06 February, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુભાષ ઘઈ
ફિલ્મમેકર સુભાષ ઘઈ અને તેમનાં પત્ની મુક્તા ઘઈએ મુંબઈના બાંદરા-વેસ્ટમાં ૨૪ કરોડ રૂપિયાની કિંમતનો ફ્લૅટ ખરીદી લીધો છે. છે. રિયલ એસ્ટેટ પ્લૅટફૉર્મ સ્ક્વેર યાર્ડ્સને મળેલા દસ્તાવેજ અનુસાર આ ડીલ ૩ ફેબ્રુઆરીએ થઈ છે. ઘઈ દંપતીએ બાંદરા-વેસ્ટમાં આવેલા અને ૪.૪૮ એકરમાં ફેલાયેલા પ્રોજેક્ટ 81 ઑરિયેટમાં આ સંપત્તિ ખરીદી છે. ઘઈ દંપતીએ મુંબઈના અંધેરી-વેસ્ટમાં રુસ્તમજી એલિટા નામના બિલ્ડિંગના ૧૪મા માળે આવેલો તેમની માલિકીનો ૧૨.૮૫ કરોડ રૂપિયાની કિંમતનો ફ્લૅટ તાજેતરમાં વેચ્યો હતો.
સ્ક્વેર યાર્ડ્સના દસ્તાવેજોના અનુસાર સુભાષ ઘઈના નવા ફ્લૅટનો કાર્પેટ એરિયા ૪૩૬૪ ચોરસ ફુટ છે અને બિલ્ટ-અપ એરિયા ૫૨૩૯ ચોરસ ફુટ છે. એમાં ત્રણ કાર-પાર્કિંગની જગ્યા પણ સામેલ છે. આ ડીલમાં ૧.૪૪ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે સુભાષ ઘઈએ એ જ પ્રોજેક્ટમાં ફ્લૅટ લીધો છે જે પ્રોજેક્ટનો ફ્લૅટ હાલમાં જ સોનાક્ષીએ વેચ્યો છે.
તાજેતરમાં સોનાક્ષી સિંહાએ આ પ્રોજેક્ટમાં જ પોતાનો ફ્લૅટ ૨૨.૫૦ કરોડ રૂપિયામાં વેચીને સારોએવો નફો મેળવ્યો હતો. તેણે ૨૦૨૦ના માર્ચમાં ૧૪ કરોડ રૂપિયામાં ખરીદેલી પ્રૉપર્ટી ૨૨.૫૦ કરોડ રૂપિયામાં વેચીને આ ડીલમાં ૬૧ ટકા જેટલો ભારે નફો મેળવ્યો છે. આ પહેલાં જાન્યુઆરીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સુભાષ ઘઈએ મળીને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા જેટલી વૅલ્યુ ધરાવતી પ્રૉપર્ટી વેચી છે.