પહેલાં તમે કંગના રનૌત બનીને તો બતાવો, હું જીવનમાં તમારું કોઈ પણ જ્ઞાન સાંભળીશ નહીં

26 August, 2026 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનૌતે તેની વિરુદ્ધ નિવેદનો કરવા બદલ તાપસી પન્નુ, રાખી સાવંત, આશુતોષ રાણા, સોનુ સૂદ અને બાબા રામદેવને નામ લઈને ઝાટક્યાં

કંગના રનૌત

ઍક્ટ્રેસ અને રાજકારણી કંગના રનૌતે પોતાના વિશે ટિપ્પણી કરનારી અનેક જાણીતી સેલિબ્રિટીઓ પર આકરા પ્રહાર કર્યા છે. એમાં તાપસી પન્નુ, રાખી સાવંત, આશુતોષ રાણા, સોનુ સૂદ અને બાબા રામદેવનો સમાવેશ થાય છે. આ લોકો પર કટાક્ષ કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘આ લોકો માટે મારો માત્ર એક સંદેશ છે કે તમે લોકોએ મારી સરખામણીમાં એક ટકા પણ સફળતા મેળવી નથી, તો હું જીવનમાં તમારું કોઈ પણ જ્ઞાન સાંભળીશ નહીં.’
પોતાનો આક્રોશ વ્યક્ત કરતી વખતે કંગનાએ તેના વિશે કમેન્ટ કરનારા લોકોનાં નામ લઈને તેમની ટીકા કરી હતી. કંગનાએ કહ્યું હતું કે ‘હું દરરોજ આવા લોકોને જોઉં છું. પછી તે આશુતોષ રાણા હોય જે કહે છે કે હું કૂતરાની જેમ ભસું છું અથવા સોનુ સૂદ હોય જે કહે છે કે મારે શિષ્ટાચારથી વર્તવાનું શીખવું જોઈએ. રાખી સાવંત જેવા લોકો મારા ચરિત્ર વિશે જાતજાતની નકામી વાતો કરે છે અને તાપસી પન્નુ તો સતત મારા મમ્મી-પપ્પા, મારા ઉછેર અને મારા બૅકગ્રાઉન્ડનું અપમાન કરતી રહી છે. આવા અનવૉન્ટેડ લોકો મીડિયામાં ચમકવા માટે મને જ્યારે જુઓ ત્યારે ચાર ગાળો આપતા રહે છે. પહેલાં તમે કંગના રનૌત બનીને તો બતાવો.’
કંગનાએ તેના વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક કમેન્ટ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું ‘કોઈ મને કૂતરી કહી રહ્યું છે, કોઈ માતા-પિતાને ગાળો આપી રહ્યું છે તો કોઈ મારા વિશે અશ્લીલ વાતો કરે છે. આવી ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં. હું આવા ‘ભૂખે-નંગે’ ટીકાકારોને મારા પર હાવી નહીં થવા દઉં. હવે બહુ થઈ ગયું. હું એવા લોકો પાસેથી કોઈ સલાહ નહીં લઉં જે મારાથી ઓછા સફળ છે. મને અસફળ, મૂર્ખ અને ઘૃણાસ્પદ લોકોની કોઈ વાત સાંભળવામાં જરા પણ રસ નથી.’

બાબા રામદેવને પણ કર્યા ટાર્ગેટ

કંગના રનૌતે પોતાનો આક્રોશ વ્યક્ત કરતી વખતે બાબા રામદેવ પર પણ નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે તેમણે તમામ હદો પાર કરી દીધી છે. કંગનાએ કહ્યું હતું કે ‘તેમણે દરેક મર્યાદા ઓળંગી દીધી છે અને તેમણે જે રીતે એક મહિલા વિશે ટિપ્પણી કરી છે એનાથી સમગ્ર સમાજ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. તેઓ સનાતનનાં કપડાં પહેરે છે. જે પ્રકારનાં કેસરી વસ્ત્રો તેઓ ધારણ કરે છે એમને પણ તેમણે શરમજનક સ્થિતિમાં મૂકી દીધાં છે. તેમણે મહિલાઓ પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ સુધારવો જોઈએ.’
હકીકતમાં કંગનાએ દિલ્હીના જંતર મંતર પર થયેલા આંદોલન સંદર્ભે જેન-ઝીને ગટર જનરેશન ગણાવી હતી. કંગનાના આ નિવેદન વિશે બાબા રામદેવે કમેન્ટ કરતા કહ્યું હતું કે  દેશના યુવાનોને આવું કહેવું ખોટું છે અને કંગનાએ પોતાના ભૂતકાળ તથા કારનામાંઓ પર આત્મચિંતન કરવું જોઈએ. બાબા રામદેવના આ નિવેદનથી કંગના બહુ અપસેટ છે.

kangana ranaut sonu sood taapsee pannu rakhi sawant baba ramdev entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood