‘જોરદાર’ ધબડકો

15 May, 2022 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલીઝના પહેલા દિવસે ‘જયેશભાઈ જોરદાર’એ કર્યો ફક્ત ૩.૨૫ કરોડનો બિઝનેસ

‘જયેશભાઈ જોરદાર’નો સીન

શુક્રવારે રિલીઝ થયેલી ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મે માત્ર ૩.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીર સિંહના ચાર્મને જોતાં આ આંકડો ખૂબ ઓછો કહી શકાય. હૉલીવુડ અને સાઉથની ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખૂબ સારો બિઝનેસ કરી રહી છે, પણ બૉલીવુડની ફિલ્મો સતત પટકાઈ રહી છે. ‘હીરોપન્તી 2’ અને ‘જર્સી’ બાદ હવે આ ‘જયેશભાઈ જોરદાર’ને પણ ઓછા દર્શકો મળી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મમાં ‘દીકરી બચાવો’ના અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાધારણ ગુજરાતી પરિવારનો જયેશભાઈ ગર્ભમાં રહેલી દીકરીના બચાવ માટે કેવા-કેવા પ્રયાસ કરે છે એ જોવા જેવું છે. ફિલ્મને ખૂબ મોટા પાયે પ્રમોટ કરવામાં આવી હતી. જયેશભાઈના રૂપમાં પોતાને ઢાળવા માટે રણવીરે ખૂબ મહેનત કરી હતી. ફિલ્મમાં શાલિની પાંડે, બમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ જોવા મળી રહ્યાં છે. બૉક્સ-ઑફિસ પર જે કલેક્શન આ ફિલ્મને મળ્યું છે એનાથી લાગે છે કે લોકોને થિયેટર્સ સુધી ખેંચવામાં રણવીર નિષ્ફળ ગયો છે. જોકે એક દિવસના કલેક્શન પરથી ફિલ્મના ભવિષ્યનો અંદાજ ન લગાવી શકાય. વીક-એન્ડમાં ફિલ્મના બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. હવે આ ફિલ્મ સફળ થાય છે કે નિષ્ફળ એ તો આવનારો સમય જ જણાવશે.

entertainment news bollywood bollywood news ranveer singh