એકતા કપૂરે લાલબાગચા રાજાને કરી અર્પણ પોતાના શોની CD અને સ્ક્રિપ્ટ

01 September, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતા કપૂરનો દર્શન કર્યાનો વિડિયો વાઇરલ થયો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ટોચની પ્રોડ્યુસર એકતા કપૂર હાલમાં લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગઈ હતી. તેણે બાપ્પાનાં દર્શન કરીને તેમનાં ચરણોમાં પોતાના શોની CD અને સ્ક્રિપ્ટ અર્પણ કરી હતી. એ પછી તેણે આરામથી લાલબાગચા રાજાના ફોટો ક્લિક કર્યા હતા. એકતા કપૂરનો દર્શન કર્યાનો વિડિયો વાઇરલ થયો છે.

એકતા કપૂરનો લાલબાગચા રાજાનાં દર્શનનો વિડિયો બન્યો વિવાદનો મુદ્દો

લાલબાગચા રાજાને ‘માનતાનો રાજા’ પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં માનેલી માનતા ચોક્કસ ફળે છે જેને કારણે અહીં મોટી સંખ્યામાં સામાન્ય લોકો અને સેલિબ્રિટી દર્શન કરવા આવે છે. ભક્તજનોની મોટી સંખ્યાને કારણે અહીં સામાન્ય જનતાને એક સેકન્ડ પણ રોકાઈને બાપ્પાને નિહાળવાનો સમય નથી મળતો અને તેમને ધક્કા મારીને હટાવવામાં આવે છે. જોકે એકતા કપૂરે ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં એના વિડિયોમાં એકતા કપૂર આરામથી લાલબાગચા રાજાનાં દર્શન કરે છે અને ફોટો ક્લિક કરે છે. એ સમયે એકતા માટે સામાન્ય લોકોને હટાવીને બાજુએ કરી દેવામાં આવે છે. આ વિડિયો વાઇરલ થતાં લોકો દર્શનમાં સેલિબ્રિટીને પ્રાધાન્ય આપવાના કલ્ચરની ટીકા કરી રહ્યા છે.

સની લીઓનીએ પરિવાર સાથે કર્યાં લાલબાગચા રાજાનાં દર્શન 
સની લીઓનીએ તેના પતિ ડેનિયલ વેબર અને બાળકો નિશા, નોઆ અને ઍશર સાથે રવિવારે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. સનીનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં સની અને ડેનિયલ તેમનાં બાળકોને એક પછી એક ઊંચકીને બાપ્પાના આશીર્વાદ લેવડાવે છે અને પછી તેઓ બાપ્પાનાં ચરણોને સ્પર્શ કરીને આશીર્વાદ લે છે.

lalbaugcha raja ekta kapoor sunny leone social media ganpati ganesh chaturthi bollywood buzz bollywood news bollywood entertainment news