ડિશ બનાવતાં નથી આવડતું, પરંતુ ખાતા ખૂબ જ સારી રીતે આવડે છે : બમન ઈરાની

02 April, 2019 12:04 PM IST  |  | હર્ષ દેસાઈ

ડિશ બનાવતાં નથી આવડતું, પરંતુ ખાતા ખૂબ જ સારી રીતે આવડે છે : બમન ઈરાની

બમન ઈરાની (ફાઈલ ફોટો)

બૉલીવુડમાં બમન ઈરાનીને કૉમેડિયન તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેઓે ખૂબ જ ઉમદા ઍક્ટર છે. ઍક્ટિંગની સાથે તેઓ ફોટોગ્રાફીમાં અને વૉઇસ આર્ટિસ્ટ તરીકે પણ એટલા જ માહેર છે. તેઓ હવે ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે ડિરેક્ટ કરવા અને એની સ્ટોરી પર પણ કામ કરી રહ્યા છે. ‘વક્ત’નું કૉમિક કૅરૅક્ટર હોય કે પછી ‘ડૉન’નું વર્ધાનનું પાત્ર કેમ ન હોય, તેઓ દરેક પાત્રમાં ખૂબ જ અદ્ભુત દેખાય છે. બમન ઈરાનીએ તેમના બાળપણના પ્રૉબ્લેમથી લઈને યુવાનીમાં કરેલી વિવિધ નોકરીઓ ઉપરાંત ઍક્ટર બન્યા બાદ પ્રોડ્યુસર અને હવે ડિરેક્ટર બનવાની ઝંખના વિશે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીત વિગતવાર જોઈએ.

ડિસ્લેક્સિયાને લઈને તમને થયેલી મુશ્કેલી વિશે જણાવો.

ડિસ્લેક્સિયાને આપણે ક્યારેય બીમારી ન કહેવી જોઈએ. મારી વધતી ઉંમરને કારણે મારું ડિસ્લેક્સિયા ઓછું થઈ ગયું છે. જોકે હજી પણ ઘણાં બાળકો એવો બોજ લઈને ચાલી રહ્યાં છે કે તેમને આ બીમારી છે અને તેઓ ડફર છે. કોઈ લેફ્ટી હોય તો કોઈ રાઇટી, એને બીમારી ન કહેવાય. બાળકોએ આ મનમાંથી કાઢી નાખવું જોઈએ. કોઈ વ્યક્તિ આલ્ફાબેટ્સમાં હોશિયાર હોય છે તો કોઈ વ્યક્તિ નંબરમાં હોશિયાર હોય છે. મને નંબર યાદ રાખવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. મને આજે પણ કોઈ મોબાઇલ નંબર યાદ નથી રહેતા. એનો મતલબ એ નથી કે મને કોઈ બીમારી છે. જોકે હું કહું છું કે મને નંબર યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, પરંતુ હું ઍક્ટર ખૂબ જ સારો છું. મને બાળપણમાં લોકો ડફર કહેતા અને એ કેમ કહેતા એ મને મોટો થયા બાદ ખબર પડી છે. આથી આપણે કોઈને પણ તે ડફર છે એમ ન કહેવું જોઈએ.

સ્ટડી કર્યા બાદ વેઇટર બનવાનું કેમ વિચાર્યું હતું?

એ જમાનામાં મને લાગ્યું હતું કે હું ખૂબ જ સારો વેઇટર બની શકું છું તો હું એ બની ગયો હતો. તમને જ્યારે પણ લાગે કે તમે કોઈ બાબતમાં સારા છો તો એ કરવું જોઈએ. હું ડૉક્ટર નહોતો બનવાનો, હું વકીલ પણ નહોતો બનવાનો હતો. એ બનવામાં મને કોઈ શોખ પણ નહોતો, પરંતુ મને ખબર હતી કે હું સારો વેઇટર બની શકું છું અને એથી જ હું એ બની ગયો હતો. આજે તો વેઇટર બનવું એ પણ એક ગ્લૅમરસ ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છે.

તમે જ્યારે વેઇટર હતા ત્યારે તમારી મમ્મી ફૅમિલી શૉપ ચલાવી રહી હતી. તો પછી નોકરી છોડીને ફૅમિલી શૉપ ચલાવવાનો નર્ણિય કેમ લીધો હતો?

મારી મમ્મીનો ઍક્સિડન્ટ થઈ ગયો હતો. મારી મમ્મીએ કહ્યું કે ઘરની દુકાન છે અને એને ચલાવવી પડશે. આથી મારે એ કરવું પડ્યું. મારી મમ્મી ઘરે બેસી ગઈ હોવાથી દુકાન બંધ થઈ જાય એવી પરિસ્થિતિ આવી હતી. હું નોકરી છોડીને દુકાન પર બેસી ગયો હતો અને મેં ૧૪ વર્ષ સુધી એ ચલાવી હતી.

વેઇટર તરીકે જે ટિપ્સ મળી હતી એમાંથી તમે કૅમેરા ખરીદ્યો હતો?

મને ફોટોગ્રાફીનો શોખ હતો અને મારી પાસે પૈસા આવવાથી મેં કૅમેરા લીધો હતો અને ફોટોગ્રાફી માટે નીકળી જતો હતો.

ફોટોગ્રાફીનો શોખ તમારામાં ક્યાંથી આવ્યો?

હું પહેલેથી જ ફોટોગ્રાફીનો શોખીન હતો. દર રવિવારે હું અમેચ્યોર ફોટોગ્રાફી કરતો હતો. હું ફોટોગ્રાફ્સ લઈને સિને-ફોટોગ્રાફરને બતાવતો, તેમની પાસેથી ઍડ્વાઇઝ લેતો અને શીખતો. મેં આવું ઘણાં વર્ષો સુધી કર્યું હતું.

ફોટોગ્રાફીમાં કરીઅર બનવાનું કેવી રીતે નક્કી કર્યું?

મને ફોટોગ્રાફીનો તો શોખ પહેલેથી હતો અને ઉપરથી સ્પોટ્ર્સ પણ મારું પસંદીદા હતું. આથી મેં સ્ર્પોટ્સ ફોટોગ્રાફીમાં આગળ વધવાનું શરૂ કર્યું. એ સમયે સ્પોટ્ર્સ ફોટોગ્રાફી માટે ફક્ત બે સ્પેશ્યલ ફોટોગ્રાફર્સ હતા. એ બે ફોટોગ્રાફર્સ જે ઇવેન્ટને કવર ન કરી શકે એ ઇવેન્ટમાં હું જતો રહેતો હતો અને એ રીતે મેં કરીઅરની શરૂઆત કરી હતી. હું તેમને ૨૦૦, ૪૦૦ અને ૫૦૦ રૂપિયામાં ફોટો વેચતો હતો અને એ રીતે હું મારું કામ વધારતો ગયો હતો.

સ્પોટ્ર્સ ઇન્ડસ્ટ્રીમાંથી ગ્લૅમરસ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કેવી રીતે થયું?

મને ખબર હતી કે સ્પોટ્ર્સ ફોટોગ્રાફર બનવાથી હું મારું ઘર ચલાવી શકું એમ નથી. મને એ સમયે સ્ર્પોટ્સના ત્રણ ફોટો માટે ૯૦૦ ડૉલર મYયા હતા. આ પૈસામાંથી મેં ઍડ્વર્ટાઇઝિંગ ફોટોગ્રાફીના સ્ટુડિયોની શરૂઆત કરી. જોકે એ વધુ ચાલી નહીં, પરંતુ એ દરમ્યાન મેં એક મૉડલ માટે ર્પોટફોલિયો બનાવ્યો હતો. એ ર્પોટફોલિયો જોઈને મને મિસ ઇન્ડિયાને શૂટ કરવા માટેની ઑફર મળી હતી. આ શૂટ બાદ મારી દુકાન જોરશોરમાં શરૂ થઈ હતી.

ફોટોગ્રાફીમાંથી તમે થિયેટરની શરૂઆત કરી અને તમારું નાટક ‘આઇ ઍમ બાજીરાવ’ દસ વર્ષ સુધી ચાલ્યું હતું. એ વિશે જણાવશો...

કોઈ પણ જમાનામાં દસ વર્ષ સુધી નાટક ચાલવું એ ખૂબ જ મોટી વાત છે. અત્યારે તો આટલા લાંબા સમય સુધી નાટક ચાલવું શક્ય નથી, પરંતુ એ સમયે પણ એ શક્ય નહોતું. આથી મને સમજ નથી પડતી કે એ નાટક કેવી રીતે આટલું સફળ રહ્યું. જોકે આ પાછળ મારી એક થિયરી છે કે તમે જેટલું દિલથી સારું કામ કરશો એટલું લોકો એને પસંદ કરશે. આ એક એક્સપરિમેન્ટલ નાટક તરીકે અમે રજૂ કર્યું હતું. ૧૫૦ વ્યક્તિની સીટ ધરાવનાર ત્રણ નાટક અમે કરીશું એવું નક્કી કરવામાં આવ્યું હતું. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમારું આ નાનું નાટક એક દિવસ આટલું મોટું બની જશે. પહેલી વાત એ સાબિત થઈ કે કોઈ વસ્તુ નાની નથી હોતી. અમે અમારો સમય, મહેનત અને કલાનો આ નાટકમાં સમાવેશ કર્યો હતો. અમે આ નાટકને ૧૫૦ની જગ્યાએ ૧૨૦૦ સીટના થિયેટરમાં ઓપન કર્યું. શો હાઉસફુલ ગયો. કેવી રીતે અમને ખબર નહોતી. લોકોને એક સેન્સ મળી જાય છે કે શું સારું છે અને શું નહીં. આ પ્લેમાં બે વૃદ્ધ વ્યક્તિ બેન્ચ પર બેસીને વાતો કરે છે અને લોકોને એમાં શું પસંદ આવ્યું એ નવાઈની વાત છે. જોકે અમારી મહેનત રંગ લાવી હતી.

ઍક્ટર બનવામાં તમારી મમ્મીનો ખૂબ જ મોટો હાથ છે. એક તરફ આજે પેરન્ટ્સ બાળકોને ટીવીથી દૂર રાખે છે ત્યારે તમને તમારી મમ્મી વારંવાર એક ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરતી હતી.

અમારા સમયમાં પણ પેરન્ટ્સ બાળકોને ફિલ્મ નહોતા જોવા દેતા. મારી મમ્મી એકદમ અલગ પ્રકારની હતી. તમે કહીં શકો કે વિઝનરી હતી. મારી મમ્મીને ખબર હતી કે તેમનો છોકરો ગણિતમાં નબળો છે, પરંતુ તે ફિલ્મોને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. મારી મમ્મીને ખબર હતી કે મારામાં આ ટૅલન્ટ છે અને એથી જ તેમણે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આપણે હંમેશાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

‘મુન્નાભાઈ...’ તમારા કરીઅરનો ટર્નિંગ પૉઇન્ટ હતો. આ ફિલ્મની પહેલી મીટિંગ દરમ્યાન તમને એવું હતું કે એ ૨૦ મિનિટમાં પતી જશે, પરંતુ એ આઠ કલાક સુધી ચાલી હતી. એવું તો શું થયું હતું એ મીટિંગમાં?

આ ફિલ્મની કહાની ખૂબ જ અદ્ભુત હતી. પિતા-પુત્રની આ ઇમોશનલ સ્ટોરીમાં ખૂબ જ લેયર હતા. એક ગુંડો તેના બાપને ખુશ કરવા માટે ડૉક્ટર બનવા માગતો હતો. તે ભલે ગુંડો હતો, પરંતુ તેનું દિલ ખૂબ જ સારું હતું. આ સ્ટોરી મને ખૂબ જ પસંદ પડી હતી અને એની ચર્ચામાં ક્યારે આટલો સમય નીકળી ગયો એની પણ મને જાણ નહોતી થઈ.

આ ફિલ્મની ઑફર થઈ ત્યારે તમને એટલી સારી હિન્દી નહોતી આવડતી હતી એ સાચી વાત છે?

મને આજે પણ ક્યાં હિન્દી એટલી સારી આવડે છે. મારી હિન્દી સારી નહોતી, પરંતુ એ તો કૉન્ફિડન્સની વાત છે. હું વધુ અંગ્રેજી અને ગુજરાતીમાં વાત કરતો હતો. હિન્દી મારી ત્રીજી ભાષા હતી. જોકે હું શીખી ગયો હતો. કોઈ પણ વસ્તુ શીખી શકાય છે.

આજે તમે કઈ-કઈ ભાષા બોલી શકો છો?

હું હવે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી બોલી શકું છું. મેં મરાઠીમાં ઇન્ટરવ્યુ પણ કર્યા છે. મરાઠીમાં વાત કરવાની કોશિશ કરું છું.

આ પણ વાંચોઃ જુઓ આ એક્ટ્રેસના બિકિનીમાં હોટ અવતાર, ઉડી જશે તમારા હોશ

અમિતાભ બચ્ચને હાલમાં જ કહ્યું હતું કે બમન ઈરાની સ્ક્રીન પર હોય ત્યારે તે ગમે એ વ્યક્તિને ઝાંખી પાડી દે છે. સ્ક્રીન પર આવતાંની સાથે જ તમને શું થઈ જાય છે?

અમિતાભ બચ્ચન ખૂબ જ સારી વ્યક્તિ છે એટલે તેઓ આવું કહે છે. તેમની આ વિનમ્રતા છે. સ્ક્રીન પર જ્યારે પણ હું કામ કરતો હોઉં ત્યારે હું કોઈના પાર હાવી થઈ જઈશ અથવા તો હું કોઈને ઝાંખો પાડી દઈશ એ ધ્યાનમાં રાખીને કામ નથી કરતો. હું હંમેશાં મારા પાત્રને ધ્યાનમાં રાખું છું. આ કોઈ રેસ નથી. હું મારા કામને ફક્ત એન્જૉય કરું છું. આ બચ્ચનસાબની રીત છે લોકોના કામનાં વખાણ કરવાની. હું સ્ટોરી અને મારા દરેક દૃશ્ય માટે ખૂબ જ મહેનત કરું છું. મારા દરેક પાત્ર માટે મેં જે મહેનત કરી છે એમાં હું ત્રણ બાબત પર ખૂબ જ ધ્યાન આપું છું. પહેલું સ્ટોરી, બીજું દૃશ્ય અને ત્રીજું મારું પાત્ર. હું કોઈ દિવસ ઍક્ટર તરીકે મારા કામને લઈને ખુશ નથી થતો. હું એક પાત્ર તરીકે એને સારી રીતે કર્યું છે કે નહીં એ ફક્ત ધ્યાનમાં રાખું છું. લોકો મને વાઇરસ બોલે છે, બમન ઈરાની નહીં. આ જ કારણ છે કે લોકો મારા પાત્રને પસંદ કરે છે; કારણ કે હું પાત્ર પર વધુ ધ્યાન આપું છું, ઍક્ટર પર નહીં.

‘ખોસલા કા ઘોષલા’ અને ‘ડૉન’માં બન્નેમાં વિલનનું પાત્ર ભજવ્યું છે, પરંતુ એકબીજાથી એકદમ અલગ છે. તો આવા પાત્રની તૈયારી કેવી રીતે કરો છો?

દરેક પાત્ર જોવા જઈએ તો સરખું છે, પરંતુ એમ છતાં એકદમ અલગ છે. હું હંમેશાં સ્ટોરી પર ધ્યાન આપું છું. ત્યાર બાદ પાત્રને સમજ્યા પછી એની ઇચ્છા શું છે એ જાણવાની કોશિશ કરું છું. આ ઇચ્છા જેટલી જલદી પકડાય એટલું કામ જલદી સરળ બને છે. મારે કૅરૅક્ટરને પકડવું છે, નહીં કે ઍક્ટરને. કૅરૅક્ટરની ઇચ્છા પાછળ હું પડી જાઉં છું. આ બન્ને કૅરૅક્ટરના લુક પણ સરખા રાખે અને તેમને કપડાં પણ સરખાં પહેરાવવામાં આવે તો પણ તેમની ઇચ્છાને કારણે તેઓ અલગ તરી આવશે. આ જ મારા માટે મહત્વનું છે.

‘ડૉન’ અને ‘ડૉન ૨’ બાદ ‘ડૉન ૩’માં વર્ધાન જોવા મળશે?

આ વિશે મને કોઈ માહિતી નથી.

પ્રોડક્શન-હાઉસ શરૂ કરવાની સાથે હવે ફિલ્મમેકિંગમાં શું કરવા માગો છો?

હું હવે ફિલ્મ ડિરેક્શન કરીશ. આ માટે હું સારી સ્ટોરીની રાહ જોઈ રહ્યો છું. મેં એ માટે એક સ્ટોરી પર કામ પણ શરૂ કરી દીધુ છે. મારા માટે ફિલ્મની સ્ટોરી સૌથી મહત્વની છે.

આ પણ વાંચોઃ દીપિકા ચિખલિયાઃ જાણો આજે ક્યાં છે રામાયણની 'સીતા' ?

તમે ફૂડી છો તો તમારી ફેવરિટ ડિશ કઈ છે?

ગુજરાતીઓની જેમ પારસીઓ પણ ખૂબ જ ફૂડી હોય છે. ઓછું ખાવાનું હોય એ મને પસંદ નથી. એક મોટી પ્લેટમાં એક પત્તા પર સૉસ નાખીને ખાવાનું મને પસંદ નથી. મને પ્લેટ ભરીને ખાવાનું જોઈએ છે. મને હિન્દુસ્તાની ભોજન ખૂબ જ પસંદ છે - પછી એ પારસી હોય, ગુજરાતી હોય, સાઉથ ઇન્ડિયન હોય, પંજાબી ખાના હોય કે પછી મુગલાઈ ખાના હોય - મને બધુ જ પસંદ છે. બિરયાની માટે મને કોઈ પણ પ્લેટ આપો એ નાની જ લાગે છે.

તમને કોઈ ડિશ બનાવતાં આવડે છે?

(હસતાં-હસતાં ગુજરાતીમાં કહે છે) ફસાવી દીધોને. મને ડિશ બનાવતાં નથી આવડતું, પરંતુ ખાતાં ખૂબ જ સારી રીતે આવડે છે.

bollywood boman irani