સારી સ્ક્રિપ્ટ હોય તો સિનિયર ઍક્ટર્સને પણ કામ મળે છે : સોની રાઝદાન

28 October, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારા માટે જ્યારે પાત્રો લખવામાં આવશે ત્યારે જ અમને તક મળશે પછી સ્ટોરી ફિલ્મની હોય, વેબ-સિરીઝની હોય કે પછી અન્ય કોઈ ફૉર્મેટની હોય.

સારી સ્ક્રિપ્ટ હોય તો સિનિયર ઍક્ટર્સને પણ કામ મળે છે : સોની રાઝદાન

સોની રાઝદાનનું કહેવું છે કે જો સ્ક્રિપ્ટ સારી હોય તો સિનિયર ઍક્ટર્સને પણ કામ મળે છે. તે ‘કૉલ માય એજન્ટ : બૉલીવુડ’માં રજત કપૂર, આહના કુમરા અને આયુષ મેહરા સાથે જોવા મળશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર ૨૯ ઑક્ટોબરે આ શો શરૂ થશે. આ શોમાં ફરાહ ખાન કુંદર, જૅકી શ્રોફ, અલી ફઝલ, રિચા ચઢ્ઢા, લારા દત્તા અને દિયા મિર્ઝા નાનકડી ભૂમિકામાં દેખાશે. આ શો ચાર ટૅલન્ટ એજન્ટ્સની આસપાસ ફરે છે. તેઓ પોતાની મૅનેજમેન્ટ કંપનીને ટકાવી રાખવા માટે ઍક્ટર્સના અહમ્ને સહન કરે છે. સોનીને પૂછવામાં આવ્યું હતું કે શું કાસ્ટિંગ એજન્ટ અને ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપની તેમને લાયક કામ આપે છે? એનો જવાબ આપતાં સોની રાઝદાને કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારા જેવા મોટી વયના ઍક્ટર્સને કામ આપવા માટે બે પ્રકારની પ્રક્રિયા હોય છે. પહેલાં તો કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ નિર્માણ કરવું જોઈએ અને બાદમાં કાસ્ટિંગ એજન્ટ મારા જેવા ઍક્ટરનો સંપર્ક કરે. અમારા માટે જ્યારે પાત્રો લખવામાં આવશે ત્યારે જ અમને તક મળશે પછી સ્ટોરી ફિલ્મની હોય, વેબ-સિરીઝની હોય કે પછી અન્ય કોઈ ફૉર્મેટની હોય. એથી આપણે જ્યારે તકની વાત કરીએ ત્યારે એ માત્ર ઍક્ટિંગ કે કાસ્ટિંગ પૂરતી સીમિત નથી હોતી પરંતુ એ સ્ટોરીને દેખાડવા માટે સ્ક્રિપ્ટ અને પ્લૅટફૉર્મની પણ જરૂર હોય છે. તમામ સ્ક્રિપ્ટ્સ અને દરેક સ્ટોરી મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવે એ જરૂરી નથી. આમ છતાં એ અસંખ્ય લોકો સુધી પહોંચી શકે છે. નેટ​ફ્લિક્સ અને અન્ય માધ્યમને કારણે એવી સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવે છે. એથી મારા જેવા ઍક્ટર્સને પણ કામ મળે છે. વર્તમાનમાં મને જે પણ પ્રોજેક્ટ્સ મળ્યા છે એ મારા કાસ્ટિંગ એજન્ટ્સને કારણે જ મળ્યા છે. જોકે તક તો રાઇટિંગને કારણે મળે છે. કાસ્ટિંગ એજન્ટ અને ટૅલન્ટ મૅનેજમેન્ટની કામની જે પ્રક્રિયા છે એ સારી છે. એ સિસ્ટમૅટિક અને વ્યવસ્થિત છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news soni razdan