ગીત અને સ્ક્રિપ્ટ બન્ને ચોરી કર્યાંનો કરણ જોહર પર આરોપ

25 May, 2022 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરની ‘જુગ જુગ જિયો’ની સ્ક્રિપ્ટ અને સૉન્ગ બન્ને કૉપી કર્યાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

કરણ જોહર

કરણ જોહરની ‘જુગ જુગ જિયો’ની સ્ક્રિપ્ટ અને સૉન્ગ બન્ને કૉપી કર્યાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. કરણ જોહર મોટા ભાગે કંગના રનોટને કારણે મુસીબતમાં મુકાતો હોય છે. જોકે આ વખતે તે આર્ટિસ્ટ દ્વારા મુશ્કેલીમાં મુકાયો છે. રાઇટર વિશાલ સિંહ દ્વારા ટ્વિટર પર ઘણાંબધાં ટ્વીટ કરીને એ આરોપ મૂકવામાં આવ્યો હતો કે  ‘જુગ જુગ જિયો’ની સ્ટોરી તેની છે અને કરણ જોહરે એની કૉપી કરી છે. વિશાલે ટ્વીટ કર્યું હતું કે ‘મેં ‘બની રાની’ની સ્ટોરી ૨૦૨૦ના જાન્યુઆરીમાં સ્ક્રિપ્ટરાઇટર્સ અસોસિએશનમાં રજિસ્ટર કરાવી હતી. મેં ધર્મા મુવીઝને ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં આ ફિલ્મને તેમની સાથે કો-પ્રોડ્યુસ કરવા માટે ઈ-મેઇલ કરી હતી. મને તેમની પાસેથી જવાબ પણ મળ્યો હતો. તેમણે મારી સ્ટોરી લઈ લીધી અને ‘જુગ જુગ જિયો’ બનાવી. કરણ જોહર આ યોગ્ય નથી.’
તેણે ઈ-મેઇલના સ્ક્રીનશૉટ પણ શૅર કર્યા હતા. આ સાથે જ તેણે ‘બની રાની’ની સ્ટોરીના સિનોપ્સિસ પણ શૅર કરીને એને વાંચવા માટે લોકોને વિનંતી કરી છે અને ત્યાર બાદ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર જોઈને પોતે જજ કરવા માટે લોકોને કહ્યું છે. તેણે એ પણ કહ્યું હતું કે હિન્દી સિનેમામાં આ વસ્તુ વર્ષોથી ચાલતી આવી છે, પરંતુ તે ચૂપ બેસવામાં નથી માનતો. આ સાથે જ પાકિસ્તાની સિંગર અબ્રાર ઉલ હક દ્વારા પણ આ ફિલ્મના ગીત ‘નાચ પંજાબન’ પર કૉપીરાઇટનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિંગરે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેણે કોઈ પણ ઇન્ડિયન ફિલ્મને આ ગીતના રાઇટ્સ નથી વેચ્યા અને તે લીગલ ઍક્શન લેશે. જોકે આ વિશે ભૂષણ કુમારની ટી-સિરીઝે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમે ૨૦૦૨ની પહેલી જાન્યુઆરીએ આઇટ્યુન્સ પર રિલીઝ થયેલા ગીત ‘નાચ પંજાબન’ના રાઇટ્સ લીગલી લીધા છે. આ ગીત યુટ્યુબ ચૅનલ ‘લોલીવુડ ક્લાસિક્સ’ પર પણ ઉપલબ્ધ છે, જે મુવીબૉક્સ રેકૉર્ડ લેબલનું છે. આથી અમે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘જુગ જુગ જિયો’ માટે તમામ રાઇટ્સ લીધા છે.’

karan johar bollywood news entertainment news