23 January, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
INS વિક્રાન્તની મુલાકાતે સની દેઓલ
સની દેઓલે ‘બૉર્ડર 2’ની રિલીઝ પહેલાં ભારતીય નૌકાદળના ગૌરવ સમાન યુદ્ધજહાજ INS વિક્રાન્તની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તે બહુ જ ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતાની દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી. INS વિક્રાન્ત પર પહોંચ્યા બાદ સની દેઓલે નૌકાદળના અધિકારીઓ અને જવાનો સાથે સમય વિતાવ્યો. તેણે જવાનોની હિંમત, શૌર્ય અને દેશ માટેના બલિદાનને સલામ કરી સની દેઓલે આ અનુભવને પોતાના જીવનની એક યાદગાર અને ગૌરવભરી ક્ષણ ગણાવીને કહ્યું કે INS વિક્રાન્ત પર ઊભા રહીને દેશની શક્તિ અને સુરક્ષાનો સાચો અહેસાસ થાય છે. સની દેઓલે સોશ્યલ મીડિયા પર પણ આ મુલાકાતની તસવીરો અને વિડિયો શૅર કર્યાં જેમાં તે નૌકાદળના જવાનો સાથે સમય પસાર કરતો અને વાતચીત કરતો જોવા મળે છે.
બિપાશા બાસુ હાલમાં બાંદરામાં પોતાના પરિવાર સાથે જોવા મળી હતી. આ આઉટિંગમાં બિપાશાએ દીકરી દેવીને તેડી લીધી હતી. જોકે એ સમયે એક ફોટોગ્રાફરે દેવીને ક્લિક કરવાનો પ્રયાસ કરતાં બિપાશાએ તરત દેવીનો ચહેરો પોતાના હાથ વડે છુપાવી દીધો હતો અને તે અકળાઈ ગઈ હતી. એ સમયે બિપાશાએ ગુસ્સામાં ફોટોગ્રાફરને પ્રશ્ન પૂછી લીધો હતો, ‘કૌન હો આપ?’ જોકે એ સમયે બિપાશાની પાછળ તેનો પતિ કરણસિંહ ગ્રોવર હતો, પણ તેણે કોઈ વિવાદ કર્યા વિના ચૂપચાપ અગળ વધવાનું પસંદ કર્યું હતું.
પ્રભાસની ફિલ્મ ‘સાલાર 2’ આ વર્ષે રિલીઝ કરવાનું આયોજન હતું પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘ધ રાજા સાબ’ને મળેલી નિષ્ફળતાને કારણે હવે ‘સાલાર 2’ની રિલીઝ કરવાનું પ્લાનિંગ પડતું મુકાયું છે. હાલમાં હવે ‘સાલાર 2’નું શૂટિંગ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે કારણ કે ‘ધ રાજા સાબ’ની નિષ્ફળતા પછી પ્રભાસ હવે તેની આગામી બે ફિલ્મો ‘ફૌજી’ અને ‘સ્પિરિટ’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
ભારતી સિંહે નાના દીકરા કાજુના જન્મનાં માત્ર ત્રણ અઠવાડિયાં બાદ ‘લાફ્ટર શેફ 3’માં કમબૅક કરીને સેટ પર હાજર કલાકારોને સરપ્રાઇઝ આપી હતી. પોતાના બીજા દીકરાના જન્મ બાદ ભારતીએ શોના હોસ્ટ તરીકે કમબૅક કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા. સોશ્યલ મીડિયા પર ભારતીની તસવીરો વાઇરલ થઈ રહી છે જેમાં તે વ્હીલચૅર પર બેઠી છે અને તેના હાથમાં ડ્રિપ લાગેલી છે તથા ખોળામાં નવજાત દીકરો કાજુ છે. ભારતીએ શોના પોતાના સાથીદારને કાજુનો ચહેરો દેખાડ્યો હતો. હકીકતમાં ‘લાફ્ટર શેફ’ના સેટ પર ભારતી સિંહનું કલાકારો સાથેનું જોડાણ હંમેશાં મજબૂત રહ્યું છે. તેની બીજી પ્રેગ્નન્સી દરમ્યાન સેટ પર સૌકોઈએ ભારતીનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. બીજા પુત્રના જન્મ બાદ કાસ્ટ અને ક્રૂના તમામ સભ્યોએ સેટ પર મીઠાઈ વહેંચીને ખુશી માણી હતી એટલું જ નહીં, ભારતીની પ્રેગ્નન્સીના સાતમા મહિને ‘લાફ્ટર શેફ’ના સેટ પર તેનું બેબી-શાવર પણ યોજાયું હતું.
એકતા કપૂરનો શો ‘નાગિન 7’ સતત ચર્ચામાં છે. શોનો પ્રીમિયર થયાને હજી એક મહિનો પણ પૂર્ણ થયો નથી છતાં TRP લિસ્ટમાં એણે બીજા નંબરનું સ્થાન મેળવી લીધું છે. હવે સમાચાર છે કે શોના સેટ પર કડક રીતે ‘નો મોબાઇલ ફોન’ પૉલિસી લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સેટ પરથી ફોટો અને વિડિયો લીક થવાના કારણે એકતા કપૂરે આ નિર્ણય લીધો છે.