Film Review : પાગલપંતીને સચ મેં પાગલ કિયા

23 November, 2019 12:39 PM IST  |  Mumbai | Harsh Desai

Film Review : પાગલપંતીને સચ મેં પાગલ કિયા

પાગલપંતી

જૉન એબ્રાહમ, અનિલ કપૂર અને અનીસ બઝમીની ત્રિપુટી ફરી એક વાર સાથે ફિલ્મ લઈને આવી છે. ‘વેલકમ બૅક’ બાદ તેઓ ફરી ગઈ કાલે રિલીઝ થયેલી ‘પાગલપંતી’માં સાથે જોવા મળ્યા છે. અનીસ બઝમીની ફિલ્મો ખાસ કરીને કૉમેડી હોય છે, જેને માઇન્ડલેસ કહેવું ખોટું નથી. આ માઇન્ડલેસને ધ્યાનમાં રાખીને તેમણે ‘પાગલપંતી’ બનાવી છે જેમાં અનિલ અને જૉનની સાથે અર્શદ વારસી, સૌરભ શુકલા, પુલકિત સમ્રાટ, ઇલિયાના ડીક્રુઝ, ક્રિતી ખરબંદા અને ઉર્વશી રાઉતેલાનો સમાવેશ થાય છે.

સ્ટોરી ટાઇમ
રાજ કિશોર (જૉન એબ્રાહમ)ની સાડાસાતી ચાલતી હોય છે. તે જે પણ કામ કરે છે એમાં નિષ્ફળ રહે છે. તે જેના માટે કામ કરે છે તે વ્યક્તિ બૅન્કરપ્ટ થઈ જતી હોય છે. દરેક વ્યક્તિ તેનો સાથ છોડી દે છે, પરંતુ તેના મિત્રો જંકી (અર્શદ વારસી) અને ચંદુ (પુલકિત સમ્રાટ) તેનો સાથ નથી છોડતા. જોકે આ સાથે જ જૉનની પ્રેમ કહાની પણ શરૂ થઈ ગઈ હોય છે. રાજ શરૂઆતમાં જ સંજના (ઇલિઆના ડિક્રુઝ)ને મળે છે અને તેની પાસે પણ પૈસા લઈને બિઝનેસ શરૂ કરે છે. આ બિઝનેસ ટ્રાન્સપોર્ટનો હોય છે. આ ત્રણેય મળીને જેટલો પણ બિઝનેસ કરે છે એ નિષ્ફળ રહે છે. તેઓ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે અને તેમણે પહેલી ડિલિવરી સાત કરોડ રૂપિયાની લક્ઝુરિયસ કારની કરવાની હોય છે. આ ડિલિવરી ડૉન રાજાસાહબ (સૌરભ શુકલા) અને તેમના સાળા વાઇ-ફાઇ (અનિલ કપૂર)ને ત્યાં કરવાની હોય છે. રાજાસાહબની દીકરી જાનવી (ક્રિતી ખરબંદા)નો બર્થ-ડે હોવાથી તેને આ કાર ગિફ્ટમાં આપવાની હોય છે. જોકે હંમેશાંની જેમ રાજ, જંકી અને ચંદુ સાથે ઘટના ઘટે છે અને કારનો સત્યાનાશ થઈ જાય છે. આ કારણસર પૈસા વસૂલ કરવા માટે વાઇ-ફાઇ તેમને કામ પર રાખે છે અને અહીંથી શરૂ થાય છે ‘પાગલપંતી’. સ્ટોરીમાં ટ્વિસ્ટ-નામપૂરતો-ત્યારે આવે છે જ્યારે આ ડૉનનો પણ ડૉન એટલે કે ઇનામ ઉલ હક (નીરવ મોદી)ની એન્ટ્રી થાય છે. ઇન્ડિયાની બૅન્ક પાસેથી પૈસા લૂંટી તે લંડન જતો રહ્યો હોય છે અને ત્યાં ડૉનને બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ પૂરું પાડતો હોય છે.

ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
ફિલ્મમાં સ્ટોરી જેવું કંઈ છે જ નહીં અને એ શોધવા પણ બેસવું સૌથી મોટી ભૂલ છે, કારણ કે આ એક માઇન્ડલેસ ફિલ્મ છે. બૉલીવુડની કૉમેડી ફિલ્મ એટલે માઇન્ડલેસ કહેવું ખોટું નથી. જોકે હવે ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી હળવી કૉમેડી ફિલ્મો પણ બની રહી છે. ‘પાગલપંતી’નો સ્ક્રીનપ્લે રાજીવ કૌલ, પ્રફુલ પારેખ અને અનીસ બઝમીએ લખ્યો છે. જોકે એમાં ઘણી તકલીફ છે. સ્ક્રિપ્ટને સાઇડ પર મૂકવામાં આવે તો પણ ઘણી ભૂલ દેખાઈ આવે છે. ફિલ્મની શરૂઆત રાજથી થાય છે. ત્યાર બાદ તે સીધો સંજના સાથે ગીત ગાતો જોવા મળે છે. ત્યાર બાદ સંજના તેના ઘરે જઈ તેને લગ્ન માટે છોકરો મળી ગયો છે એમ કહે છે. અહીં તમામ દૃશ્ય તો જમ્પ થાય જ છે, પરંતુ સ્ટોરી પણ જમ્પ થાય છે. કોઈ પણ પ્રકારનું કન્ટિન્યુએશન અહીં નથી લાગતું. જબરદસ્તીથી ગીતનો સમાવેશ કર્યો છે. ૧૬૫ મિનિટની આ ફિલ્મ ખૂબ જ લાંબી છે.

સ્ક્રીનપ્લેમાં થોડો ચેન્જ કરીને એને ૨૦થી ૨૫ મિનિટ ટૂંકી કરી વધુ અસરકારક બનાવી શકાઈ હોત. ફિલ્મમાં કૉમેડી, રોમૅન્સ, લક્ઝુરિયસ કાર્સ, કાર ચેઝ સીન અને દેશભક્તિ ઉમેરવાની લાયમાં ફિલ્મ એની મૂળ સ્ટોરી પરથી ભટકી જાય છે. ઇન્ટરવલ બાદની ૧૫ મિનિટ ખૂબ જ બોરિંગ લાગે છે, પરંતુ અનીસ બઝમી ફરી એને ટ્રૅક પર લઈ આવે છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ એન્ટરટેઇનમેન્ટ છે અને એ બિલકુલ હસાવે છે, પરંતુ ફિલ્મની લંબાઈને કારણે એ થોડી બોરિંગ લાગે છે. જંકીના ભાગે ખૂબ જ સારા ડાયલૉગ લખવામાં આવ્યા છે. તેમ જ સ્ક્રીનપ્લેમાં ડીટેલમાં કામ કરવામાં આવ્યું છે જેમ કે જંકી, રાજ અને ચંદુ હૉસ્પિટલમાં હોય તો બેડ પર ડૉક્ટરના નામ તરીકે ટ્રમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે અનીસ બઝમીએ ડાયલૉગ જ નહીં, સ્ક્રીન દ્વારા પણ હ્યુમર ફેલાવવાની કોશિશ કરી છે. જોકે તેની બાકીની ફિલ્મ જેવી જ આ ફિલ્મ પણ હોવાથી કોઈ નવીનતા નથી લાગી રહી.

ડિરેક્શનની વાત કરીએ તો અનીસ બઝમી તેના ઝોનમાંથી બહાર નથી આવ્યો. ‘વેલકમ’, ‘વેલકમ બૅક’ અને ‘મુબારકાં’ જેવું જ આ ફિલ્મનું પણ ડિરેક્શન છે. એક-એક કરીને પાત્રને ઇન્ટ્રોડ્યુસ કરીને એન્ડમાં ખીચડો કરવાની અનીસ બઝમીની સ્ટાઇલ છે. જોકે આ ફિલ્મનો એન્ડ પણ એટલો જોરદાર નથી.

આ પણ જુઓ : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

ઍક્ટિંગ
જૉન એબ્રાહમ ઍક્શનની સાથે ઘણા સમયથી કૉમેડી પણ કરતો આવ્યો છે. જોકે આ ફિલ્મમાં તેની કૉમેડી વધુ સારી દેખાઈ રહી છે. પહેલાંની ફિલ્મોમાં તે જબરદસ્તીથી કૉમેડી કરતો હોય એવું લાગતું હતું, પરંતુ અહીં એમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમ જ તેના કૉમેડી ટાઇમિંગમાં પણ ગજબનો સુધારો આવ્યો છે. જોકે તેને સારી પંચલાઇન આપવામાં નથી આવી. અર્શદ વારસી, અનિલ કપૂર અને સૌરભ શુક્લા તેમના પાત્રમાં ખૂબ જ અદ્ભુત છે. ફિલ્મમાં જેટલી પણ કૉમેડી છે એમાં તેમનો ખૂબ જ મોટો હાથ છે. આ સિવાય ક્રિતી ખરબંદાએ તેની કરીઅરનું એકદમ હટકે પાત્ર ભજવ્યું છે. તે એક કમઅક્કલ છોકરીના પાત્રમાં જોવા મળી છે અને એ તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે, પરંતુ તેને સ્ક્રીન ટાઇમ ઓછો આપવામાં આવ્યો છે. આવું જ ઇલિઆનાનું પણ છે. તેની પાસે પણ ખૂબ જ ઓછો સ્ક્રીન ટાઇમ છે.

ફિલ્મમાં સરપ્રાઇઝ છે પુલકિત સમ્રાટ
તેની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહોતી રાખવામાં આવી એમ છતાં તેણે ધારવા કરતાં ખૂબ જ સારું કામ કર્યું છે. ઉર્વશી રાઉતેલા તેના રોલમાં મિસફિટ છે અને તે નામ પૂરતી જ ફિલ્મમાં છે એમ કહેવું ખોટું નથી. આ સાથે જ ઇનામ ઉલ હક પણ એક સરપ્રાઇઝ પૅકેજ છે. નીરવ મોદી પરથી પ્રેરણા લઈને આ પાત્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ ઍક્ટિંગ સિવાય તેની સ્ટોરીમાં એટલો દમ નથી. આ પાત્રને વધુ એક્સપ્લોર કરી શકાયું હોત અથવા તો નીરવ મોદીએ કરેલા કારનામાને લઈને ડિરેક્ટર તેમનું મંતવ્ય પણ રજૂ કરી શક્યા હોત.

આ પણ જુઓ : PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

માઇન્સ પૉઇન્ટ
બૉલીવુડમાં હવે ભૂત તરીકે હિરોઇનોનો સમાવેશ કરવામાં આવે છે અને એ પાછળનું લૉજિક હજી સુધી જાણવા નથી મળ્યું. આ ફિલ્મમાં ઉર્વશીને ભૂત તરીકે દેખાડવામાં આવી છે અને તે સેક્સી ડાન્સ કરે છે. જોકે આ પાત્રની જરૂર નહોતી લાગી અને ફક્ત અર્શદ વારસી માટે હિરોઇનનું પાત્ર આ રીતે ઍડ કરવું થોડું વિચિત્ર લાગે છે. અનિલ કપૂરને પોતાની ટીમમાં સમાવેશ કરવા માટે તેનામાં દેશભક્તિની ભાવના જગાડવામાં આવે છે. વિરાટ કોહલી અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો રેફરન્સ આપી દેશભક્તિ જગાડવામાં કોઈ કૉમેડી નથી થતી.

પ્લસ પૉઇન્ટ
અનીસ બઝમીની આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે એનું સ્વચ્છ અભિયાન. આ ફિલ્મમાં એક પણ ડબલ મીનિંગ જોક્સ નથી. કૉમેડીના નામે બૉલીવુડમાં ડબલ મીનિંગ જોક્સ અને સેક્સ વેચવામાં આવે છે, પરંતુ અનીસ બઝમીની એ ખાસિયત છે કે તેઓ ક્લીન કૉમેડી બનાવે છે. તેમ જ ફિલ્મનાં પાત્રોને પોતાના પર પણ ભરોસો નથી હોતો અને એથી કૉમેડી થાય છે. એન્ડમાં ‘કર્મા’ ફિલ્મનું ગીત ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે...’ ફિલ્મનાં પાત્રો દ્વારા ગાવામાં આવે છે. આ ગીત પહેલાં દેખાડવામાં આવેલી વગરકામની દેશભક્તિને કારણે આ ગીતમાં પણ કૉમેડી લાગે છે.

મ્યુઝિક
મ્યુઝિકના ડિપાર્ટમેન્ટમાં ફિલ્મ પહેલેથી થોડી પાછળ છે. ફિલ્મમાં પાંચ ગીત છે અને એમાંનું એક યો યો હની સિંહનું ‘ઠુમકા’ છે. જોકે હની સિંહ હોવા છતાં પણ આ ગીત એટલું પૉપ્યુલર નથી રહ્યું. ગીતની સાથે ફિલ્મમાં પણ તેનો સમાવેશ કરવામાં શું કામ આવ્યો એ મોટો પ્રશ્ન છે.

આખરી સલામ
કોઈ પણ પ્રકારનું મગજ ચલાવ્યા વગર અને અનીસ બઝમી અને ક્લીન કૉમેડીના ફૅન હો તો તમને પસંદ આવી શકે છે.
harsh.desai@mid-day.com

bollywood bollywood movie review