‘અમે હજી પણ પોતાની જાતને પૂછી રહ્યા છીએ કે આવું કેમ થયું’?

15 May, 2021 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરાનાથી પપ્પાનું અવસાન થવાને પગલે ભવ્ય ગાંધી કહે છે

‘કોરોના એકદમ રિયલ છે અને એ ખૂબ જ ખરાબ છે. અમે હજી પણ પોતાની જાતને પૂછી રહ્યા છીએ કે આવું કેમ થયું’?

ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેનું કહેવું છે કે કોવિડ ખૂબ જ ખરાબ છે. તેના પિતાને ગયા મહિને કોરોના થયો હતો. તેમને પ્રૉપર ટ્રીટમેન્ટ પણ નહોતી મળી. હૉસ્પિટલનો બેડ અને પછી આઇસીયુ બેડ શોધવા માટે પણ તેમને તકલીફ પડી હતી. એક મહિનાથી પણ વધુ તેના પપ્પાની ટ્રીટમેન્ટ ચાલી હતી. તેમને પહેલાં અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના પિતાનું મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. આ વિશે ભવ્ય ગાંધીએ કહ્યું હતું કે ‘કોરોના એકદમ રિયલ છે અને એ ખૂબ જ ખરાબ છે. અમે હજી પણ પોતાની જાતને પૂછી રહ્યા છીએ કે આવું કેમ થયું? આ અમારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સમય છે. હું એવી આશા રાખું છું કે અન્ય કોઈએ આમાંથી પસાર ન થવું પડે. હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ જેમ બને એમ જલદી વૅક્સિન લે.’
તેના પપ્પા સાથેની છેલ્લી વાતચીત વિશે ભવ્ય ગાંધીએ કહ્યું હતું કે ‘અમે તેમને જ્યારે સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા હતા ત્યારે તેમણે પૂછ્યું હતું કે ‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’ મેં તેમને હૉસ્પિટલનું નામ જણાવ્યું હતું. તેમણે એમાં સહમતી જણાવી હતી. મેં તેમને સ્ટ્રૉન્ગ રહેવા માટે કહ્યું હતું જેથી તેઓ જલદી સાજા થઈ જાય. તેમણે સ્માઇલ આપીને મને ઓકે કહ્યું હતું. તેઓ ખૂબ જ સ્ટ્રૉન્ગ વ્યક્તિ હતા જેઓ મને હંમેશાં મોટિવેટ કરતા હતા.’
લૉકડાઉન હોવાથી તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ આ મુશ્કેલ સમયમાં તેની પાસે નથી આવી શકતા. આ વિશે ભવ્યએ કહ્યું હતું કે ‘અમે પરિસ્થિતિ સમજીએ છીએ. આપણે એ મુજબ જ વર્તન કરવું પડે છે. આપણે એ વિશે ઇમોશનલ ન બનવું જોઈએ. આ હાથ પકડવાનો અથવા તો ભેટવાનો સમય નથી. સુરક્ષિત રહેવું અને ઘરમાં રહેવું જરૂરી છે.’
છેલ્લાં ૧૩ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો હોવાથી ભવ્ય પર તેના પિતાને ગર્વ હતો. આ વિશે ભવ્યએ કહ્યું હતું કે ‘મારા પપ્પા તેમને ઓળખતા દરેક વ્યક્તિ સાથે મારી વાતને શૅર કરતા હતા. તેઓ ખૂબ જ ગર્વ અને ખુશીથી મારી ઍક્ટિંગ વિશે વાત કરતા હતા. તેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. મારા પપ્પા હંમેશાં મને કહેતા કે દિમાગને આઇસ ફૅક્ટરી બનાવો અને જુબાનને શુગર ફૅક્ટરી. હું તેમને ખૂબ જ મિસ કરીશ.’

bollywood news bollywood bollywood gossips entertainment news Bhavya Gandhi