સિંગર કેકેના નિધનને લઈને પશ્ચિમ બંગાળની સરકારને ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ કલકત્તા હાઈ કોર્ટે આપ્યો

21 June, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ૩૧ મેએ કલકત્તાના નઝરુલ મંચ પર પર્ફોર્મ કર્યા બાદ કેકેએ અંતિમ શ્વાસ લીધા હતા

સિંગર કેકે

સિંગર ક્રિષ્નકુમાર કુન્નથ જે કેકેના નામે પ્રસિદ્ધ છે, તેના નિધનને લઈને કલકત્તા હાઈ કોર્ટે વેસ્ટ બંગાળ સરકારને ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ વર્ષે ૩૧ મેએ કલકત્તાના નઝરુલ મંચ પર પર્ફોર્મ કર્યા બાદ કેકેએ અંતિમ શ્વાસ લીધા હતા. ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને જસ્ટિસ રાજર્ષિ ભારદ્વાજની અધ્યક્ષતામાં ફેંસલો લેવાયો છે કે પશ્ચિમ બંગાળની સરકારે ત્રણ અઠવાડિયાંમાં ઍફિડેવિટ દાખલ કરવાનું રહેશે. સાથે જ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ માટે પણ સાવધ રહેવાની સલાહ આપી છે. કેકેના અકાળ અવસાન બાદ ઇમ્તિયાઝ અહમદ, સૌમ્યા શુભ્રો રૉય અને સ્યાન બંદોપાધ્યાયે જનહિતની અરજી દાખલ કરીને સીબીઆઇને આ મામલો તપાસ માટે સોંપવાની વિનંતી કરી છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નઝરુલ મંચમાં અવ્યવસ્થાનો અભાવ, ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ જમા થવાના કારણે અને ઍર-કન્ડિશનર ચાલતાં ન હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં કેકેનું નિધન થયું છે. આ જ કારણ છે કે કલકત્તા હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર પાસે ઍફિડેવિટની માગણી કરી છે.

entertainment news bollywood bollywood news singer kk kolkata