સૈફ અલી ખાન લગ્ન માટે ઉતાવળો હતો, પણ અમ્રિતા સિંહ કન્ફ્યુઝ હતી

07 October, 2025 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનાં લગ્નમાં સાક્ષી બનેલા અબુ જાની અને સંદીપ ખોસલાએ એ પ્રસંગ વખતની યાદગીરી શૅર કરી

સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની લગ્ન સમયની તસવીર (ડાબે), ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા (જમણે)

ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા બૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે ઘરોબો ધરાવે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહનાં લગ્ન વખતની પોતાની યાદગીરી શૅર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અમે સૈફ અને અમ્રિતાના નિકાહનામા પર સાક્ષી તરીકે સહી કરી હતી. એક દિવસ અચાનક તેઓ અમારી પાસે આવ્યાં અને કહ્યું કે અમે હવે લગ્ન કરવા ઇચ્છીએ છીએ, આ વાત સૈફે કરી હતી અને તે લગ્ન માટે ઉતાવળો હતો. જોકે અમૃતા કન્ફ્યુઝ્ડ હતી અને નિર્ણય લેવામાં અચકાતી હતી. તેઓ પ્રેમમાં હતાં અને લગભગ છ-આઠ મહિનાથી સાથે રહેતાં હતાં. સૈફ લગ્ન માટે તૈયાર હતો, પરંતુ અમ્રિતા ખાસ તૈયાર નહોતી. અમે અમારા એક મિત્ર પાસે ગયા અને તેણે આ લગ્નનું આયોજન કરવાની જવાબદારી લીધી. અબુ અને મેં અમ્રિતાને તૈયાર કરી અને અમે એક મૌલવીને બોલાવ્યો. ત્યાં એક સરદારજી પંડિત પણ બેઠા હતા. અમ્રિતાએ જે ફિટ થાય એ પહેરી લીધું, કારણ કે સમય નહોતો. અમ્રિતાએ તેની મમ્મીનાં ઘરેણાં પહેર્યાં હતાં, જ્યારે સૈફે બંધગલા પહેરવાનું પસંદ કર્યું હતું. એ પછી મૌલવીએ કહ્યું કે તારું નામ શું છે, તારું નામ Aથી શરૂ થવું જોઈએ. અમે ચારેય એકબીજા સામે જોવા લાગ્યા અને પંડિતે કહ્યું, અઝીઝા. આ બધું ગાંડપણભર્યું હતું.’

જયા બચ્ચનને કોઈની પત્ની, માતા કે સાસુ તરીકે ઓળખાવાનું બિલકુલ ગમતું નથી

ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ એક ઇન્ટરવ્યુમાં જયા બચ્ચન સાથેના તેમના ૪ દાયકા જૂના સંબંધો વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘તેઓ બિલકુલ મીડિયા-ફ્રેન્ડ્લી વ્યક્તિ નથી. તેઓ અમારાં માર્ગદર્શક છે. લોકો તેમને યોગ્ય રીતે સમજી નથી શક્યા. તેમને પોતાની સ્પેસ પસંદ છે અને ખાસ ઇમોશનલ નથી. જો તમે તેમને ‘જયા બચ્ચન’ સમજીને વાત કરવા ઇચ્છો તો તેઓ ખુશી-ખુશી વાત કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જો તમે તેમને કોઈની પત્ની, માતા કે સાસુ ગણીને વાત કરવા ઇચ્છો તો તેમનો અભિગમ બદલાઈ જાય છે. જયા બચ્ચનને કોઈની પત્ની, માતા કે સાસુ તરીકે ઓળખાવું બિલકુલ પસંદ નથી.’

saif ali khan amrita singh celebrity wedding jaya bachchan entertainment news bollywood bollywood news bollywood gossips