24 September, 2026 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન માટે મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો, કારણ કે આ દિવસે ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’માં શાનદાર અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો નૅશનલ અવૉર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના એકતાનગર ખાતે યોજાયેલા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં કાર્તિકને આ સન્માન આપ્યું હતું. પુરસ્કાર મળ્યા બાદ કાર્તિકે સોશ્યલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ પોસ્ટ કરીને સૌનો આભાર પણ માન્યો હતો. હવે આ બધાની વચ્ચે કાર્તિક આર્યન લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો અને પોતાને મળેલું આ સન્માન બાપ્પાનાં ચરણોમાં સમર્પિત કરતાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા બાદ કાર્તિક આર્યને સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે ‘આજે સ્મિત સાથે પાછળ ફરીને ગ્વાલિયરના એ મમ્માના લાડકાને જોઈ રહ્યો છું જેણે એવા માહોલમાંથી નીકળીને અભિનેતા બનવાનું સપનું જોવાની હિંમત કરી જ્યાં લોકો આવાં સપનાઓ પર હસીને આગળ વધી જાય છે. આખરે મેં એ ક્ષણ જોઈ અને જીવી છે. હજુ પણ ખુશી અને ગભરાટથી મન સુન્ન છે. એક નાના શહેરના છોકરાનું સપનું... દેશના દરેક અભિનેતાનું સપનું, શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર. હું હંમેશાં કબીર સર અને સાજિદ સરનો આભારી અને ઋણી રહીશ કે તેમણે મારા પર વિશ્વાસ કર્યો અને મને મોટા પડદા પર ભારતના પ્રથમ પૅરાલિમ્પિક ગોલ્ડ ચૅમ્પિયન મુરલીકાંત પેટકર સરની ભૂમિકા ભજવવાની જવાબદારી સોંપી. આ સફર ખૂબ જ દર્દનાક રહી, પણ એનું પરિણામ રસમલાઈ જેટલું મીઠું છે. હું એકસાથે પોતાને નમ્ર અને ભાવુક અનુભવી રહ્યો છું. અંતમાં હું એટલું જ માનવા અને કહેવા માગું છું કે આ તો માત્ર શરૂઆત છે. આવનારા સમયમાં હજુ ઘણા મુકામ હાંસલ કરવાના છે. ગણપતિ બાપ્પા મોરયા.’