ક્રિતીનું લગેજ પાછળ છૂટી જતાં ‘આદિપુરુષ’ના ટીઝર-લૉન્ચમાં મોડું થયું હતું

05 October, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસ અને ક્રિતીની આ ફિલ્મનું ટીઝર ખૂબ ભવ્યતાથી રિલીઝ કરવામાં આવ્યું હતું

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન જ્યારે અયોધ્યા માટે ફ્લાઇટ પકડી ત્યારે તેની બૅગ પાછળ છૂટી જતાં ‘આદિપુરુષ’ના ટીઝર-લૉન્ચમાં મોડું થયું હતું. પ્રભાસ અને ક્રિતીની આ ફિલ્મનું ટીઝર ખૂબ ભવ્યતાથી રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરને સાંજે ૭ વાગીને ૧૧​ મિનિટે ઑનલાઇન રિલીઝ કરવામાં આવ્યું હતું. એ જ વખતે અયોધ્યામાં ઇવેન્ટ શરૂ કરવાની હતી, પરંતુ એ થઈ શક્યું નહીં. ક્રિતી જે ફ્લાઇટમાં હતી એ ફ્લાઇટમાં તેનું લગેજ આવ્યું જ નહીં. એને કારણે એ ઇવેન્ટમાં તે જે ડ્રેસ પહેરવાની હતી એ ડ્રેસ એ લગેજમાં પાછળ છૂટી ગયો. અન્ય ફ્લાઇટમાં લગેજ આવે એની રાહ જોવાનો સમય ટીમ પાસે નહોતો. એથી તેમણે ક્રિતી માટે અન્ય ડ્રેસની શોધ શરૂ કરી દીધી હતી. જોકે એમાં સમય લાગ્યો હતો. કૉસ્ચ્યુમની પસંદગી થતાં જ ક્રિતીએ એ તરત પહેરી લીધો હતો. તો બીજી તરફ ઘણા સમયથી રાહ જોતું મીડિયા પણ જરા પણ રોષે ન ભરાયું. 

‘આદિપુરુષ’ના મેકર્સ વિરુદ્ધ લીગલ ઍક્શન લેવાની કહી વાત મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટરે

મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ ‘આદિપુરુષ’ના મેકર્સને ચેતાવણી આપી છે કે તેમની વિરુદ્ધ લીગલ ઍક્શન લેવામાં આવશે. તેમના મુજબ ફિલ્મના ટીઝરમાં ભગવાન રામ અને હનુમાનજીને જે પ્રકારે દેખાડવામાં આવ્યા છે એ અપમાનજનક છે. સાથે જ હિન્દુઓની લાગણીનું આ અપમાન છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રાઘવના રોલમાં પ્રભાસ અને જાનકીના રોલમાં ક્રિતી સૅનન જોવા મળી રહી છે. આ ફિલ્મ વિશે નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ‘​ફિલ્મમાં કેટલાય વાંધાજનક સીન્સ છે. ફિલ્મમાં હિન્દુ દેવતાનો પહેરવેશ અને લુક સ્વીકાર્ય નથી. હનુમાનજીને લેધર પહેરેલા દેખાડવામાં આવ્યા છે. જોકે શાસ્ત્રોમાં તેમનાં કપડાંનું વર્ણન તો અલગ છે. એવા કેટલાય સીન્સ છે જે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે. હું ઓમ રાઉતને લેટર લખીને આવા સીન્સ હટાવવાનું કહીશ. જો આવું નહીં કરવામાં આવે તો અમે લીગલ ઍક્શન લઈશું.’

entertainment news bollywood bollywood news upcoming movie kriti sanon