પાકિસ્તાન અને નરકમાંથી પસંદગી કરવાની હોય તો હું નરકની પસંદગી કરીશ

20 May, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાવેદ અખ્તરે પોતાની સમસ્યા જણાવતાં કહ્યું, મારે હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયની ટીકાનો સામનો કરવો પડે છે

જાવેદ અખ્તર

પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કોઈ પ્રકારના ડર વગર વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા છે. આને કારણે તેમને સોશ્યલ મીડિયા પર ઘણી વાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે અને ગાળો પણ સાંભળવી પડે છે. તાજેતરમાં એક બુક લૉન્ચ ઇવેન્ટમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને ‘કાફિર’ કહે છે તો કેટલાક ‘જિહાદી’ કહે છે અને જો તેમને પસંદગી આપવામાં આવે કે નરકમાં જવું છે કે પાકિસ્તાન, તો તેઓ નરકમાં જવાનું પસંદ કરશે.

જાવેદ અખ્તરે શિવસેનાના નેતા સંજય રાઉતના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ના લૉન્ચ પર પ્રેક્ષકો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારે દરરોજ હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના કટ્ટરવાદી લોકોના ગુસ્સા અને અભદ્ર વર્તનનો સામનો કરવો પડે છે. ભારત અને પાકિસ્તાન એમ બન્ને તરફના લોકો મને ગાળ આપે છે. એક મને કાફિર કહે છે અને કહે છે કે તું નરકમાં જઈશ. બીજું મને જિહાદી કહીને પાકિસ્તાન મોકલવાની વાત કરે છે. બન્ને બાજુના લોકો મને ગાળો ભાંડે છે. આ એકતરફી નથી. એવા લોકો પણ છે જેઓ મારી પ્રશંસા કરે છે. ઘણા લોકો મારું સમર્થન કરે છે, વખાણ કરે છે અને મારી હિંમત વધારે છે. જોકે એ પણ સાચું છે કે આ બાજુના કટ્ટરવાદીઓ પણ મને ગાળ આપે છે અને પેલી બાજુના કટ્ટરવાદીઓ પણ મને ગાળ આપે છે. એ હકીકત છે. જો આમાંથી કોઈએ પણ ગાળ આપવાનું બંધ કરી દીધું તો હું પરેશાન થઈ જઈશ કે હું શું ભૂલ કરી રહ્યો છું? એક કહે છે કે તું તો કાફિર છે, જહન્નમમાં જઈશ, તો બીજો કહે છે કે તું જિહાદી છે અને પાકિસ્તાન જા. તો જો મારી પાસે ફક્ત પાકિસ્તાન અને જહન્નમ એટલે કે નરકની પસંદગી હોય તો હું નરકમાં જવાનું પસંદ કરીશ.’

javed akhtar bollywood india pakistan ind pak tension religion hinduism islam bollywood news bollywood buzz entertainment news