર સાનુએ જણાવ્યું કે તે આ વર્ષે મૂળ કલકત્તાના લોકો માટે મુંબઈમાં સાર્વજનિક દુર્ગાપૂજાનું આયોજન કરશે જેથી તેમને કલકત્તામાં ઊજવાતી દુર્ગાપૂજા જેવો અનુભવ થાય. કલકત્તામાં નવરાત્રિનો આ તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે એથી આ વર્ષે એ જ પરંપરા મુંબઈમાં પણ ભજવવાની તૈયારી કુમાર સાનુએ દેખાડી છે. એ વિશે કુમાર સાનુએ કહ્યું કે ‘કલકત્તામાં મારો જન્મ અને ઉછેર થયો હતો. દુર્ગાપૂજા ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે મનાવ્યાનું મને હજી પણ યાદ છે. હું આખા વિશ્વમાં ફરી આવ્યો છું, પરંતુ એક બાળક તરીકે ઉત્સવને લઈને જે લાગણી છે એ મને ક્યાંય નથી મળી. દુર્ગાપૂજા અમારે માટે હંમેશાં વિશેષ અવસર રહ્યો છે અને એને ખૂબ ઉત્સાહથી અમે મનાવતા આવ્યા છીએ. મુંબઈમાં મારું જે ઘર છે ત્યાં અંધેરીમાં મેં આ વર્ષે એ અવસર મનાવવાનું નક્કી કર્યું છે. મારી જેમ જે લોકો કલકત્તાથી દૂર છે અને જે પ્રકારે દુર્ગાપૂજા કરવામાં આવતી હતી એ પરંપરા મિસ કરી રહ્યા છે તેમને માટે આ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. એ પ્રથાને શક્ય એટલી પારંપરિક ઢબે મનાવવાની મારી ઇચ્છા છે. અમે મા દુર્ગાની અને તેમનાં બાળકોની ભવ્ય મૂર્તિ લાવીશું અને એને ભવ્ય બનાવવાના પ્રયાસ કરીશું. એ માટે થીમ પર આધારિત પંડાલ ઊભો કરવામાં આવશે. પારંપરિક ભોજન દ્વારા એને સોનામાં સુગંધ ભળી જાય એવો બનાવવાના પ્રયાસ કરીશું.’

bollywood news bollywood bollywood gossips entertainment news kumar sanu