03 February, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનુષ અને શ્રીલીલાની ફાઇલ તસવીર
ધનુષે તાજેતરમાં પોતાની કરીઅરની પંચાવનમી ફિલ્મનું એલાન કર્યું છે. ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મની સ્ટારકાસ્ટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં ધનુષ અને શ્રીલીલા પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં ફિલ્મની પ્રોડક્શન-કંપનીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે કે ‘તમે આની આશા નહીં રાખી હોય. સુંદર અભિનેત્રી શ્રીલીલાનું સ્વાગત છે.’ આ સાથે ધનુષ, શ્રીલીલા અને ફિલ્મની ટીમની કેટલીક તસવીરો પણ શૅર કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની છે.
અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી કૉમેડી-ડ્રામા ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની રિલીઝ-તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૬ જૂને થિયેટરમાં રિલીઝ થશે.
‘વેલકમ ટુ ધ જંગલ’ એ વેલકમ ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૭માં આવી હતી અને એને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બીજી ફિલ્મ ‘વેલકમ બૅક’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. ‘વેલકમ ટુ ધ જંગલ’માં કુલ ૩૦ સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં જૅકી શ્રોફ, રવીના ટંડન, દિશા પાટની, જૅકલિન ફર્નાન્ડિસ, અર્શદ વારસી તેમ જ પરેશ રાવલ મુખ્ય છે.
પહેલી ફેબ્રુઆરીએ જૅકી શ્રોફની ૬૯મી વર્ષગાંઠ હતી અને તેણે આ દિવસની ઉજવણી ફિલ્મમેકર સુભાષ ઘઈના નિવાસસ્થાને કરી હતી. આ પાર્ટીનું આયોજન સુભાષ ઘઈની પત્ની મુક્તા ઘઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં જૅકી શ્રોફ સાથે રૉનિત રૉય, રૂમી જાફરી, પૂનમ ઢિલ્લોં અને મીનાક્ષી શેષાદ્રિ જોવા મળ્યાં હતાં. આ પાર્ટીની તસવીરોમાં સલમાન ખાન પણ જોવા મળે છે. આ પાર્ટી પછી સુભાષ ઘઈએ પોતાની પત્ની મુક્તા ઘઈની ખુલ્લા દિલે પ્રશંસા કરતાં જણાવ્યું કે તેણે જૅકી શ્રોફના ખાસ મિત્રોને ઘરે આમંત્રણ આપીને આ જન્મદિવસને યાદગાર બનાવી દીધો.
એકતા કપૂરે ૨૦૧૫માં ટીવી-શો ‘નાગિન’ સાથે દર્શકોનો પરિચય સુપરનૅચરલ ફિક્શન સાથે કરાવ્યો હતો. આ શોમાં મૌની રૉય અને અદા ખાન લીડ રોલમાં હતાં અને રૂપ બદલતા સાપની વાર્તા હિટ સાબિત થઈ હતી. છેલ્લાં ૧૧ વર્ષમાં આ શો સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય રહ્યો છે અને એની લેટેસ્ટ સાતમી સીઝન પણ હાલમાં ટીવી પર નંબર વન છે. હવે રિપોર્ટ છે કે મેકર્સ આ ફ્રૅન્ચાઇઝીને મોટા પડદે લાવવાની યોજના બનાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બાલાજી ટેલિફિલ્મ્સ આ ફ્રૅન્ચાઇઝીને ટીવીથી આગળ વધારીને સિનેમા સુધી લઈ જવા માગે છે અને એકતા કપૂર પણ આ પ્રોજેક્ટને મોટા પડદે બદલવા માટે ઉત્સાહી છે. જોકે હમણાં આ યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે અને એના પર કામ ચાલી રહ્યું છે.