સુશાંત સિંહ રાજપૂતની બાયૉપિક પર પ્રતિબંધની માગણી, દિલ્હી હાઈકોર્ટની મેકર્સને નોટિસ

20 April, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતાના પિતા કે.કે. સિંહે પ્રતિબંધની કરી છે માગણી

સુશાંત સિંહ રાજપૂત

૧૪ જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક વર્ષ થવામાં બસ થોડાક જ મહિના બાકી છે. અભિનેતાએ આત્મહત્યા કરી છે કે પછી તેનુ મર્ડર કરવામાં આવ્યું હતું તે બાબત હજી પણ રહસ્ય જ છે. જોકે, અભિનેતાના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI), નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિત પાંચ એજન્સીઓ કરી રહી છે. એક બાજુ સુશાંતના ફૅન્સ હજી પણ તેના મૃત્યુના ગમમાંથી બહાર નથી આવ્યા અને બીજી બાજુ ફિલ્મમેકર્સ અભિનેતાના જીવન પરથી અનેક લોકોને પ્રેરણા મળે તે માટે ફિલ્મ બનાવવાની યોજનાઓ બનાવી રહ્યાં છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતાઓની મુશ્કેલી વધી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર આધારિત બાયૉપિક બનાવનારા અભિનેતાઓને દિલ્હી હાઈ કોર્ટે નોટિસ મોકલી છે. સ્વર્ગીય અભિનેતાના પિતા કે.કે.સિંહે દીકરાના જીવન પર બનતી બાયૉપિક પર રોક લગાડવાની માગણી કરી છે. આ અરજીની સુનાવણી કરતા કોર્ટે ફિલ્મ નિર્માતાઓને નોટીસ મોકલી છે અને જવાબ આપવાનું કહ્યું છે.

૩૩ વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂને બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ પાંચ એજન્સીઓ કરી છે. અભિનેતાના કેસમાં તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ આત્મહત્યા છે કે હત્યા. સમય સાથે જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ એજન્સીઓએ એનડીપીએસ કોર્ટમાં ૩૩ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ૩૩ આરોપીઓ છે. એનડીપીએસ કોર્ટે એનસીબી દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટની પ્રશંસા કરી હતી પણ હજી સુનાવણી બાકી છે.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સ અભિનેતાના નિધનથી બહુ દુઃખી છે. તેમની ભાવનાઓને માન આપીને કેટલાક ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકે તેના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ફિલ્મ મેકર વિજય શેખર સુશાંતના જીવન પર ફિલ્મ બનાવવાના છે અને તેનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પ્રેરણાદાયક હોવાનું કહેવાય છે. નૉન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલા લોકોને કાસ્ટ કરવામાં આવશે. તેમજ નેપૉટિઝમનો મુદ્દો પણ તેમાં દેખાડવામાં આવશે. હવે આ ફિલ્મને સરલા સારાગોઈ અને રાહુલ શર્મા પ્રોડયુસ કરશે અને દિગ્દર્શન દિલીપ ગુલાટી કરશે. આ ફિલ્મમાં સુશાંતની ભૂમિકામાં અભિનેતા ઝુબૈર ખાન હશે અને રિયા ચક્રવર્તીની ભૂમિકામાં અનેક વૅબ સિરીઝમાં અભિનય કરનાર અભિનેત્રી શ્રેયા શુક્લ જોવા મળશે. પરંતુ હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ અરજી કરતા બાયૉપિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

entertainment news bollywood bollywood news sushant singh rajput delhi high court