16 June, 2025 06:55 AM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
ઋષભ શેટ્ટી કાંતારામાં (તસવીર: મિડ-ડે)
ફિલ્મ કાંતારા: ચૅપ્ટર 1 ના સેટ પર વધુ એક દુર્ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અભિનેતા ઋષભ શેટ્ટી અને 30 ક્રૂ સભ્યો કર્ણાટકના શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે પ્રદેશમાં સ્થિત મણિ જળાશયમાં શૂટિંગ દરમિયાન અકસ્માત થતાં તેઓ તેમાંથી બચી ગયા, પોલીસે જણાવ્યું. તેઓ જે બોટમાં હતા તે જળાશયના છીછરા ભાગમાં પલટી ગઈ, જેથી એક મોટી દુર્ઘટના થતાં અટકાઈ ગઈ હતી. કોઈ ઈજાના અહેવાલ નથી, આ દુર્ઘટનામાં કૅમેરા સહિત મૂલ્યવાન ફિલ્માંકન સાધનોનું નુકસાન થયું, અને તે જળાશયમાં ડૂબી ગયા હોવાનું કહેવાય છે. ખોવાયેલા સાધનોની કિંમત હજી સુધી જાહેર અને નક્કી કરવામાં આવી નથી. સ્થળ મુલાકાત બાદ તીર્થહલ્લી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
થિયેટર કલાકાર રામદાસ પૂજારીના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં દક્ષિણ કન્નડના આત્માઓનું ચિત્રણ કરવું જોખમી છે, કારણ કે ભૂત અને દૈવ તેમની સાથે સંકળાયેલી પ્રથાઓના વ્યાપારીકરણનો વિરોધ કરે છે તેવું માનવામાં આવે છે. એક વરિષ્ઠ ક્રૂ મેમ્બરના જણાવ્યા મુજબ, હોડી પલટી જતાં થોડો ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે, છીછરા પાણીએ બધાને કોઈ નુકસાન વિના કિનારે પહોંચવામાં મદદ કરી. "તે દર્શાવે છે કે આત્માઓએ અમને કોઈ રીતે આશીર્વાદ આપ્યા છે," ક્રૂ મેમ્બરે ઉમેર્યું. આ ઘટના અંગે ઋષભ શેટ્ટી કે તેમની ટીમ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી
ગુરુવારે, અભિનેતા કલાભવન નીજુનું 43 વર્ષની વયે બૅંગલુરુમાં અવસાન થયું, જ્યાં તેઓ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, તેમણે ફિલ્મના કલાકારો માટે ગોઠવાયેલા હોમસ્ટેમાં છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા, અને તેમનું હાર્ટ ઍટેકથી અવસાન થયું હતું.
ઋષભને ‘કાંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. શેટ્ટી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, `કાંતારા` 2022 માં સમગ્ર ભારતમાં હિટ બની હતી. ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા બાદ, તેમણે અગાઉ ANI ને જણાવ્યું હતું કે, "આ મારી આખી ટીમને કારણે શક્ય બન્યું છે. હું ફક્ત ફિલ્મનો ચહેરો છું, આ બધું તેમની મહેનતને કારણે છે. પ્રોડક્શન હાઉસ, DOP, ટેકનિશિયન, આ બધું તેમના કારણે છે." તેમણે પોતાના ચાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું, "હું કર્ણાટકના લોકોનો આભાર માનવા માગુ છું. આ ફિલ્મને માન્યતા આપવા બદલ હું રાષ્ટ્રીય પુરસ્કાર પૅનલનો આભાર માનવા માગુ છું. લોકોએ આ ફિલ્મને હિટ બનાવી છે, હું ખૂબ ખુશ છું. હું આ જીત કર્ણાટકના લોકોને સમર્પિત કરવા માગુ છું."