કોરોના માનસિકતા પર માઠી અસર પાડે છે: અમિતાભ બચ્ચન

27 July, 2020 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના માનસિકતા પર માઠી અસર પાડે છે: અમિતાભ બચ્ચન

કોરોનાની સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચનનું કહેવું છે કે કોરોના માનસિકતા પર ઊંડી અસર પાડે છે. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખાસ્સા ઍક્ટિવ રહે છે. પોતાના બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘ઘોર અંધારી રાત અને રૂમ આખી ઠંડી બની ગઈ છે. હું ગીત ગાઈ રહ્યો છું. આંખ બંધ કરીને ઊંઘવાનો પ્રયાસ કરું છું. તમારી આસપાસ કોઈ નથી હોતું. કોરોનાના પેશન્ટ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં હોવાથી અન્ય કોઈને નથી મળી શકતા. જેમ-જેમ દિવસો પસાર થાય છે તેમ-તેમ તમારા પર નિરીક્ષણ વધતું જાય છે. સાથે માનસિક સ્થિતિ પર આ બીમારી માઠી અસર પહોંચાડે છે.

ડૉક્ટર્સ અને નર્સિસ વિઝિટ માટે તો આવે છે, પરંતુ તેઓ પીપીઇ યુનિટ્સમાં હોય છે. તમે જાણી નથી શકતા કે તેઓ કોણ છે. તેઓ પૂરી રીતે કવર હોવાથી તેમના હાવભાવ જાણી નથી શકાતા. બધું જ સફેદ હોય છે. તેમની હાજરી લગભગ રૉબોટિક જેવી જ હોય છે. જે દવા હોય એ આપીને ચાલ્યા જાય છે. વધુ સમય સુધી ઊભા નથી રહેતા કેમ કે સંક્રમણનું જોખમ હોય છે. પેશન્ટને ડિસ્ચાર્જ મળ્યા બાદ તેમને કન્સલ્ટેશનની જરૂર હોય છે. તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવશે એ બીકે તેઓ જાહેરમાં જતાં ડરે છે. એને કારણે તેઓ ડિપ્રેશનમાં સરી શકે છે. ટૂંકમાં એટલું કહેવા માગું છું કે આ બીમારીની હજી કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી. દરેક કેસ અનોખા હોય છે. આવું કદી પણ નહોતું બન્યું કે યુનિવર્સનું પૂરું મેડિકલ આવી રીતે નિસહાય બની જશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan coronavirus covid19