10 September, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રાજક્તા કોલી
સોશ્યલ મીડિયા (Social Media) સેન્સેશન અને અભિનેત્રી પ્રાજક્તા કોલી (Prajakta Koli)એ નેપાલ (Nepal) જવાનો નિર્ણય લીધો હતો. આ સમયે નેપાલમાં યુવાનો દ્વારા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો જોરશોરથી ચાલી રહ્યા (Gen Z Protest in Nepal) છે. નેપાળમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ઘણા લોકોએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ (Ram Chandra Poudel) તેમજ મોટા નેતાઓના ઘરોમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું છે. આ ઘટના જોઈને બધા ચોંકી ગયા છે. આવી સ્થિતિમાં, હવે નેપાલની હાલત જોઈને પ્રાજક્તા કોલી (Prajakta Koli cancels Nepal Trip)એ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. પ્રાજક્તા કોલીએ સોશિયલ મીડિયા (Social Media) પર આ માહિતી આપી છે.
અભિનેત્રી અને સોશ્યલ મીડિયા ઇન્ફલ્યુઅન્સર પ્રાજક્તા કોલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને પોતાનો નેપાલ પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી છે. પ્રાજક્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ગઈકાલે નેપાલમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે. આવા સમયે ઉજવણી કરવી યોગ્ય નથી લાગતી. આ અકસ્માતનો સામનો કરવો પડ્યો હોય તે પરિવારો સાથે મારી સંવેદના છે. હું તમને બધાને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ અત્યારે યોગ્ય સમય નથી. આશા છે કે, હું તમને જલ્દી નેપાલમાં મળીશ.’
પ્રાજક્તા કોલીની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર ચાહકો તેના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ તેને સુરક્ષિત રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર રાજ્ય ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરે એક સલાહકાર જારી કરીને નાગરિકોને આગામી સૂચના સુધી પડોશી દેશ નેપાલની મુસાફરી ટાળવા વિનંતી કરી છે. ત્યારે જ પ્રાજક્તા કોલીએ પોતાની નેપાલ ટ્રિપ કેન્સલ કરી હોવાનું જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે, પ્રાજક્તા કોલીનો નેપાલ સાથે ખાસ સંબંધ છે. અભિનેત્રીનો લોન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ અને પતિ વૃષાંક ખાનલ (Vrishank Khanal) નેપાલનો છે. બંનેએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ નેપાલી અને મરાઠી રીતરિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. વૃષાંક નેપાલનો છે અને પ્રાજક્તા મહારાષ્ટ્રની છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારબાદ બંનેએ આ વર્ષે લગ્ન કર્યા હતા.
એ જાણવું રહ્યું કે, નેપાલ સરકારના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે નેપાલમાં Gen Zએ વિરોધ પ્રદર્શન કર્યા છે. આમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમાં ૨૦ લોકોનાં મોત પણ થયા હતા. જોકે, બાદમાં સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. પરંતુ આ આંદોલને હિંસાનું સ્વરૂપ લીધું હતું અને મંત્રીઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આમાં પૂર્વ વડા પ્રધાન ખનાલની પત્નીનું પણ મોત થયું હતું. હવે નેપાળમાં કર્ફ્યુ છે.