રૉકીભાઈના ‘વાયલન્સ’ના ડાયલૉગને વધુ સિરિયસ‍્લી લઈ લીધો હોય એવું લાગે છે કંગનાએ

22 May, 2022 09:53 AM IST  |  Mumbai | Harsh Desai

કંગના રનોટ બૉલીવુડમાં ‘ક્વીન’ તરીકે ઓળખાતી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી તે ‘ધાકડ’ જેવો વ્યવહાર કરી રહી છે.

કંગના રનૌત

ધાકડ

કાસ્ટ :  કંગના રનોટ, અર્જુન રામપાલ, દિવ્યા દત્તા
ડિરેક્ટર : રઝનીશ ઘઈ
  

કંગના રનોટ બૉલીવુડમાં ‘ક્વીન’ તરીકે ઓળખાતી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી તે ‘ધાકડ’ જેવો વ્યવહાર કરી રહી છે. કરે પણ કેમ નહીં, તે એ નામની ફિલ્મ લઈને આવી રહી છે. જોરદાર ઍક્શન દ્વારા સતત લોહીની નદીઓ વહાવવી, રુથલેસ દેખાવું અને આંખોમાં સતત બદલાની ભાવના હોવી એટલે ‘ધાકડ’ ફિલ્મ હોવી. આ ફિલ્મને રઝનીશ ઘઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં કંગના સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તાએ કામ કર્યું છે.

સ્ટોરી ટાઇમ
કંગના રનોટનું બાળપણ ખૂબ દર્દનાક હોય છે. તેના પેરન્ટ્સને એક વ્યક્તિએ મારી નાખ્યા છે. કંગનાને એની ઝાંખી-ઝાંખી યાદો હોય છે. તે મોટી થઈને એજન્સી માટે ‘એજન્ટ અગ્નિ’ બને છે. તેનો એકમાત્ર ઉદ્દેશ હોય છે ​ઇન્ડિયામાંથી ચાઇલ્ડ-હ્યુમન ટ્રાફિકિંગને નાબૂદ કરવું. એટલે તે ભોપાલથી લઈને બુડાપેસ્ટ અને મિડલ ઈસ્ટ સુધી વિલનને શોધતી ફરે છે. એ દરમ્યાન તે ઘણા લોકોની મદદ કરે છે અને એટલી જ લોહીની નદીઓ પણ વહાવે છે. એ દરમ્યાન તેની મુલાકાત વિલન અર્જુન રામપાલ એટલે કે રુદ્રવીર અને તેની ગર્લફ્રેન્ડ રોહિણી સાથે થાય છે. રુદ્રવીર અને અગ્નિ બન્ને કોઈને પણ મારવાનો ચાન્સ નથી છોડતાં. બીજી તરફ રોહિણી પ્રોસ્ટિટ્યુટ હોય છે, પરંતુ તે બધું પોતાના હાથમાં લે છે. ખરાબ કામ કરે છે, ખરાબ બોલે છે અને ખરાબ દેખાડે પણ છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
રઝનીશ ઘઈ, ચિંતન ગાંધી અને​ રિનિશ રવીન્દ્રએ આ સ્ટોરી લખી છે અને એના ડાયલૉગ રિતેશ શાહે લખ્યા છે. આ સ્ટોરીમાં ઍક્શન જેટલી સારી છે એટલી જ સ્ટોરી ખરાબ રીતે રજૂ કરવામાં આવી છે. જરૂર વગરની અને કોઈ કારણ વગર ઍક્શન-ઍક્શન-ઍક્શન જોવા મળી રહી છે. ઍક્શનનો ઓવરડોઝ પણ ફિલ્મને ડુબાડી શકે છે. રઝનીશે પણ તેના ડિરેક્શન દ્વારા કોઈ ખાસ કમાલ નથી દેખાડી. તેણે પણ જડ-મૂળથી કામ કરવાને બદલે ફક્ત સ્ટાઇલ મારવા પર વધુ ફોકસ કર્યું છે. કેટલીક ફિલ્મો એવી હોય છે કે એ શા માટે બનાવવામાં આવી એવો વિચાર આવે એમાંની આ એક છે. કૅમેરાવર્ક દ્વારા ખૂબ ઇમ્પ્રેસિવ શૉટ્સ લેવામાં આવ્યા છે. જોકે સતત ઍક્શન જોતાં મગજ પણ થાકી જાય છે. ‘કિલ બિલ’, ‘લારા ક્રૉફ્ટ’ અને ‘હાર્લી ક્વીન’ તથા ‘જોકર’ જેવાં ઘણાં કૅરૅક્ટર અને ફિલ્મો પરથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવવામાં આવી હોય એવું લાગે છે.

પર્ફોર્મન્સ
કંગનાએ ખૂબ સારું કામ કર્યું છે અને તે જ્યારે ઍક્શન કરી રહી હોય છે ત્યારે તેની મહેનત દેખાઈ આવે છે. ઍક્શનમાં તેણે ખરેખર બાજી મારી છે, પરંતુ આ ફિલ્મ માટે તેની મહેનત નકામી ગઈ છે. સારી ઍક્શન માટે સારી સ્ટોરી હોવી જરૂરી છે, પોતાની જરૂરિયાત મુજબ ફિલ્મના પ્લૉટમાં કંઈ પણ દેખાડવું જરૂરી નથી. અર્જુન રામપાલનો લુક હવે બીબાઢાળ થઈ રહ્યો છે. ‘અજનબી’માં પણ તે આવા ટૅટૂવાળા લુકમાં જોવા મળ્યો હતો. ‘રા-વન’માં પણ અને હવે ‘ધાકડ’ પણ તે ટૅટૂવાળા લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે પણ ઘણું સારું કામ કર્યું છે અને તેને દિવ્યા દત્તાનો પણ ખૂબ જોરદાર સપોર્ટ મળ્યો છે. કંગના અને દિવ્યા બન્નેએ ખૂબ સારું કામ કર્યું છે. જોકે અર્જુન પણ એક વિલન તરીકે ઓછો નથી ઊતર્યો. અગાઉ કહ્યું એમ દરેક ઍક્ટરે તેમની એનર્જી એક ખોટી ફિલ્મ પાછળ વેડફી નાખી છે. સલમાન ખાનની જેમ એક વાર નામ બની ગયા બાદ તેણે ‘રેસ 3’ જેવી ફિલ્મ આપી હતી. આમિર ખાને પણ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ આપી હતી. હવે કંગના પણ એ લિસ્ટમાં આવી ગઈ.

મ્યુઝિક
‘ધાકડ ટાઇટલ સૉન્ગ’ અને ‘સી ઇઝ ઑન ફાયર’ વધુપડતાં પ્રમોશનલ સૉન્ગ છે. જોકે ફિલ્મમાં ‘સો જા રે’ એક લોરી છે જે ખરેખર ખૂબ કામ આવી શકે એવી છે. ​ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ધ્રુવ ગાનેકરે આપ્યું છે. તેણે ફ્યુઝન મ્યુઝિક આપ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ ઓવરલાઉડ ઍક્શનને કારણે એ દબાઈ ગયું છે.

આખરી સલામ
‘KGF : ચૅપ્ટર 2’ના રૉકીભાઈના ડાયલૉગ ‘વાયલન્સ... વાયલન્સ... વાયલન્સ. આઇ ડોન્ટ લાઇક ઇટ. આઇ અવૉઇડ, બટ વાયલન્સ લાઇક્સ મી. આઇ કાન્ટ અવૉઇડ’ને કંગનાએ વધુપડતો સિરિયસ્‍લી લઈ લીધું હોય એવું લાગે છે.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
   ટાઇમ પાસ, 
    પૈસા વસૂલ, 
     બહુ જ ફાઇન

bollywood news entertainment news kangana ranaut