14 July, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનિતા આહુજા અને યશવર્ધન આહુજા
પોતાના શાનદાર અભિનય અને અદ્ભુત કૉમિક ટાઇમિંગથી દર્શકોનું મનોરંજન કરનાર ગોવિંદાના પરિવાર માટે હવે નવી શરૂઆત થવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને દીકરો યશ આહુજા ટૂંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. ખાસ વાત એ છે કે બન્નેને એકતા કપૂર પોતાની ફિલ્મ દ્વારા લૉન્ચ કરશે. હાલમાં સુનીતાએ કહ્યું હતું કે આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે અને એમાં તે દીકરા યશવર્ધનની મમ્મી જ બની છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘હું યશ સાથે ફિલ્મ કરી રહી છું. ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. મને એકતા કપૂર પ્રત્યે ખૂબ પ્રેમ અને સન્માન છે. તેના કારણે જ મેં નેટફ્લિક્સનો શો કર્યો હતો અને અમારો ખૂબ જ સારો સંબંધ છે. યશની ફિલ્મમાં હું તેની મમ્મીની ભૂમિકામાં જ જોવા મળીશ. કદાચ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવું બનશે કે મમ્મી અને દીકરાનું એકસાથે ડેબ્યુ થઈ રહ્યું છે. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે બધા મારા પુત્ર યશને પણ એ જ પ્રેમ અને આશીર્વાદ આપજો જે તમે હંમેશાં મને આપ્યા છે.’