14 September, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કાંતારા : ચૅપ્ટર 1’ મંદિરનો સેટ
‘કાંતારા : ચૅપ્ટર 1’ માટે લોકોમાં ઉત્સુકતા છે. ૨૦૨૨માં આવેલી ‘કાંતારા’ બૉક્સ-ઑફિસ પર જબરી હિટ બની હતી અને હવે એની પ્રીક્વલ એટલે કે અગાઉની સ્ટોરી માટે દર્શકોની અપેક્ષા વધી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘કાંતારા ઃ ચૅપ્ટર 1’ માટે પહાડની ટોચ પરના એક ખૂબ મોટા મંદિરનો સેટ તૈયાર કરવા માટે કર્ણાટક, તામિલનાડુ, તેલંગણ, કેરલા, પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થળોના કારીગરો અને ક્રૂના સભ્યોની મદદ લેવામાં આવી છે. નિર્માતાઓ ઇચ્છતા હતા કે આ મંદિરનો સેટ લાંબા સમય સુધી ટકે. દરેક કારીગર અને ક્રૂ સભ્યએ આ સેટ તૈયાર કરવામાં પોતાનું કલા-કૌશલ્ય બતાવ્યું છે.
આ ફિલ્મનું નિર્માણ બહુ મોટા સ્કેલ પર કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ ‘કાંતારા ઃ ચૅપ્ટર 1’ માટે નૅશનલ અને ઇન્ટરનૅશનલ એક્સપર્ટ સાથે મળીને ભવ્ય વૉર-સીન ડિઝાઇન કર્યો છે જેમાં ૫૦૦થી વધુ કુશળ યોદ્ધાઓ અને ૩૦૦૦ જેટલા લોકોનો સમાવેશ છે. આ દૃશ્ય પચીસ એકરમાં ફેલાયેલા એક આખા શહેરમાં ૪૫-૫૦ દિવસો દરમ્યાન ફિલ્માવવામાં આવ્યું હતું જે એને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટાં દૃશ્યોમાંનું એક બનાવે છે.
આ ફિલ્મ બીજી ઑક્ટોબરે વર્લ્ડવાઇડ કન્નડા, હિન્દી, તેલુગુ, મલયાલમ, તામિલ, બંગાળી અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થશે. એ પોતાની સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલી રહીને વિવિધ ભાષાઓ અને પ્રદેશોના દર્શકો સુધી પહોંચશે.