દિલ્હીમાં ધર્મેન્દ્રની પ્રાર્થનાસભામાં અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

12 December, 2025 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિનીએ રાખેલી આ પ્રાર્થનાસભામાં નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ, રેખા ગુપ્તા પણ આવ્યાં

દીકરીઓ આહના અને એશા સાથે હેમા માલિની

ઍક્ટ્રેસ અને સંસદસભ્ય હેમા માલિનીએ ગઈ કાલે દિલ્હીમાં દિવંગત પતિ ધર્મેન્દ્ર માટે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. ધર્મેન્દ્ર માટેની આ પ્રાર્થનાસભા જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર ખાતે સાંજે ચારથી ૬ વાગ્યા દરમ્યાન યોજાઈ હતી. આ પ્રાર્થનાસભામાં હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરીઓ એશા દેઓલ, આહના દેઓલ તથા જમાઈ વૈભવ વોહરા પરિવાર સાથે હાજર હતાં. અહીં એશાના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાણીની પણ હાજરી હતી. પ્રાર્થનાસભામાં હેમા માલિની, એશા અને આહનાએ બધા સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમના સ્થળે ધર્મેન્દ્રના હેમા અને દીકરીઓ સાથેના ફોટો લગાવવામાં આવ્યા હતા.

ટોચના નેતાઓની હાજરી

ધર્મેન્દ્રને પુષ્પાંજલિ અર્પણ કરતા ગૃહપ્રધાન અમિત શાહ

આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રાર્થનાસભામાં કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ અને અશ્વિની વૈષ્ણવ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ, પ્રહ્‍લાદ જોશી, હર્ષ મલ્હોત્રા અને સંસદસભ્ય બાંસુરી સ્વરાજ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

રવિ કિશન

સ્ટેજ પર યાદ કર્યા ધર્મેન્દ્રને

આ પ્રાર્થનાસભામાં હેમા માલિનીએ સ્ટેજ પરથી કહ્યું હતું, ‘ધરમજી હસમુખા અને મિલનસાર હતા. પ્રસિદ્ધિના શિખર પર હોવા છતાં તેમણે ક્યારેય પોતાને વિશેષ માન્યા નહોતા અને હંમેશાં જમીન પર રહ્યા હતા. તેમના આ ગુણ સૌને ગમતા હતા. તેઓ નાના-મોટા, શ્રીમંત-ગરીબ, પોતાનાં અને પારકાં એમ દરેક વર્ગના લોકો સાથે ખૂબ પ્રેમ અને સન્માન સાથે વાત કરતા હતા.’

કંગના રનૌત

ધર્મેન્દ્રના અવસાન પછી પહેલી વાર જાહેરમાં જોવા મળી નાની દીકરી આહના

રણજિત

દિવંગત ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ જનપથ પર આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટરમાં યોજેલી પ્રેયર-મીટમાં તેની સાથે બન્ને દીકરીઓ એશા અને આહના દેઓલ જોવા મળી હતી; પણ ધર્મેન્દ્રની પહેલી પત્નીનાં સંતાનો સની દેઓલ, બૉબી દેઓલ કે દેઓલ-પરિવારના અન્ય કોઈ સભ્ય જોવા મળ્યાં નહોતાં. આ પ્રાર્થનાસભામાં ધર્મેન્દ્રની નાની દીકરી આહના પિતાના નિધન પછી પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. આહનાએ લાંબા સમયથી જાહેર ઇવેન્ટ્સથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તે પરિવાર સાથે હાજર રહી હતી.

dharmendra celebrity death new delhi hema malini esha deol amit shah kangana ranaut ranjeet ravi kishan jp nadda nirmala sitharaman ashwini vaishnaw rekha gupta om birla entertainment news bollywood bollywood news