દોઢ વર્ષથી મેં દારૂને સ્પર્શ પણ નથી કર્યો, મને વિશ્વાસ નહોતો કે આ બદલાવ આટલો સરળ હશે

20 April, 2026 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉબી દેઓલે કહ્યું કે મારા સંબંધો અને જીવન પર શરાબનો નકારાત્મક પ્રભાવ પડવા લાગ્યો એટલે હું જાગી ગયો

બૉબી દેઓલ

બૉબી દેઓલે હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને મોટો ખુલાસો કર્યો છે. બૉબીએ જણાવ્યું હતું કે મેં લગભગ દોઢ વર્ષથી ડ્રિન્કિંગ છોડી દીધું છે અને હવે મને આની કોઈ ખોટ સાલતી નથી.

પોતાના જીવનમાં આવેલા આ ફેરફાર વિશે બૉબીએ કહ્યું હતું કે ‘એક સમય એવો હતો જ્યારે શરાબ મારી જિંદગીનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો હતો. શરૂઆતમાં મને લાગતું હતું કે આ મને સહારો આપે છે, પરંતુ ધીમે-ધીમે એનો પ્રભાવ મારા સંબંધો અને જીવન પર નકારાત્મક રીતે પડવા લાગ્યો. એક અભિનેતા માટે તેનું શરીર અને ચહેરો તેની ઓળખ હોય છે અને જ્યારે એ જ ખરાબ દેખાવા માંડે ત્યારે કારકિર્દી પર પણ અસર પડે છે. ઉંમર વધતાં હું વધુ થાક અનુભવી રહ્યો હતો, એ પછી મને સમજાયું કે હવે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.’

અત્યારની પોતાની સ્થિતિ વિશે વાત કરતાં બૉબીએ કહ્યું હતું કે ‘હું સંપૂર્ણપણે આ આદતમાંથી બહાર આવી ગયો છું. અંદાજે દોઢ વર્ષથી મેં દારૂને સ્પર્શ પણ નથી કર્યો. મને પોતાને પણ વિશ્વાસ નહોતો કે આ બદલાવ આટલો સરળ બની શકે છે. મેં મારા બે જન્મદિવસ અને બે નવાં વર્ષ પણ દારૂ વિના ઊજવ્યાં અને મને કોઈ ખોટ લાગી નથી. આ બદલાવથી મારી વિચારધારા અને જીવનશૈલી બન્નેમાં સકારાત્મક અસર પડી છે.’

bobby deol entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz