કરવા ચૌથની શુભકામના આપતાં એની મજાક ન કરવાની સલાહ આપી કંગનાએ

25 October, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમણે આ વ્રત કર્યું છે તેમને હૅપી કરવા ચૌથ અને જેઓ આ વ્રત નથી રાખતા તેઓ ઉપવાસ રાખનારાઓનો ઉપહાસ ન કરે. કરવા ચૌથમાં પ્રશંસાને પાત્ર ઘણું બધું છે. એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો છે જે મને ખૂબ ગમે છે... 

કંગના રણોત

કંગના રનોટે ગઈ કાલે કરવા ચૌથના વ્રતની સૌને શુભકામનાઓ આપી હતી અને સાથે જ એ વ્રતને લઈને કોઈ એની મશ્કરી ન કરે એવી સલાહ પણ આપી છે. કંગનાને તેના બાળપણના દિવસો યાદ આવી ગયા છે, જ્યારે તેના ઘરમાં તેનાં દાદી, મમ્મી અને કાકી આ વ્રત કરતાં હાં. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટમાં કંગનાએ લખ્યું હતું કે ‘હું જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે મારાં દાદી, મમ્મી, કાકી અને મારી આસપાસની તમામ મહિલાઓને કરવા ચૌથનો ઉપવાસ કરતી જોઈ હતી. તેઓ મેંદી અને નેઇલપૉલિશ લગાડતી તથા ગીતો ગાતી અને દુલ્હનની જેમ શણગાર સજતી હતી. તેમના ઘરનું વાતાવરણ જ બદલાઈ જતું હતું. પુરુષો એ વાતની મજાક ઉડાડતા કે તેમની પત્ની માટે તેઓ ભગવાન બની ગયા છે, પરંતુ તેમને ભોજન નથી મળ્યું, કારણ કે એ દિવસે મહિલાઓ કિચનમાં જતી જ નહોતી. તેમની વચ્ચે રોમૅન્ટિક નજરોનો પણ ઇશારો થતો હતો. એ દિવસે ભોજન અને ચાંદો દેખાતો નથી એને લઈને ચાલતી મજાકથી પરસ્પર મતભેદ પણ ભુલાઈ જતા હતા. એ દિવસો મને ખૂબ યાદ આવે છે. જેમણે આ વ્રત કર્યું છે તેમને હૅપી કરવા ચૌથ અને જેઓ આ વ્રત નથી રાખતા તેઓ ઉપવાસ રાખનારાઓનો ઉપહાસ ન કરે. કરવા ચૌથમાં પ્રશંસાને પાત્ર ઘણું બધું છે. એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો છે જે મને ખૂબ ગમે છે... 
૧મહિલા તરીકે તમારી ઉંમર ગમે એટલી હોય, પરંતુ આ ખાસ દિવસે દુલ્હન બનીને તમને ફરીથી જીવવાનો અવસર મળે છે. રોજબરોજનાં કાર્યોની જંજાળમાંથી તમને મુક્તિ મળે છે અને તમે જ્યારે એક યુવતી તરીકે આ જર્નીની શરૂઆત કરી હતી એ કોમળ લાગણીઓની તમને યાદ અપાવે છે. 
૨વર્ષ દરમ્યાન તમારા ગમે એટલા ઝઘડા થયા હોય તો પણ તમે જ્યારે પતિના લાંબા આયુષ્ય માટે કામના કરો છો ત્યારે એ બધા વિવાદને ભૂલી જાઓ છો. 
૩ એ દિવસે મહિલાઓ કામ નથી કરતી. પુરુષો સમજે છે કે મહિલા કેટલી સ્ટ્રગલ કરે છે. તેમના સ્થાનની, તેમના રોજબરોજના કામની તેમને કદર છે.
૪. મહિલાઓ જ્યારે ચાંદાની આતુરતાથી રાહ જુએ છે અને પુરુષો તાણમાં આવી જઈને ચાંદો ઊગ્યો કે નહીં એ જોવા માટે વારંવાર ટેરેસ પર જાય છે. એના માધ્યમથી તેમના પ્રત્યેની ચિંતા અને કાળજી દેખાઈ આવે છે. મહિલાઓને પણ આ વસ્તુ ગમે છે. સાથે રહેવાથી નાનીઅમસ્તી બાબતો પર ઝઘડો તો થાય જ છે. એવામાં આવાં પર્વ પરસ્પર પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યાં છે. 
૫ સૌથી છેલ્લું એ કે એ દિવસે અમને સ્કૂલમાં પણ રજા મળે છે. લિપસ્ટિક અને નેઇલપૉલિશ અમે પણ લગાવતાં હતાં અને સાથે જ પાપાની કુકિંગને પણ એન્જૉય કરતા હતા. એ દિવસે તેઓ બધી રસોઈ બનાવતા અને અમારા હોમવર્કની તો કોઈને ચિંતા જ નહોતી રહેતી. આ દિવસ જૂની યાદોને તાજી કરે છે.’

kangana ranaut bollywood news bollywood bollywood gossips entertainment news