પંડિત શિવકુમાર શર્માએ ગુજરાતી ગઝલ સ્વરબદ્ધ કરી હતી એ જાણો છો?

11 May, 2022 10:09 AM IST  |  Mumbai | Nandini Trivedi

મુંબઈની પંચતારક હોટેલમાં તબલા માઇસ્ટ્રો ઉસ્તાદ અલ્લારખા સાહેબની સ્મરણાંજલિના કાર્યક્રમમાં વર્ષો પહેલાં પંડિત શિવકુમારજીને પહેલી વાર મળવાનું થયું હતું.

(ડાબેથી) આશિત દેસાઈ, પંડિત શિવકુમાર શર્મા અને આલાપ દેસાઈ.

મુંબઈની પંચતારક હોટેલમાં તબલા માઇસ્ટ્રો ઉસ્તાદ અલ્લારખા સાહેબની સ્મરણાંજલિના કાર્યક્રમમાં વર્ષો પહેલાં પંડિત શિવકુમારજીને પહેલી વાર મળવાનું થયું હતું. અત્યંત વિનમ્ર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ. આભિજાત્યપૂર્ણ પ્રતિભા ધરાવતા શિવજી મીતભાષી. ખપ પૂરતું જ બોલે. પરંતુ સંતૂર હાથમાં લે અને જે રણકતો ગુંજારવ વાતાવરણમાં રણઝણી ઊઠે ત્યારે સંગીતની પરમ શક્તિનો પરિચય થયા વિના રહે નહીં. સ્ટેજ પર બેઠા હોય ત્યારે આધ્યાત્મિક ઋષિતુલ્ય જ લાગે. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮માં જન્મેલા શિવજી સંગીત માટે હંમેશાં કહેતા કે સંગીત માત્ર મનોરંજન નથી, ઉચ્ચ કલાસાધના છે. ૧૩ વર્ષની વયે સંતૂરની વિધિવત તાલીમ શરૂ કરનાર શિવકુમાર શર્માએ આરંભમાં તબલાંની તાલીમ લીધી હતી. 
બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિ તરીકે ‘ચાંદની’, ‘લમ્હે’, ‘સિલસિલા’, ‘ડર’ જેવી કેટલીક ફિલ્મોમાં મધુર સંગીત પીરસનાર પંડિત શિવકુમાર શર્માએ ૧૯૯૩ પછી ફિલ્મોમાં સંગીત આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમને લાગતું હતું કે ફિલ્મનિર્માતાઓની પસંદગીની સંગીત પર વિપરીત અસર પડે છે, જે સંગીત મોટા ભાગે ઘોંઘાટિયું અથવા તો વધારે પડતા વેસ્ટર્ન બીટ્સ ધરાવતું હોય છે. આ જ કારણથી તેમણે પછીથી માત્ર ક્લાસિકલ મ્યુઝિકની કૉન્સર્ટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 
આમ છતાં તમને જાણીને નવાઈ લાગશે કે પંડિત શિવકુમાર શર્માએ એકમાત્ર ગુજરાતી ગઝલ સ્વરબદ્ધ કરી છે. એ ગઝલના શબ્દો છે ઃ
એક કાગળ, એક કલમ, 
કંપન ભરેલું કાળજું
વચ્ચે એક કવિતાનું, 
અમથું અમથું શરમાવવું
કવિ કમલેશ સોનાવાલાની આ ગુજરાતી ગઝલ શિવજીએ કેવી રીતે કમ્પોઝ કરી એ રસપ્રદ વાત કહેતાં કમલેશભાઈ જણાવે છે, ‘પંડિત શિવકુમાર સાથે ઘણો જૂનો સંબંધ હતો. એ ખૂબ ભલા અને જબરદસ્ત જાણકાર સંગીતકાર. મારા સિતારવાદક મિત્ર અરવિંદ પરીખના પણ એ મિત્ર હોવાથી હું તેમને મળ્યો હતો. એક વાર સિનેસ્ટાર્સ સ્ટુડિયોમાં મારાં સંગીત આલબમનું રેકૉર્ડિંગ ચાલતું હતું ત્યારે નીચે પંડિતજીના આલબમનું પણ રેકૉર્ડિંગ ચાલી રહ્યું હતું. તેમણે મારી અન્ય સી.ડી. સાંભળી હતી અને ક્વૉલિટી વર્ક જોયું હતું તેથી કુતૂહલવશ ઉપર અમારા સ્ટુડિયોમાં પણ આવતા. એક વાર મને વિચાર આવ્યો કે શાસ્ત્રીય સંગીતના કોઈ મહાન પંડિતે ગુજરાતી ભાષામાં સંગીત આપ્યું નથી. એટલે હિંમત કરીને મેં મારું ગીત સ્વરબદ્ધ કરવા પૂછ્યું ત્યારે શિવજીએ પહેલાં તો ના જ કહી કે હવે હું પ્રાઇવેટ આલબમ માટે કામ કરતો નથી. છતાં મારા આગ્રહ અને પ્રેમને વશ થઈને પછીથી તેમણે હા પાડી. પરંતુ ગીત ગુજરાતી છે જાણીને ગભરાઈ ગયા હતા. તેમની પ્રતિબદ્ધતા કેવી કે 
તેમણે હા તો પાડી પણ એક આખો દિવસ અમે સાથે બેઠા અને મેં તેમને શાયરીના એકેએક શબ્દ સમજાવ્યા એ પછી જ તેમણે સ્વરાંકન કરવાની શરૂઆત કરી. ગાયક તરીકે લઈ શકાય એવાં મેં બેત્રણ નામો સૂચવ્યાં હતાં પરંતુ તેમણે રૂપકુમારજી પાસે ગવડાવવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે એ કદી કોઈ રેકૉર્ડિંગમાં જાય નહીં પરંતુ ગુજરાતી ગીતના રેકૉર્ડિંગમાં તે પોતે આવ્યા અને રૂપકુમારજી સાથે બેસીને યોગ્ય રીતે ગીત ગવડાવ્યું.’
‘સંગઠન’ આલબમમાં આ ગઝલ લેવાઈ. એના લોકાર્પણનો ભવ્ય સમારંભ ભાઈદાસ હૉલમાં યોજાયો ત્યારે ખુદ શિવજીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘ગુજરાતી ગઝલ કમ્પોઝ કરવાનું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. મેં ક્યારેય કોઈ પ્રાઇવેટ આલબમ માટે પણ કામ કર્યું નથી એટલે કવિ કમલેશ સોનાવાલાના ‘સંગઠન’ આલબમ માટે કામ કરવાનો મારો પહેલો અનુભવ હતો. આમેય હું સંતૂર વગાડું છું અને વાદ્યમાં શબ્દો હોતા નથી એટલે જ સંગીત વૈશ્વિક ભાષા કહેવાય છે. કમલેશભાઈના પ્રેમાળ આગ્રહને લીધે જ એ શક્ય બન્યું. એક બિઝનેસમૅનમાં કલા પ્રત્યે ભારોભાર રુચિ હોય એ ઈશ્વરીય દેન છે. અવાજ સારો હોય તો સંગીત રિયાઝ દ્વારા શીખી શકાય, કવિતા નહીં. આ ગઝલના શબ્દો મને સમજાવ્યા એટલે હું એ સ્વરબદ્ધ કરી શક્યો. જોકે હું કંઈ પણ નવું સર્જન કરું ત્યારે મને થાય કે એમાં કંઈક ક્ષતિ રહી ગઈ છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આવું મને હંમેશાં લાગતું રહે.’ 
એ પર્ફેક્શનિસ્ટ કલાકાર જ આવું વિચારી શકે.
આ ગઝલના રેકૉર્ડિંગ વખતે હાજર રહેનાર આલબમનાં અન્ય ગીતોના કમ્પોઝર-અરેન્જર ઉદય મઝુમદારે ભાષા પ્રત્યેની સજ્જતા વિશે જણાવ્યું કે ‘શુદ્ધ ઉચ્ચારોની સમજ આપવા હું, કમલેશભાઈ તથા શિવજી ત્રણેય જુહુમાં મળ્યા હતા. શબ્દોના અર્થ અને યોગ્ય ઉચ્ચારો બરાબર જાણી લીધા પછી જ તેમણે કમ્પોઝ કરવાનું શરૂ કર્યું હતું. ભાષા ન આવડે તો સ્વર કેવી રીતે અપાય? એમ કહી દરેક પંક્તિ ધ્યાનપૂર્વક સાંભળી કમ્પોઝ કરતા હતા.’ 
ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પદ્મવિભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત પંડિત શિવકુમારજીએ ફિલ્મ ‘રાણો કુંવર`માં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત નિર્દેશનમાં સંતૂર વગાડ્યું હતું. પુરુષોત્તમભાઈ તેમને કલકત્તામાં પહેલી વાર મળ્યા હતા તથા પંડિત રવિશંકરજીની ઉપસ્થિતિમાં પણ અંગત મુલાકાત થતી રહેતી. પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું કે ‘પંડિત શિવકુમાર શર્મા 
જેવા ઉમદા કલાકારની વિદાય સંગીત જગતને મોટી ખોટ છે. તે નખશિખ જેન્ટલમૅન હતા.’
સંગીતકાર આશિત દેસાઈએ જણાવ્યું કે ‘મેં આ મહાન વિભૂતિને ફક્ત ચાહી છે, જોઈ છે, સાંભળી છે, તેમની સાથે વાતો કરી છે, તેની સાથે ટ્રાવેલ કર્યું છે. તેમની આસપાસ ઈશ્વરીય આભા હતી. વાણીમાં મીઠાશ, વર્તનમાં નમ્રતા ધરાવતા એક અદ્ભુત સંગીતકાર હતા. મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આ કલાકારને આપું છું.’
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સર્વશ્રેષ્ઠ કહેવાતાં ગીતોમાંનું એક સર્વાંગ સુંદર ગીત, પિયા તોસે નૈના લાગે રે...માં પંડિત શિવકુમાર શર્માએ તબલાંવાદન કર્યું હતું એ હકીકત કદાચ બહુ ઓછાને ખબર હશે.
શાસ્ત્રીય સંગીતમાં સંતૂરને સોલો વાદ્ય તરીકે સન્માનનીય સ્થાન અપાવનાર પંડિત શિવકુમાર શર્મા છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. 
આ મહાન કલાકારે ગઈ કાલે મંગળવારે આ દુનિયામાંથી વિદાય લીધી. કાર્ડિઍક અરેસ્ટને કારણે ૮૪ વર્ષના પંડિત શિવકુમાર શર્માએ દસમી મેના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સંતૂરના સ્વરો સદાય તેમની યાદ કાયમ રાખશે. કલાકારો આમેય અમર હોય છે.

...તો એ ફિલ્મમાં બિગ બીને બદલે શિવજી હોત

લેજન્ડરી-હૅન્ડસમ સંતૂરવાદક શિવકુમાર શર્માને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં અભિનય માટે ઑફર આવી હતી જેને તેમણે બે હાથ જોડીને નકારી હતી અને નિર્માતાને કહ્યું કે મારે માત્ર સંગીતમાં જ કારકિર્દી બનાવવી છે. તેમણે હા પાડી હોત તો કદાચ અમિતાભ બચ્ચનને બદલે આપણને અભિનેતા તરીકે શિવકુમાર શર્મા મળ્યા હોત!

રાગ વિશે શિવજી શું કહેતા?

‘કયો રાગ મને સૌથી વધુ ગમે એ પ્રશ્નનો જવાબ આપવો બહુ મુશ્કેલ છે, કારણ કે આપણા રાગો વિવિધ મૂડ પર આધારિત છે એટલું જ નહીં; દરેક વાદ્યનો પણ પોતાનો આગવો મિજાજ હોય છે, દરેક સાઉન્ડનું એક કૅરૅક્ટર હોય છે. મારા વાદ્ય સંતૂરમાં બે પ્રકારના મૂડનું પ્રાધાન્ય છે, મેડિટેટિવ અને રોમૅન્ટિક. આ બન્ને મૂડમાં જે-જે રાગો આવે એ બધા ગમે. વિશેષ ઉલ્લેખ કરવો હોય તો માલકૌંસ અને રાગેશ્રી મારા ગમતા રાગો છે. માલકૌંસમાં ભક્તિરસ છે અને રાગેશ્રીમાં રોમૅન્ટિસિઝમ મારા હૃદયને સ્પર્શી જાય છે.’

bollywood news entertainment news