‘પૃથ્વીરાજ’ની સ્ક્રિપ્ટ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં : અક્ષયકુમાર

09 May, 2022 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર લૉન્ચ કરતી વખતે અક્ષયકુમારે આ વાત કહી હતી

‘પૃથ્વીરાજ’નું પોસ્ટર

અક્ષયકુમારનું કહેવું છે કે તેણે જ્યારે ‘પૃથ્વીરાજ’ની સ્ક્રિપ્ટ વાંચી તો તેના રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર લૉન્ચ કરતી વખતે અક્ષયકુમારે આ વાત કહી હતી. ફિલ્મમાં પરાક્રમી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને વીરતા વિશે લોકોને ઝીણવટપૂર્વક જાણવા મળશે. આ ફિલ્મને ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષયકુમારની સાથે માનુષી છિલ્લર પણ જોવા મળશે. ૩ જૂને આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મારી ઇચ્છા છે કે દરેકે દરેક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની આ સ્ટોરીને જુએ. મને જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી તો નરેશન વખતે મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં અને મેં તરત જ આ પ્રોજેક્ટને હા પાડી દીધી હતી, કેમ કે સ્ક્રિપ્ટ સાંભળીને હું ચોંકી ગયો હતો. આ કમાલની સ્ક્રિપ્ટ છે. આ એક સત્યની ખોજ છે જે ઇતિહાસ, દેશભક્તિ અને એ મૂલ્યોને એકસાથે રજૂ કરશે જેને આપણે જાણવાં જોઈએ. સાથે જ ફિલ્મમાં એક દુર્લભ પ્રેમ કહાણી પણ છે. આ ફિલ્મમાં એ બધું જ છે જેને જોવા માટે દર્શક થિયેટર્સમાં જશે. એનો મોટો એક માપદંડ પણ છે જેની એ ઐતિહાસિક હકદાર પણ છે. કોઈ ઍક્ટર માટે આવી પ્રભાવશાળી વ્યક્તિનું પાત્ર ભજવવું સન્માનની બાબત છે જેમણે દેશ માટે ઘણું કર્યું છે. એક ઍક્ટર તરીકે હું નસીબદાર છું કે મને આવી સ્ટોરી વ્યક્ત કરવાની તક મળી છે. ‘પૃથ્વીરાજ’ અમારા પ્રેમનું પ્રતીક છે. પોતાના દેશ અને દેશવાસીઓ માટે અંતિમ શ્વાસ સુધી લડનારા આ પરાક્રમી રાજાને આપણે કેટલા પ્રામાણિક અને શાનદાર રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ એ વિશે અમે દરેક પળ વિચારતા હતા.’

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar