14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ધર્મેન્દ્રએ તેમના જીવનમાં બે લગ્ન કર્યાં છે. તેમની પ્રથમ પત્નીનું નામ પ્રકાશ કૌર છે. ૧૨ જૂને તેમનાં લગ્નને ૭૧ વર્ષ પૂર્ણ થયાં. ધર્મેન્દ્ર જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે ૧૯૫૪માં તેમનાં લગ્ન પ્રકાશ સાથે થયાં હતાં. તેમની ઍનિવર્સરીએ દીકરા બૉબી દેઓલે તેમનો એક પ્યારો ફોટો શૅર કર્યો છે જેના પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. બૉબી દેઓલે આ તસવીર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ મમ્મી અને પપ્પા.’
ધર્મેન્દ્ર અને પ્રકાશનાં સની દેઓલ, બૉબી દેઓલ અને બે પુત્રીઓ અજિતા દેઓલ અને વિજેતા દેઓલ એમ ચાર સંતાનો છે. બૉલીવુડમાં ઍક્ટર બન્યા પછી ૧૯૭૦માં ધર્મેન્દ્રની મુલાકાત હેમા માલિની સાથે થઈ. ઘણી મુશ્કેલીઓ બાદ ધર્મેન્દ્ર અને હેમાએ ૧૯૮૦માં લગ્ન કર્યાં અને તેમની ઇશા અને અહાના નામની બે પુત્રીઓ છે. હેમા માલિની સાથે લગ્ન કરતાં પહેલાં ધર્મેન્દ્ર અને પ્રકાશે છૂટાછેડા લીધા નથી અને આ જ કારણે ધર્મેન્દ્ર અને હેમાએ ધર્મ બદલીને લગ્ન કરવાં પડ્યાં હતાં.