02 September, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર,જાહ્નવી કપૂર
શ્રીદેવીની સફળ ફિલ્મોની યાદીમાં ‘ચાલબાઝ’નો સમાવેશ થાય છે. ૧૯૮૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શ્રીદેવીએ ડબલ રોલ કર્યો હતો. રિપોર્ટ છે કે હવે આ ફિલ્મની રીમેક બનવાની છે અને એમાં શ્રીદેવીનો રોલ તેની દીકરી જાહ્નવી કપૂર ભજવવાની છે. થોડા સમય પહેલાં આ રીમેકની હિરોઇન તરીકે શ્રદ્ધા કપૂરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પણ મળતી માહિતી પ્રમાણે હવે આ ફિલ્મમાં શ્રદ્ધાને બદલે જાહ્નવીને ફાઇનલ કરી દેવામાં આવી છે.
જોકે આ મામલે જાહ્નવીની નજીકની એક મિત્રએ જણાવ્યું છે કે ‘જાહ્નવી માટે ‘ચાલબાઝ’ ફક્ત એક ફિલ્મ નથી, એ એક લાગણી છે. તેણે ‘ચાલબાઝ’માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક ઝડપી તો લીધી છે, પરંતુ તે આમાં ખૂબ સાવધાનીથી આગળ વધી રહી છે. તે ‘ચાલબાઝ’ની રીમેક માટે આસપાસના લોકોનાં મંતવ્યો લઈ રહી છે. તે ઉત્સાહિત છે, પરંતુ તેને એ વાતનો પણ ખ્યાલ છે કે જો તે આ રોલ કરશે તો ચોક્કસ તેની સરખામણી તેની મમ્મી સાથે થશે. તે સપ્ટેમ્બરના અંત સુધીમાં ‘ચાલબાઝ’ની રીમેક પર ફાઇનલ નિર્ણય લેશે.’