Entertainment Updates: શાહરુખ ખાનની પઠાન 2માં જુનિયર NTRની એન્ટ્રી?

17 December, 2025 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: જાહેરમાં બૉયફ્રેન્ડ સાથે ઝડપાઈ ગઈ એટલે રાધિકા મદન ગભરાઈ ગઈ અને વદુ સમાચાર

શાહરુખ ખાન, જુનિયર NTR

હાલમાં સમાચાર આવ્યા હતા કે શાહરુખ ખાનની ‘પઠાન’ પછી હવે ‘પઠાન 2’ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો જ એક ભાગ હશે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય ચોપડા ‘પઠાન 2’માં શાહરુખની સામે સાઉથના સુપરસ્ટાર જુનિયર NTRને લઈ શકે છે. જોકે મેકર્સ તરફથી હજી સુધી જુનિયર NTRની એન્ટ્રી વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જુનિયર NTR આ પહેલાં પણ હૃતિક રોશન સાથે ફિલ્મ ‘વૉર 2’માં જોવા મળ્યો છે. ‘વૉર 2’માં જુનિયર NTRએ નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને રિપોર્ટ્સ મુજબ ‘પઠાન 2’માં તેનું પાત્ર ખૂબ દમદાર અને પ્રભાવશાળી હશે.

જાહેરમાં બૉયફ્રેન્ડ સાથે ઝડપાઈ ગઈ એટલે રાધિકા મદન ગભરાઈ ગઈ

હાલમાં રાધિકા મદન જાહેરમાં બૉયફ્રેન્ડ અને OTT સ્ટાર વિહાન સમતનો હાથ પકડીને જતી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તેને ઓળખી લીધી હતી. બન્નેએ મોઢા પર માસ્ક પહેર્યો હોવા છતાં ફોટોગ્રાફર્સે તેમને જ્યારે નામ લઈને બોલાવ્યાં ત્યારે રાધિકા થોડી અસહજ થઈ ગઈ હતી અને તેણે તરત જ વિહાનનો હાથ છોડી દીધો હતો. આવી સ્થિતિમાં રાધિકા થોડો સમય ત્યાં જ ઊભી રહી ગઈ અને વિહાનથી અંતર જાળવી લીધું હતું એટલું જ નહીં, ત્યાર બાદ વિહાન ચાલીને આગળ જતો રહ્યો અને પાછળ-પાછળ રાધિકા ગુસ્સામાં ચાલતી જોવા મળી. એ સમયે બન્નેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. રાધિકા મદન અને વિહાન સમત વચ્ચે ડેટિંગની અફવા સૌથી પહેલાં મે મહિનામાં ફેલાઈ હતી અને એ સમયે બન્નેની મૉલમાં આઉટિંગની તસવીર વાઇરલ થઈ હતી. જોકે બન્ને સ્ટાર્સે આ બાબતે કોઈ અધિકૃત પુષ્ટિ નથી કરી અને રાધિકાએ પોતાની પર્સનલ લાઇફ પ્રાઇવેટ રાખવાની વાત કરી છે. 

ટીવીની પાર્વતીએ દીકરીનું નામ રાખ્યું વિરિકા

‘દેવોં કે દેવ... મહાદેવ’માં પાર્વતી બનીને ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ સોનારિકા ભદૌરિયા અને તેના પતિ વિકાસ પરાશરે તેમની નવજાત દીકરીનું નામ ‘વિરિકા’ રાખ્યું હોવાની જાહેરાત કરી છે. આ નામમાં વિકાસના ‘વિ’ અને સોનારિકાના ‘રિકા’નો સમાવેશ કરવામાં આવ્યો છે. સોનારિકાએ સોશ્યલ મીડિયામાં નામકરણની તસવીરો શૅર કરી છે જેમાં બાળકીનો ચહેરો હાર્ટ ઇમોજીથી છુપાવવામાં આવ્યો છે. સોનારિકાએ જણાવ્યું હતું કે આ નામનો અર્થ ‘બહાદુર અને સુંદર’ તથા ‘મજબૂત પણ કોમળ’ એવો થાય છે.

entertainment news bollywood bollywood news pathaan Shah Rukh Khan jr ntr radhika madan relationships