05 June, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન અને કિરણ રાવ; આમિર ખાન અને રીના દત્તા
૬૧ વર્ષની ઉંમરે આમિર ખાન પાંચમી જુલાઈએ એક ખાનગી સમારંભમાં પોતાની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે લગ્ન કરવા માટે તત્પર છે. આમિરનાં આ ત્રીજાં લગ્ન છે. આ પહેલાં આમિરે અનુક્રમે રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં પણ આ બન્ને લગ્નો લગભગ ૧૬-૧૬ વર્ષ બાદ સમાપ્ત થયાં હતાં. જોકે આજે પણ બન્ને ભૂતપૂર્વ પત્નીઓ સાથે તેની સારી મિત્રતા છે.
આમિરે પહેલાં લગ્ન ૧૯૮૬માં ૨૧ વર્ષની ઉંમરે ૧૯ વર્ષની રીના દત્તા સાથે કર્યાં હતાં. એ સમયે બન્ને પાડોશી હતાં અને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેથી બન્નેએ પરિવારને જાણ કર્યા વિના ભાગીને લગ્ન કરી લીધાં હતાં. રીના અને આમિરને જુનૈદ અને આઇરા એમ બે સંતાનો છે. ૧૬ વર્ષ બાદ ૨૦૦૨માં બન્નેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ લીધા હતા. રિપોર્ટ મુજબ ડિવૉર્સ વખતે આમિર ખાને ઍલિમની તરીકે રીના દત્તાને અંદાજે ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા.
આમિરે આ પછી કિરણ રાવ સાથે લિવ-ઇનમાં રહ્યા પછી ૨૦૦૫માં બીજાં લગ્ન કર્યાં હતાં. કિરણ આમિર કરતાં ૧૦ વર્ષ નાની છે. ત્યાર બાદ ૨૦૧૧માં તેમના પુત્ર આઝાદનો જન્મ થયો હતો. જોકે આ સંબંધ પણ ૧૬ વર્ષથી વધુ સમય સુધી ટકી શક્યો નહોતો અને ૨૦૨૧માં બન્ને અલગ થઈ ગયાં હતાં. આ ડિવૉર્સ પછી આમિરે કિરણને કેટલી ઍલિમની આપી છે એ વિશે કોઈ માહિતી ક્યારેય જાહેર થઈ નથી.