છત્રીવાલી રિવ્યુ: ન કૉમેડી, ન મેસેજ

21 January, 2023 03:36 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરીને મળેલી ઉપરછલ્લી ટ્રીટમેન્ટને કારણે આ ફિલ્મ કૉમેડી પણ નથી બની શકી અને એનો જે મેસેજ છે એ પૂરેપૂરો મળી પણ નથી શક્યો : રકુલે ફિલ્મને પોતાના ખભે ઉઠાવવાની કોશિશ કરી છે, પરંતુ ઇમોશનલ દૃશ્યમાં તે નિષ્ફળ રહી છે

છત્રીવાલી રિવ્યુ: ન કૉમેડી, ન મેસેજ

ફિલ્મ: છત્રીવાલી

કાસ્ટ: રકુલ પ્રીત સિંહ, સુમીત વ્યાસ, રાજેશ તેલંગ, સતીશ કૌશિક

ડિરેક્ટર: તેજસ પ્રભા વિજય દેઓસકર

રેટિંગ: ૧.૫

રકુલ પ્રીત સિંહની ‘છત્રીવાલી’ ગઈ કાલે Zee5 પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ કૉન્ડોમના ઉપયોગ અને સેફ સેક્સ પર બનાવવામાં આવી છે. આ વિષય પર અગાઉ ‘હેલ્મેટ’ અને ‘જનહિત મેં જારી’ પણ બની ચૂકી છે. આ બન્ને ફિલ્મો બાદ આ વિષય પર ફરી ફિલ્મ બનાવવી એમાં કોઈ આશ્ચર્ય નથી થતું, પરંતુ આ ફિલ્મ થોડી પ્રાસંગિક જરૂર બની ગઈ છે. હાલમાં જ આવેલા રિપોર્ટ મુજબ ઇન્ડિયાની વસ્તી ચીન કરતાં આગળ નીકળી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણાં મીમ્સ પણ ફરતાં થઈ ગયા છે.

સ્ટોરી ટાઇમ

રકુલ પ્રીત સિંહે ફિલ્મમાં સાન્યાનું પાત્ર ભજવ્યું છે. તે કેમિસ્ટ્રી ગ્રૅજ્યુએટ હોય છે અને સ્કૂલના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીનાં ટ્યુશન આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હોય છે. જોકે તે જૉબની શોધમાં હોય છે. આ દરમ્યાન તેની મુલાકાત સતીશ કૌશિક સાથે થાય છે. તે કૉન્ડોમની કંપની ચલાવતા હોય છે જેને ક્વૉલિટી હેડની જરૂર હોય છે. તે સાન્યાને જૉબની ઑફર કરે છે. સાન્યા તેના પર ગુસ્સે થઈ જાય છે, પરંતુ તેના ઘરની હાલત જોતાં તે જૉબ સ્વીકારી લે છે અને ખૂબ જ મોટી સૅલેરીની ડિમાન્ડ કરે છે. જોકે તેની જૉબ તો શરૂ થાય છે, પરંતુ એ વચ્ચે તેની મુલાકાત રિશી કાલરા એટલે કે સુમીત વ્યાસ સાથે થાય છે. રિશી ભગવાનની પૂજા માટેના સામાનની દુકાન ચલાવતો હોય છે. રિશી અને સાન્યાની મુલાકાત બાદ તેમની વચ્ચે પ્રેમ થાય છે. ઝટ મંગની પટ બ્યાહનો કેસ જોવા મળે છે. જોકે લગ્ન બાદ સાન્યાની લાઇફમાં મુશ્કેલીઓ આવે છે. તે શું કામ કરે છે એની કોઈને ખબર નથી હોતી. જોકે એક દિવસ એ વિશે ખબર પડતાં રિશીના મોટાભાઈ ભાઈજી એટલે કે રાજેશ તેલંગ તેને નોકરી અથવા તો ઘર છોડવાનું અલ્ટિમેટમ આપી દે છે. પછી શું થાય છે એ જોવું રહ્યું.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

સંચિત ગુપ્તા અને પ્રિયદર્શી શ્રીવાસ્તવે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખ્યાં છે. આ ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી. જોકે એમ છતાં તેણે સ્કૂલમાં જે સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે એ વિશે કેટલાંક દૃશ્ય દ્વારા અવાજ જરૂર ઉઠાવ્યો છે. જોકે એમ છતાં ૨૦૨૩માં આજે જ્યારે રૂપિયા એક જ સેકન્ડમાં એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે એ ડિજિટલ એજમાં પણ કેટલાંક દૃશ્યોમાં એજ્યુકેશન માટે ગ્રાઉન્ડમાં સ્ટૉલ લગાવી અને ઘરના આંગણમાં બેસાડીને ભણાવવા જેવાં દૃશ્યો દેખાડ્યાં છે, જે ખરેખર માનવામાં નથી આવતાં. આ ફિલ્મમાં ડાયલૉગ એકદમ ક્લીન છે, એમ છતાં એ કોઈ ઇમ્પૅક્ટ નથી છોડતા. એક પણ ડાયલૉગ સાંભળીને હસવું આવે એવું ભાગ્યે જ જોવા મળે છે. સ્ટોરી પણ ઘણી વાર આમ તેમ ભટકતી જોવા મળે છે અને જે ઉદ્દેશ અથવા તો મેસેજ હોય એ ન પહોંચી શકતો હોય એવું લાગે છે. તેજસ પ્રભા વિજય દેઓસ્કરે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં નવીનતા લાવવા માટે તેજસે ઘણી કોશિશ કરી છે, પરંતુ એમ છતાં એ કામ નથી આવ્યું. આ સાથે જ ફ્લૅટ સ્ટોરી હોવાથી કેટલાંક દૃશ્યો જબરદસ્તી ઉમેરીને કૉમેડી ઊભી કરવાની કોશિશ કરવામાં આવી છે. જોકે એની ફિલ્મ પર કોઈ અસર નથી પડતી.

પર્ફોર્મન્સ

રકુલ પ્રીત સિંહે ફિલ્મને પોતાના ખભા પર ફિલ્મને ઉઠાવવાની કોશિશ કરી છે. કૉમેડી દૃશ્યને તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યાં છે, પરંતુ ઇમોશનલ દૃશ્યમાં તે એટલી અસરદાર નથી લાગી. તેના પતિના રોલમાં સુમીતે પૂરતો સાથ આપ્યો છે. ફૅમિલીનું પ્રેશર અને પત્ની પ્રત્યેનો પ્રેમ તેણે ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યો છે. રાજેશ તેલંગ પણ એક સ્કૂલના જડ પ્રોફેસરના રૂપમાં જોવા મળ્યો છે. તેણે પણ તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે, પરંતુ એ લિમિટેડ હતું. સતીશ કૌશિકને પણ નામ પૂરતું કામ મળ્યું છે. સ્ક્રિપ્ટને કારણે તેમને લિમિટેડ સ્કોપ મળ્યો છે.

મ્યુઝિક

ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું ખાસ નથી. ફિલ્મમાં ચાર ગીત છે અને ચારેયનું મ્યુઝિક અલગ-અલગ કમ્પોઝરે આપ્યું છે. ફિલ્મમાં સિચુએશનલ સૉન્ગ પણ છે એમ છતાં એ ફિલ્મની સ્ટોરી લાઇન પર એટલી અસર નથી છોડતું. એક પણ ગીત એવું નથી જે ફિલ્મ પૂરી થયા બાદ મોઢા પર રહી જતું હોય.

આખરી સલામ

આ વિષય પર અગાઉ પણ ફિલ્મ બની ગઈ છે, પરંતુ એના પર હજી પણ ચર્ચા કરવાની જરૂર છે. આ ફિલ્મમાં સેફ સેક્સની સાથે એજ્યુકેશન અને અબૉર્શન અને મિસકૅરેજ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે આ વિષયને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની જરૂર હતી.

entertainment news bollywood news