09 September, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને પોતાના વ્યક્તિગત તથા પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શૅર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં મરાઠી ભાષાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું મરાઠી ભાષા જાણતો નથી. જોકે બિગ બીએ આ પોસ્ટમાં તાજેતરના મરાઠી ભાષા વિવાદ પર કોઈ કમેન્ટ નથી કરી.
અમિતાભે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે ‘કોઈએ મને કહ્યું કે તમને મરાઠી આવડતી નથી, તમે આટલાં વર્ષોથી મુંબઈમાં રહો છો. એ તો સાચું છે, પણ મરાઠી ભાષા શીખવાનો પ્રયત્ન કરો, શીખવું પણ એક સલામ છે.’
અમિતાભની આ પોસ્ટે ફૅન્સમાં ચર્ચા જગાવી છે અને કેટલાકે તેમને મરાઠી શીખવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
જોડણીભૂલનો કર્યો સ્વીકાર
તાજેતરમાં અમિતાભ બચ્ચને વિસર્જનના દિવસે કરેલી પોસ્ટમાં અજાણતાં જોડણીની એક ભૂલ કરી હતી. એના પર લોકોએ તેમને ટોક્યા તો તેમણે બહુ સરળ વર્તન કરીને ભૂલમાં સુધારો કર્યો હતો. અમિતાભે આ પોસ્ટમાં બાપ્પાની તસવીર શૅર કરતાં લખ્યું હતું, ‘ગણપતિ બપ્પા મોર્યા. લાલ બાગચ રાજા.’ ત્યાર બાદ બીજી પોસ્ટમાં બિગ બીએ લખ્યું, ‘અમારા એક શુભેચિંતકે કહ્યું કે તમે કાલની ટ્વીટમાં ‘લાલબાગ ‘ચ’ રાજા’ લખ્યું છે જે ખોટું છે અને તેમણે કહ્યું, આ ‘ચા’ હોવું જોઈએ, તો સુધારી રહ્યો છું. લાલબાગચા રાજા.’