25 September, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ્વનિ ભાનુશાલી અને કિંજલ દવે
નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે ધ્વનિ ભાનુશાલીએ પોતાના EP ‘FEELS’ના બીજા ગીત ‘ફુંદડી’ સાથે તહેવારનો ઉત્સાહ વધારી દીધો છે. સંગીતમાં EPનો અર્થ એક્સ્ટેન્ડેડ પ્લે થાય છે. આ એક એવું મ્યુઝિક રેકૉર્ડિંગ છે જે સિન્ગલ કરતાં લાંબું પણ સંપૂર્ણ આલ્બમ કરતાં ટૂંકું હોય છે. સામાન્ય રીતે એમાં થોડાં ગીતોનો સમાવેશ થાય છે.
‘ફુંદડી’ ગીત ધ્વનિ ભાનુશાલી અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનું પ્રથમ કોલૅબરેશન છે. ગીતમાં પરંપરાગત ગરબાની ઊર્જાને આધુનિક અને સમકાલીન સંગીત સાથે રજૂ કરવામાં આવી છે અને એ નવરાત્રિના ગરબા ફ્લોર માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હોય એવું લાગે છે.
‘FEELS’ની શરૂઆત ‘પાપા હીરો તુમ મેરે’ જેવા લાગણીસભર ગીતથી થઈ હતી, જેમાં પિતા-પુત્રીના સંબંધની વાત કરવામાં આવી હતી. હવે ‘ફુંદડી’ સાથે ધ્વનિએ પોતાની સંગીતની દિશા બદલીને પોતાના ગુજરાતી મૂળિયાં અને એવી સંસ્કૃતિને સ્પર્શી છે જે તેના ઉછેરનાં વર્ષોથી તેના જીવનનો અભિન્ન હિસ્સો રહી છે.
‘ફુંદડી’માં સાંભળવા મળતી જોશભરી ગરબા બીટ્સ અને ધ્વનિ ભાનુશાલી તથા કિંજલ દવેનો ઉત્સાહી અવાજ ગીતને ખાસ બનાવે છે.