✕

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાંથી જુહી ચાવલા અને કરણ જોહર આઉટ

25 September, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬માં ગયા વર્ષે ટૉપ પર રહેલી જુહી ચાવલા અને કરણ જોહરનું નામ નથી. ૨૦૨૫માં જુહીની નેટવર્થ ૭૭૯૦ કરોડ અને કરણ જોહરની ૧૮૮૦ કરોડ રૂપિયા હતી. બિઝનેસ વૅલ્યુએશનના બદલાવની અસર પડી હોવાનું કહેવાય છે.

કરણ જોહર અને જુહી ચાવલા

૨૦૨૬નું હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ જાહેર થતાં જ બૉલીવુડના સૌથી ધનિક સેલિબ્રિટીઝની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે ૭૭૯૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બીજા સ્થાને રહેલી અભિનેત્રી જુહી ચાવલા અને ૧૮૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતો ફિલ્મમેકર કરણ જોહર આ વર્ષે ટૉપ લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે. તેમની ગેરહાજરી પાછળ બિઝનેસ-વૅલ્યુએશન અને રોકાણના મૂલ્યમાં આવેલા બદલાવને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
૨૦૨૫ના હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં જુહી ચાવલા અને તેનો પરિવાર ૭૭૯૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બીજા ક્રમે હતાં, પણ આ વખતે તેનું નામ યાદીમાં નથી. તેની કુલ સંપત્તિનો મોટો હિસ્સો IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સમાં તેની અને તેના પતિ જય મહેતાની ભાગીદારી સાથે જોડાયેલો છે. ફ્રૅન્ચાઇઝીની વૅલ્યુમાં આવેલા ઉતાર-ચડાવ અને ફૅમિલી-બિઝનેસના મૂલ્યમાં થયેલા ફેરફારની સીધી અસર તેની નેટવર્થ પર પડી હોવાનું માનવામાં આવે છે.ગયા વર્ષે ૧૮૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં ચોથા ક્રમે રહેલા કરણ જોહરનું નામ પણ આ વર્ષે હુરુન લિસ્ટમાં સામેલ નથી. તેની સંપત્તિનો મોટો ભાગ તેની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ સાથે જોડાયેલો છે. છેલ્લાં એક-બે વર્ષ દરમ્યાન ધર્મા પ્રોડક્શન્સની અનેક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી. એમાં ‘ચાંદ મેરા દિલ’, ‘હોમબાઉન્ડ’, ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’, ‘જિગરા’ અને ‘ધડક 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ નબળા પ્રદર્શનને કારણે કંપનીના વૅલ્યુએશન પર અસર પડી હતી.

કઈ રીતે તૈયાર થાય છે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ?

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ભારત તેમ જ વિશ્વભરમાં વસતી સૌથી ધનિક ભારતીય વ્યક્તિઓ અને પરિવારોનું વાર્ષિક રૅન્કિંગ છે. આ લિસ્ટ જાણીતી રિસર્ચ અને વૅલ્યુએશન સંસ્થા ‘હુરુન ઇન્ડિયા’ અને રિસર્ચ ફર્મ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવે છે. આ યાદી માત્ર અમીરોની સંપત્તિ જ નહીં, ભારતીય અર્થતંત્ર, ઉદ્યોગજગતમાં આવતા બદલાવ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિના વિકાસને પણ દર્શાવે છે. આ લિસ્ટમાં માત્ર એવા જ ભારતીયોને સ્થાન મળે છે જેમની વ્યક્તિગત કે પારિવારિક નેટવર્થ ઓછામાં ઓછી ૧૦૦૦ કરોડ રૂપિયા કે એથી વધુ હોય. આ યાદીમાં માત્ર ભારતમાં રહેતા લોકો જ નહીં પણ વિદેશમાં જન્મેલા કે ઊછરેલા નૉન રેસિડન્ટ ઇન્ડિયન (NRI) ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.

karan johar juhi chawla entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood