08 August, 2025 06:56 AM IST | Surrey | Gujarati Mid-day Online Correspondent
કપિલ શર્મા, તેની પત્ની અને `કપ્સ કૅફે` ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કૅનેડામાં પ્રખ્યાત કૉમેડિયન કપિલ શર્માના કૅફેમાં ફરી ગોળીબાર થયા હોવાના સમાચાર આવ્યા છે. કેટલાક ગુંડાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગોળીબારની જવાબદારી લીધી છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ સમાચારની ચકાસણી કરી રહી છે. ખબર છે કે કપિલ શર્માનું કૅનેડામાં કપ્સ કૅફે નામનું એક કૅફે છે. આ કૅફેમાં ગોળીબારના સમાચાર ફરી પ્રકાશમાં આવ્યા છે. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગે આ ગોળીબારની જવાબદારી લીધી છે.
ગોળીબારની આ માહિતી એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રકાશમાં આવી છે. જો કે, પોલીસ તેની ચકાસણી કરી રહી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, "જય શ્રી રામ, સત શ્રી અકાલ. બધા ભાઈઓને રામ રામ. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ આજે કપિલ શર્માના "કપ્સ કૅફે", સરેમાં થયેલા ગોળીબારની જવાબદારી લે છે. અમે તેને ફોન કર્યો હતો, તેણે રિંગ સાંભળી ન હતી તેથી અમારે કાર્યવાહી કરવી પડી. જો તેને હજી પણ રિંગ નહીં સંભળાય, તો આગામી કાર્યવાહી ટૂંક સમયમાં મુંબઈમાં કરવામાં આવશે."
કૉમેડિયન કપિલ શર્માના કૅનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં ‘કૅપ્સ કૅફે’ પર ૧૦ જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી અને બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI)ના આતંકવાદી હરજિત સિંહ લડ્ડીએ સોશ્યલ મીડિયા પર આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી ૨૦ જુલાઈએ કૅફે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. આ કૅફે ફરીથી ઓપન થતાં સ્થાનિક પોલીસ-અધિકારીઓએ ‘કૅપ્સ કૅફે’ની મુલાકાત લઈને અને ત્યાં ભોજન કરીને એનું સમર્થન દર્શાવ્યું જે કપિલ અને તેની ટીમ માટે ઉત્સાહવર્ધક હતું. કપિલે સોમવારે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો જેમાં સરેના મેયર બ્રેન્ડા લૉક અને સરે પોલીસ-સર્વિસના અધિકારીઓ કૅફેમાં ભોજનનો આનંદ માણતા જોવા મળ્યા. કપિલે આ પોસ્ટમાં લખ્યું, ‘મેયર બ્રેન્ડા લૉક, સરે પોલીસ-સર્વિસ અને તમામ અધિકારીઓ જેમણે કૅફેની મુલાકાત લઈને પોતાનો પ્રેમ અને સમર્થન દર્શાવ્યાં તેમનો આભાર. અમે હિંસા સામે એકજુટ થઈને ઊભા છીએ. અમે ખરેખર આભારી છીએ.’
હાલમાં ૧૦ જુલાઈએ થયેલી ગોળીબારની ઘટનાની તપાસ સરે પોલીસ-સર્વિસની ફ્રન્ટલાઇન ઇન્વેસ્ટિગેટિવ સપોર્ટ (FLIS) ટીમ દ્વારા ચાલી રહી છે અને એનું કારણ અને અન્ય ઘટનાઓ સાથેના જોડાણની તપાસ થઈ રહી છે. ગોળીબારની ઘટના બાદ હવે આ કૅફે ફરીથી શરૂ કરવામાં આવી છે. કૅપ્સ કૅફેના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પેજ પરથી આ વિશેની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરજિત સિંહ લડ્ડીએ કપિલની કૅફે પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. તે બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI) સાથે સંકળાયેલો હતો.