23 January, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી
કિઆરા અડવાણીની ગણતરી બૉલીવુડની હસમુખ અને મળતાવડી હિરોઇન તરીકે થાય છે. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક યુવકે વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે કિઆરા રિયલ લાઇફમાં અહંકારી હોવાનું જણાવ્યું છે.
આ યુવકે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં બે વર્ષ જૂનો એક કિસ્સો સંભળાવ્યો છે. તેણે કહ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે કિઆરા અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ રિલીઝ થઈ હતી. આ યુવક પોતાનાં ભાઈ અને મમ્મી સાથે દિલ્હી-જયપુર ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. આ જ ફ્લાઇટમાં કિઆરા અને કાર્તિક પણ મુસાફરી કરી રહ્યાં હતાં. આ સમયે ભૂલથી યુવકની મમ્મી કિઆરાની સીટ પર બેસી ગઈ હતી.
પોતાનો અનુભવ જણાવતાં આ યુવકે કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં કિઆરા આવી અને પોતાની સીટ પર કોઈ બીજી વ્યક્તિને બેઠેલી જોઈ. તેણે મારી મમ્મીને કંઈ કહ્યું નહીં, પરંતુ ચહેરા પર બહુ ખરાબ પ્રકારનું એક્સપ્રેશન આવી ગયું. તેને એવું લાગતું હતું કે કોઈ નૉન-સેલિબ્રિટી તેની સીટ પર બેસવાથી તેની સીટ ગંદી થઈ ગઈ હોય. ત્યાર બાદ એક ઍરહોસ્ટેસ આવી અને મારી મમ્મીને જણાવ્યું કે તેઓ કિઆરાની સીટ પર બેઠાં છે. આ જાણતાં જ મારી મમ્મી પોતાની સીટ પર જઈને બેસી ગયાં. એ સમયે અમને કિઆરાના અહંકારનો બરાબર અનુભવ થઈ ગયો.’