હું મેજર સંદીપ તો ન બની શકું, પરંતુ તેમના પેરન્ટ્સનો બીજો દીકરો તો બની જ શકું છું : અદિવી સેશ

20 May, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનના ત્યાગ અને સમર્પણને ‘મેજર’ દ્વારા દેખાડનાર અદિવી સેશે જણાવ્યું છે કે તે મેજર સંદીપ જેવો તો નહીં બની શકે, પરંતુ તેમના પેરન્ટ્સનો બીજો દીકરો બનવાનો પ્રયાસ જરૂર કરશે

અદિવી સેશ

મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનના ત્યાગ અને સમર્પણને ‘મેજર’ દ્વારા દેખાડનાર અદિવી સેશે જણાવ્યું છે કે તે મેજર સંદીપ જેવો તો નહીં બની શકે, પરંતુ તેમના પેરન્ટ્સનો બીજો દીકરો બનવાનો પ્રયાસ જરૂર કરશે. મુંબઈ પર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલામાં લોકોના પ્રાણ બચાવનાર મેજર સંદીપ શહીદ થયા હતા. તેમની બહાદુરીભરેલી સ્ટોરીની ફિલ્મ બનાવતા અગાઉ મેજરના પરિવાર સાથે અદિવી સેશે મુલાકાત કરી હતી. આ ફિલ્મ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. મેજર સંદીપના પેરન્ટ્સ વિશે અદિવી સેશે કહ્યું કે ‘અમે અંકલ અને અમ્માને વિનંતી કરી હતી કે અમારી સાથે એક વખત મુલાકાત કરો. મેં પહેલી વખત અંકલને મળવાનો પ્રયાસ કર્યો તો તેમણે નકાર આપ્યો હતો. બાદમાં અમારી ટીમની એક યુવતીને તેમની સાથે વાત કરવાનો આગ્રહ કર્યો હતો જેથી તેઓ માની જાય અને તેઓ અમને મળવા માટે રાજી થયાં હતાં. હું તેમને જ્યારે મળ્યો ત્યારે તેમણે જણાવ્યું કે બૉલીવુડ અને મલયાલમ સિનેમાના અનેક ફિલ્મમેકર્સે તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને મળવાની તેમણે ચોખ્ખી ના પાડી હતી, કારણ કે તેમના મુજબ એ બધા તેમના પર જાણે કે મહેરબાની કરતા હોય એવું લાગતું હતું. જોકે અમારા તરફથી તેમના દીકરાની વીરતાને દેખાડવી એ તેમને ખરો 
પ્રયાસ લાગ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમ્યાન અંકલ અને અમ્મા અમારા માટે પરિવાર બની ગયાં હતાં. મૈં ઑફ-સ્ક્રીન તો મેજર નહીં બન સકતા, પરંતુ તેમનો બીજો દીકરો તો બની શકું છું. તેઓ કેરળનાં હોવાથી તેમના પ્રતિ આદર વ્યક્ત કરવા અમે મલયાલમમાં પણ ફિલ્મ ડબ કરી છે. એ નિર્ણય પાછળ અમારો કોઈ સ્વાર્થ નથી.’

bollywood news entertainment news