બાળકોના સ્ક્રીન-ટાઇમને કન્ટ્રોલ કરવા માટે મારે તેમની પાસેથી ફોન છીનવી લેવો પડે છે

17 September, 2026 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂરને લાગે છે કે આ મામલે કડક રહેવું જરૂરી છે

કરીના કપૂર ખાન, તૈમુર અને જેહ

કરીના કપૂર પોતાની ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઇફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. મમ્મી કરીના બાળકો તૈમુર અને જેહના ઉછેરની બાબતમાં થોડી કડક છે, જ્યારે પપ્પા સૈફ અલી ખાનનો અભિગમ ઘણો રિલૅક્સ્ડ રહે છે. હાલમાં કરીનાએ તેનાં સંતાનોનાં સ્ક્રીન-ટાઇમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારાં બાળકો પાસે ફોન નથી. તૈમુરની નૅની પાસે એક ફોન છે, જેને તે પોતાનો ફોન કહે છે. મેં તેને કહ્યું કે આ તારો ફોન નથી. તેણે પૂછ્યું કે શું તે પોતાના મિત્રોને કહી શકે છે કે આ તેનો ફોન છે? પણ મેં ના પાડી દીધી. હું આ સમગ્ર ડિજિટલ બાબતને લઈને ખૂબ જ પરેશાન રહું છું. હું તૈમુરને ફોન જોવાની ના પાડું છું તો પછી તે મને કહે છે કે તમે અને અબ્બા પણ તો ફોન પર વાત કરો છો. જ્યારે તેઓ આખો દિવસ ગેમ રમી રહ્યા હોય છે ત્યારે મારે ખરેખર તેમના હાથમાંથી ફોન છીનવી લેવો પડે છે.’
 બાળકોના સ્ક્રીન-ટાઇમને લઈને કરીનાની અને સૈફની વિચારસરણી થોડી અલગ છે અને આ મુદ્દે બન્ને વચ્ચે ઘણી દલીલ થાય છે. આ મામલે વાત કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘સૈફને લાગે છે કે હું સ્ક્રીન-ટાઇમને લઈને જરૂર કરતાં વધારે કડક છું. તેને લાગે છે કે હું હંમેશાં પરેશાન રહેતી મમ્મી છું. સૈફ મને રિલૅક્સ રહેવા કહે છે, પણ મને લાગે છે કે બાળકોના સ્ક્રીન-ટાઇમને લઈને કડક રહેવું જરૂરી છે. હું બાળકો પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની અસરને લઈને થોડી પરેશાન છું. આનાં કેટલાંક પાસાં મને ખૂબ પરેશાન કરે છે. મને લાગે છે કે ટેક્નૉલૉજીના ઉપયોગમાં સંતુલન હોવું જરૂરી છે. કેટલીક વસ્તુઓના ઉપયોગ પર રોક હોવી જોઈએ, પણ AI અને ટેક્નૉલૉજીનો ઉપયોગ સારા અને ફાયદાકારક કામો માટે કરી શકાય છે.’

kareena kapoor taimur ali khan entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood